ખેડૂતની જમીન વેચાણના ૫૦ લાખ રૂપિયાની ઉચાપત કર્યાની ફરિયાદ

અમદાવાદ,બુધવાર

અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઇ તાલુકાના ધામતવણ ગામમાં રહેતા ખેડૂતની રૂપિયા ૧.૧૫ કરોડની જમીન ખરીદી કરવાનું કહીને વાસણામાં રહેતા મનીષ ત્રિવેેદી નામના વ્યક્તિએ ૬૫ લાખ રૂપિયાની ચુકવણી બાદ અચાનક સોદો રદ કરીને જમીન બીજાને ઉંચી કિંમતે વેચાણ કરીને પુરેપુરી રકમ વસુલી હતી. પરંતુ,બાકીના ૫૦ લાખ રૂપિયાની રકમ મુળ ખેડૂતોને પરત કરી નહોતી. આમ, તેણે છેતરપિંડી કરતા કણભા પોલીસે ખેડૂતોની ફરિયાદને આધારે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઇ તાલુકાના ધામતવણ ગામમાં રહેતા મગનજી સોલંકીએ નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તેઓ ગામની સીમમાં ચાર વિઘા જેટલી વડીલો પાર્જીત જમીનની સહમાલિકી ધરાવે છે. નાણાંની જરૂરિયાત હોવાને કારણે તેમણે જમીન વેચાણ માટે મુકી હતી. જે અંગે જમીન દલાલ ગોપાલભાઇ ઠાકોરે અમદાવાદના વાસણામાં આવેલી અરિહંસ સોસાયટીમાં રહેતા મનીષ ત્રિવેદીને પસંદ આવતા વિઘા દીઠ રૂપિયા ૩૫ લાખ મળીને કુલ રૂપિયા ૧.૩૦ કરોડની જમીન ખરીદવાનુ નક્કી કરાયું હતું. જે પૈકી મનીષે પાંચ લાખ બાનુ આપીને બાનાખાત કર્યો હતો. જે બાદ લગભગ દોઢ વર્ષ સુધી તેણે અલગ અલગ વ્યવહારો કરીને કુલ ૬૫ લાખ જેટલી રકમ ચુકવી આપી હતી.  જો કે તે પછી મનીષે મગનભાઇને કહ્યું હતું કે તેની પાસે નાણાં નથી જેથી આ જમીન વેચાણે નહી રાખી શકે પરંતુ, આ જમીન અન્ય લોકો ખરીદી લેશે. તે માટે વેચાણ કરાર કરી દેજો. જે નાણાં જમીન ખરીદનાર આપશે ત્યારે તમને ચુકતે કરી દઇશ અને તમારે આ જમીન ખરીદનાર પાસેથી નાણાં માંગવાના રહેશે નહી. જેથી મગનભાઇ વિશ્વાસ કરીને આ જમીન જુન ૨૦૧૯માં મનસુખભાઇ જેસંગભાઇ અને ગુલામ ગૌસ મોહંમદ મીયાને વેચાણે આપી હતી. જો કે આ દરમિયાન તેણે જમીન ખરીદનાર પાસેથી ૧.૩૦ કરોડની રકમ લઇ લીધી હતી. અને  મગનભાઇને બાકીની ૫૦ લાખની રકમ ચુકવી આપવાની ખાતરી મનીષે આપી હતી. પરંતુ, એક વર્ષ સુધી તેણે નાણાંની ચુકવણી કરતા જમીન વેચાણ રાખનાર , મગનભાઇ અને જમીન દલાલ મનીષની અંજલી ચાર રસ્તા પાસે આવેલી ઓફિસ પર ગયા હતા. ત્યારે બાકીની ૫૦ લાખની રકમ એક વર્ષમાં ચુકવવાની સાથે એક ટકો વ્યાજ આપવાની ખાતરી આપી હતી. પરંતુ,તે બાદ પણ રકમ ન ચુકવતા  આ અંગે કણભા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો