લાખો લોકોની આસ્થા રાજનીતિ સામે જીતી
- શ્રદ્ધાળુઓનું મોં મીઠું : અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ મળશે, ભક્તો ખુશખુશાલ
- યાત્રાધામ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને સરકાર વચ્ચે મંત્રણા પછી પ્રવક્તા મંત્રીએ કહ્યું મોહનથાળની સાથે ચિક્કી પણ ચાલુ રહેશે
- ક્વૉલિટી સુધારવા પ્રસાદ ઉપર પણ દવાની જેમ વિગતો લખવા રાજ્ય સરકારનું સૂચન
ગાંધીનગર : યાત્રાધામ અંબાજીમાં પ્રસાદના વિવાદનો અંત આવ્યો છે. આખરે રાજનીતિ સામે આસ્થાની જીત થઇ છે. યાત્રાધામ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને રાજ્ય સરકાર વચ્ચે થયેલી મંત્રણા પછી મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે તેની સાથે ચિક્કીનો પ્રસાદ પણ ચાલુ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. ભક્તોએ ક્યો પ્રસાદ લેવો તે તેમના પર છોડવામાં આવ્યું છે.
પ્રસાદ મુદ્દે સર્જાયેલા ભારે વિવાદ અને પ્રદર્શનો વચ્ચે ટ્રસ્ટ સાથે થયેલી ચર્ચાને અંતે રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે પ્રસાદ એ ભક્તોની આસ્થાનો વિષય છે. મંદિર ટ્રસ્ટ જે નક્કી કરે તે પ્રસાદ તરીકે માન્ય ગણાય છે. આજે જે બેઠક થઇ છે તેમાં મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે પરંતુ આ પ્રસાદની ગુણવત્તા ઉત્તમ કક્ષાની બને તે માટે ટ્રસ્ટ નીતિ-નિયમો બનાવશે.
મંત્રીએ વધુમાં જણાવ્યું કે અંબાજીમાં હાલ વિતરીત થતો ચિક્કીનો પ્રસાદ પણ ઉચ્ચ ગુણવત્તા ધરાવે છે પરંતુ ભક્તોએ ક્યો પ્રસાદ લેવો તેનો નિર્ણય તેમણે કરવાનો છે. લોકોની આસ્થા મોહનથાળ સાથે જોડાયેલી હોવાથી મંદિર ટ્રસ્ટ આ પ્રસાદ ફરી શરૂ કરશે. સરકારે દાવો કર્યો છે કે અમે ટ્રસ્ટ અને ભક્તો વચ્ચે મધ્યસ્થી કરી છે પરંતુ હકીકતમાં ચિક્કીનો પ્રસાદ રાખવાનો નિર્ણય પોલિટીકલ હોવાથી તેનો ચોમેર વિરોધ થયો છે.
અંબાજી મંદિર પરિસરમાં છેલ્લા ૧૨ દિવસથી મોહનથાળના પ્રસાદનું વિતરણ બંધ કરવામાં આવ્યું છે પરંતુ હવે સમાધાન થતાં ફરીથી આ પ્રસાદ શરૂ કરાશે. ગાંધીનગરમાં અંબાજી મંદિરના સંચાલકો, વહીવટદાર અને પૂજારી બ્રાહ્મણોની મુખ્યમંત્રી ઉપરાંત સરકારના બે મંત્રીઓ ઋષિકેશ પટેલ તેમજ હર્ષ સંઘવી સાથે મંત્રણા થઇ હતી. આ બેઠકમાં વર્ષો જૂનો અને લોકોની આસ્થા સાથે સંકળાયેલા પ્રસાદને ચાલુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રવક્તા મંત્રીએ કહ્યું હતું કે ટ્રસ્ટને એવી સૂચના આપવામાં આવી છે કે મોહનથાળના પ્રસાદની ક્વોલિટીમાં સુધારો કરે અને પ્રસાદ બનાવતી એજન્સીઓ સાથે ટેન્ડરીંગ કરીને નિર્ણય કરે, કે જેથી માઇભક્તોને પણ ખબર પડે કે મોહનથાળમાં ચણાનો લોટ કેટલો છે, ઘી કેટલું અને સાકર કે ખાંડ કેટલી ઉપયોગમાં લેવાઇ છે. આ પ્રસાદના પેકેટ પણ આકર્ષક બનાવવામાં આવશે.
પ્રસાદ બંધ કરવાનો નિર્ણય કોનો હતો તે અંગે મંત્રીએ ચૂપકિદી સાધી હતી પરંતુ કહ્યું હતું કે ધાર્મિક સંસ્થાના સંતોનું માનવું હતું કે મોહનથાળ ચાલુ કરવામાં આવે. માતાજીના દર્શન કરવા આવે તેવા ભક્તોની પણ માગણી હતી. ૩૭ વર્ષથી આ પ્રથા ચાલુ હતી. જો કે મોહનથાળની ક્વોલિટી એકધારી રહે તે ટ્રસ્ટે જોવાનું રહેશે.
મંત્રીએ કહ્યું હતું કે સરકારે પ્રસાદની ગુણવત્તા અંગે સૂચનો આપ્યાં છે. ટ્રસ્ટ અને જિલ્લા કલેક્ટર હવે પછી ગાઇડલાઇન નક્કી કરશે. દવા પર ઇન્ગ્રેડીયન્સ લખ્યાં હોય તેવું લખાણ પેકેટ પર કરવાનું રહેશે. ચિક્કી અને મોહનથાળ એમ બન્ને પ્રસાદ આસ્થા પ્રમાણે લોકો લઇ શકશે. આ નિર્ણયના કારણે અંબાજી માતાના દર્શને જતા માઇભક્તો ખુશખુશાલ થઇ ગયા હતા.
કલેક્ટરે ધરણાં પર પ્રતિબંધ મૂકી દીધો...
અંબાજી મંદિરમાં મોહનથાળ વિરૂદ્ધ ચિક્કીના પ્રસાદનો વિવાદ વકરતાં જિલ્લા કલેક્ટર અને યાત્રાધામ ટ્રસ્ટના વહીવટદારે મંદિર પરિસર અને વીઆઇપી ગેટ-૭ પાસે ધરણાં, રેલી કે પ્રદર્શન પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડયું છે.
મંદિર પ્રશાસને નોટિસ લગાવી દીધી છે જેનો અમલ ૨૪મી સુધી રહેશે.
Comments
Post a Comment