ભારતમાં પાકિસ્તાન સરકારનું ટ્વિટર એકાઉન્ટ બ્લોક કરાયું, ત્રીજી વખત કરાઈ આ પ્રકારની કાર્યવાહી
image : Twitter |
મોટી કાર્યવાહી કરતા ટ્વિટરે ભારતમાં પાકિસ્તાન સરકારનું એકાઉન્ટ બ્લોક કરી દીધું છે. ટ્વિટર પર જારી કરવામાં આવેલી નોટિસ અનુસાર, પાકિસ્તાન સરકારનું એકાઉન્ટ કાનૂની માંગ પર બંધ કરવામાં આવ્યું છે. ટ્વિટરની ગાઈડલાઈન મુજબ કાયદેસરની કાનૂની માગ જેમ કે કોર્ટના આદેશ કે સરકારની માગ પર એકાઉન્ટને બ્લોક કરવું પડે છે.
એકાઉન્ટ અન્ય દેશોમાં ચાલી રહ્યું છે
અહેવાલ મુજબ પાકિસ્તાન સરકારનું ટ્વિટર એકાઉન્ટ અન્ય દેશો જેવા કે અમેરિકા, કેનેડા વગેરેમાં સક્રિય છે. હજુ સુધી આ મામલે ભારત કે પાકિસ્તાનના ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રીઓ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. ટ્વિટર પર જ્યારે પાકિસ્તાન સરકારનું એકાઉન્ટ ચેક કરવામાં આવ્યું તો ત્યાં લખેલું હતું કે ભારતમાં એક કાનૂની માંગના જવાબમાં સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.
ત્રીજી વખત કાર્યવાહી
આ ત્રીજી વખત છે જ્યારે પાકિસ્તાનના ટ્વિટર એકાઉન્ટને ભારતમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અગાઉ જુલાઈ 2022માં પાકિસ્તાન સરકારના ટ્વિટર એકાઉન્ટને ભારતમાં પ્રતિબંધિત કરવામાં આવ્યું હતું, જોકે પછીથી તે ફરીથી દેખાવા લાગ્યું હતું. ગયા વર્ષે જૂનમાં ટ્વિટર ઈન્ડિયાએ ભારતમાં સંયુક્ત રાષ્ટ્ર, તુર્કી, ઈરાન અને ઈજિપ્તમાં પાકિસ્તાની દૂતાવાસોના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ્સને બ્લોક કરી દીધા હતા. આ સાથે ભારતે ભારતવિરોધી ફેક માહિતી ફેલાવવા બદલ પાકિસ્તાનથી ચાલતી ઘણી યુટ્યુબ ચેનલો અને ફેસબુક એકાઉન્ટ પર પણ પ્રતિબંધ લગાવી દીધો હતો.
Comments
Post a Comment