એરિક ગારસેટી ભારતમાં અમેરિકાના નવા રાજદૂત બન્યા, USના વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે શપથ લેવડાવ્યા
Image : twitter |
અમદાવાદ, 25 માર્ચ 2023, શનિવાર
લોસ એન્જલસના ભૂતપૂર્વ મેયર એરિક ગારસેટીને ભારતમાં અમેરિકાના નવા રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. યુએસ વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે ગઈકાલે ઔપચારિક રીતે એરિક ગારસેટીને ભારતમાં યુએસ એમ્બેસેડર તરીકે શપથ લેવડાવ્યા હતા.
ભારતમાં અમેરિકી રાજદૂતનું પદ છેલ્લા બે વર્ષથી ખાલી હતું. આ મહિનાની શરૂઆતમાં યુએસ સેનેટે ભારતમાં આગામી યુએસ એમ્બેસેડર તરીકે એરિક ગારસેટીના નામાંકનની પુષ્ટિ કરી હતી. આ માટે જ્યારે રાજદ્વારીના કાર્ય વિશે પૂછવામાં આવ્યું ત્યારે ગારસેટીએ કહ્યું હતું કે હું મારા દેશની સેવા કરવા માટે ઉત્સુક છું. આ શપથ સમારોહમાં એરિક ગારસેટીના પરિવારના સભ્યો અને નજીકના મિત્રોએ હાજરી આપી હતી.
એરિક ગારસેટી કોણ છે?
એરિક ગારસેટીનો જન્મ 4 ફેબ્રુઆરી, 1971ના રોજ લોસ એન્જલસમાં થયો હતો. એરિક એક ઉત્સુક ફોટોગ્રાફર, જાઝ પિયાનોવાદક અને સંગીતકાર છે. તેઓ યુએસ નેવીના રિઝર્વ ઇન્ફોર્મેશન ડોમિનેન્સ કોર્પ્સમાં લેફ્ટનન્ટ રહી ચૂક્યા છે. વર્ષ 2013માં પ્રથમ વખત તેણે લોસ એન્જલસની મેયરની ચૂંટણી લડી અને જીતી હતી ત્યારબાદ વર્ષ 2017માં ફરી મેયર બન્યા હતા. આ પહેલા 2006થી 2012 સુધી તેઓ લોસ એન્જલસ સિટી કાઉન્સિલના પ્રમુખ પણ રહી ચુક્યા છે. તેઓ મેયર તરીકે ચૂંટાયા તે પહેલા તેઓ અને તેમનો પરિવાર ઇકો પાર્કમાં રહેતા હતા. એરિક ગારસેટીને બિડેનની નજીક માનવામાં આવે છે. 50 વર્ષીય એરિક રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જો બિડેનના ચૂંટણી અભિયાનનો ભાગ હતા.
Comments
Post a Comment