PCBએ દરોડા પાડી સટ્ટા બેટીંગનું રૂ.બે હજાર કરોડનું કૌભાંંડ ઝડપ્યું
અમદાવાદ,રવિવાર
અમદાવાદના માધુપુરામાં આવેલા સુમેલ બિઝનેસ પાર્કમાં આવેલી એક ફર્મમાં પીસીબી (પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાંચ) દ્વારા શનિવારે પાડવામાં હતા. જેમાં રૂપિયા બે હજાર કરોડના ક્રિકેટ સટ્ટા નેટવર્ક અને ડબ્બા ટ્રેડીંગના ગુજરાતના અત્યાર સુધીના સૌથી મોટા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સાથેસાથે પોલીસે ૧૯૩ સીમ કાર્ડ, ૫૩૮ ડેબીટ કાર્ડ, ચેકબુક જપ્ત કરી છે. બિઝનેસ ફર્મની આડમાં દુબઇમાં રહેતા બુકીઓ સાથે ક્રિકેટ સટ્ટાનું સૌથી મોટું નેટવર્ક પણ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ત્યારે પીસીબીએ આ અંગે ચાર લોકોની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.પીસીબીના સ્ટાફને બાતમી મળી હતી કે માધુપુરા સુમેલ બિઝનેસ પાર્કના જે બ્લોકમાં આવેલી એક ઓફિસમાં હર્ષિત જૈન નામનો વ્યક્તિ મહાવીર એન્ટરપ્રાઇઝ નામની ફર્મની આડમાં ક્રિકેટ સટ્ટા બેટિંગ અને ડબ્બા ટ્રેડીંગનો મોટાપાયે ગેરકાયદેસર ધંધો કરે છે. જે બાતમીના આધારે પીસીબીની પીઆઇ ટી આર ભટ્ટ સહિતના કાફલાએ શનિવારે સાંજે દરોડો પાડયો હતો. જેમાં તપાસ કરતા ઓફિસમાંથી (૧) જીતેન્દ્ર હીરાગર (રહે.લક્ષ્મીનગર, સાબરમતી), (૨) સતીષ પરિહાર (રહે.નંદનવન એપાર્ટમેન્ટ, નવા વાડજ), (૩) અંકિત ગેહલોત (રહે.રત્નાસાગર સોસાયટી, મેઘાણનગર) અને નિરવ પટેલ (રહે.શુભમ ગેલેક્ષી, નવા નરોડા) નામના સ્ટાફના વ્યક્તિ મળી આવ્યા હતા. આ ઉપરાત, ઓફિસમાં સર્ચ કરતા પોલીસ ચોંકી ઉઠી હતી.પોલીસને સ્થળ પરથી ૫૩૮ ડેબીટ કાર્ડ, ૫૩૬ ચેકબુક,૧૯૩ સીમ કાર્ડ, ચાર સ્વેપીંગ મશીન, અને ત્રણ લેપટોપ તેમજ મોબાઇલ ફોન મળી આવ્યા હતા. જીતેન્દ્ર પાસેથી મળી આવેલા મોબાઇલમાં ક્રિકેટ સટ્ટાની સાઇટ પર ઓનલાઇન રમાઇ રહેલા સટ્ટાની વિગતો મળી હતી. જે બાદ જીતેન્દ્ર હીરાગરની પુછપરછમાં એક પછી એક અનેક ચોંકાવાનારા ખુલાસા કરતા જણાવ્યું હતું કે શાહીબાગ ઘેવર કોમ્પ્લેક્સ પાસે આવેલી આવેલી પલ્લવી સોસાયટીમાં રહેતો હર્ષિલ બાબુભાઇ જૈન આ ઓફિસની માલિકી ધરાવે છે અને તે ક્રિકેટ સટ્ટા અને ડબ્બા ટ્રેડીંગનું નેટવર્ક ધરાવે છે. તે ડમી બેંક એકાઉન્ટ ખોલાવવા માટેના દસ્તાવેજો જીતેન્દ્ર અન ડી કેબિન સાબરમતીમાં રહેતા જીગર ભાવસાર નામના વ્યક્તિ સાથે મળીને ડમી બેંક એકાઉન્ટ ખોલતા હતા. બાદમાં તે દસ્તાવેજોનો ઉપયોગ મોબાઇલ સીમ કાર્ડ લેવા માટે કરતા હતા. બીજી તરફ બેંકની ચેકબુક અને ડેબીટ કાર્ડ બેંકમાંથી ડીસ્પેચ થાય તે પહેલાં જ તે બેંકથી જ મેળવી લેતા હતા. બાદમાં જીતેન્દ્ર આ સીમ કાર્ડ રાજસ્થાનમાં રહેતા ડેવીડ અને મેસી નામના કોડ ધરાવતા યુવકો, અમદાવાદના નિકુંજ અગ્રવાલ અને કૃણાલ તેમજ મુંબઇમાં ગરૂડા નામના વ્યક્તિને મોકલી આપતો હતો. જે ઓનલાઇન બેંકીગથી સટ્ટા બેટિંગની અલગ અલગ સાઇટમાં લોગઇન કરીને નાણાંકીય વ્યવહારો કરી ઓનલાઇન સટ્ટા બેટીંગની સાઇટના માલિકો સાથે મળીને બુકીઓ અને સટ્ટોડિયા વચ્ચે સટ્ટો બુક કરાવીને કરોડાના આર્થિક વ્યવહાર કરતા હતા. જેમાં એક લાખના નાણાંકીય વ્યવહારમાં હર્ષિલને સાડા ત્રણ ટકા જેટલું કમિશન મળતું હતું. પોલીસે તપાસ કરતા સટ્ટા બેટિંગમાં વિવિધ ડમી બેંક એકાઉન્ટમાં અત્યાર સુધીમાં રૂપિયા બે હજાર કરોડના વ્યવહાર થયાનું પણ બહાર આવ્યું હતું. તેમજ વેલોસીટી સર્વરનો ઉપયોગ કરીને કરોડા રૂપિયાના આર્થિક વ્યવહાર કરાયા હતા.જે બાદ પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરીને હર્ષિલ સહિત ૨૦ લોકો વિરૂદ્વ આઇપીસી, ઇન્ફોર્મેશન ટકનોલોજી એમેડમેન્ટ એક્ટ અને સિક્યોરીટી કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
દુબઇના આઠ મોટા બુકીઓના નામ બહાર આવ્યા
પીસીબીને કેસની તપાસમાં ક્રિકેટ સટ્ટા બેંટિંગની આઠ જેટલી વેબસાઇટ અંગે માહિતી મળી હતી. જેમાં લોગઇન કરીને બુકીઓ માત્ર ભારતમાંથી જ નહી વિદેશના અન્ય દેશોમાં પણ સટ્ટો બુક કરવામાં આવતો હતો. સટ્ટા બેટિંગની વેબસાઇટ દુબઇમાં રહેતા સૌરભ ચંદ્રાકર, અમિત મજેઠિયા, માનુસ શાહ, અન્ના રેડ્ડી, કમલ, કાર્તિક , જીતેન્દ્ર ઠક્કર અને વિવેક જૈન નામના બુકીઓ દ્વારા ચલાવવામાં આવતી હતી. આઇપીએલની મેચને લઇને બુકીઓએ અનેક નવી લાઇન શરૂ કરી હતી. જેથી આગામી સમયમાં તપાસ બાદ અનેક મોટા ખુલાસા થવાની શક્યતા છે.
પીસીબી ઇડી, ઇન્કમટેક્ષ અને ટ્રાઇને રિપોર્ટ કરશે
ગુજરાતમાં ઝડપાયેલા અત્યાર સુધીના સૌથી મોટા સટ્ટાબેટિંગ-ડબ્બા ટ્રેડીંગના કેસમાં રૂપિયા બે હજાર કરોડના નાણાંકીય વ્યવહાર થયાનું સામે આવ્યા છે. જેથી પીસીબી આ અંગે ઇન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ, ઇન્કમ ટેક્ષ ડીપાર્ટમેન્ટ અને ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરીટીને રિપોર્ટ કરશે. સાથેસાથે કેસની તપાસમાં બેંકિગ ક્ષેત્ર સાથે જોડાયેલી એક્સપર્ટ ટીમની પણ મદદ લેવામાં આવશે.
Comments
Post a Comment