કેન્દ્ર સરકારમાં 10 લાખ જેટલી નોકરીઓ ખાલી


- એક માર્ચ, 2021ની સ્થિતિ મુજબ સરકારે બહાર પાડેલા આંકડા

- સૌથી વધુ 2.93 લાખ જગ્યા રેલવેમાં ભરવાની બાકી : કેન્દ્રીય પર્સોનેલ મંત્રાલયના રાજ્ય કક્ષાના પ્રધાન જિતેન્દ્ર સિંહે લોકસભામાં માહિતી આપી

- સંરક્ષણ વિભાગમાં 2.64 લાખ, ગૃહમાં 1.43 લાખ, ટપાલમાં 90,050 , રેવન્યુમાં 80,243, ઇન્ડિયન ઓડિટ એન્ડ એકાઉન્ટમાં 25,943 , એટોમિક એનર્જીમાં 9460 જગ્યા ખાલી

નવી દિલ્હી : કેન્દ્ર સરકારના રેલવે સહિતના વિવિધ વિભાગોમાં એક માર્ચ, ૨૦૨૧ના રોજ ૯.૭૯ લાખ જગ્યાઓ ખાલી હતી તેમ કેન્દ્રીય પર્સોનેલ મંત્રાલયના રાજ્ય કક્ષાના પ્રધાન જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું. સરકારે જારી કરેલા આંકડા મુજબ ૯.૭૮ લાખ ખાલી જગ્યાઓ પૈકી સૌથી વધુ ખાલી જગ્યા રેલવેમાં ૨.૯૩ લાખ હતી.

પ્રધાને જણાવ્યું હતું કે સરકારી વિભાગોમાં ખાલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા સળંગ ચાલતી પ્રક્રિયા છે. વિવિધ મંત્રાલયો, વિભાગો અને ઓર્ગેનાઇઝેશનની જરૂરિયાતો મુજબ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. 

પ્રધાને લોકસભામાં એક પ્રશ્રના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે સરકારે તમામ મંત્રાલયો અને વિભાગોને ખાલી પડતી જગ્યાઓ સમયસર ભરવા માટેના નિર્દેશ આપેલા છે. ભારત સરકાર દ્વારા સમયાંતરે રોજગાર મેળાઓનું આયોજન કરવામાં આવે છે. આ રોજગાર મેળાઓનો ઉદ્દેશ મહત્તમ લોકોને રોજગારી આપવાનો છે.  રેલવે પછી સૌથી વધુ ખાલી જગ્યા ડિફેન્સ (સિવિલ)માં ૨.૬૪ લાખ છે.  ગૃહ વિભાગમાં ૧.૪૩ લાખ, ટપાલ વિભાગમાં ૯૦,૦૫૦ , રેવન્યુ વિભાગમાં ૮૦,૨૪૩, ઇન્ડિયન ઓડિટ એન્ડ એકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાં ૨૫,૯૪૩ જગ્યા , એટોમિક એનર્જી વિભાગમાં ૯૪૬૦ જગ્યા ખાલી છે. નોકરીઓ અંગેના અન્ય એક પ્રશ્રના જવાબમાં મંત્રાલયે સરકારનું રિપોર્ટ કાર્ડ રજૂ કર્યુ હતું. જેમાં દેશના યુવાનો માટે રોજગારીનું સર્જન કરવા સરકારે લીધેલા પગલાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. પ્રધાને જણાવ્યું હતું કે રોજગારીનું સર્જન કરવું સરકારની પ્રાથમિકતામાં સામેલ છે. બેકારીની સમસ્યા દૂર કરવા તાજેતરના સમયમાં સરકારે અનેક પગલાં લીધા છે. 

કોરોનાની પ્રતિકૂળ અસરોને દૂર કરવા માટે સરકારે આત્મનિર્ભર ભારત પેકેજની જાહેરાત કરી હતી. આ પેકેજ હેઠળ ૨૭ લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ૨૫ જાન્યુઆરી, ૨૦૨૩ સુધીમાં ૬૦.૨૬ લાખ લોકોએ આ સ્કીમનો લાભ લીધો હતો. આ ઉપરાંત કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૨૧-૨૨થી પાંચ વર્ષના ગાળા માટે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટીવ (પીએલઆઇ) સ્કીમ શરૂ કરી છે. જેના દ્વારા ૬૦ લાખ લોકોને રોજગારી આપવાનો ઉદ્દેશ છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો