શિસ્તબદ્ધ ઇઝરાયેલમાં લોકો રસ્તા પર : નેતાન્યાહૂ ઘૂંટણિયે
- કાયદા સુધારણા બિલના વિરોધમાં અરાજકતા સર્જાતા વિમાની સેવા, વાહન વ્યવહાર ઠપ, દૂતાવાસોની હડતાળ
- નવી કાયદા પોલિસી મોકૂફ રાખવા નેતાન્યાહૂને પ્રમુખ ઈસાકે અપીલ કરી હતી : ગઠબંધનના સહયોગી સાથે મંત્રણા બાદ આગામી સંસદીય સત્ર સુધી બિલ પાછુ ઠેલવા નિર્ણય
- પીએમપદ જવાના ભયથી કાયદા નીતિમાં વર્તમાન સાંસદને ગેરલાયક ના ઠેરવી શકાય તેવો સુધારો કરાયો હતો
જેરૂસલેમ : ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂએ કાયદા સુધારણા પૉલિસી રજૂ કરી છે તેના વિરોધમાં દેશભરમાં ભારે વિરોધ ફાટી નીકળ્યો છે. સેંકડો લોકોએ પ્રદર્શનો કર્યા હતા. નેતાન્યાહૂએ સંરક્ષણ મંત્રી યોઆવ ગેલેન્ટને હાંકી કાઢ્યા બાદ વિરોધ વધ્યો છે. પાટનગર તેલ અવીવમાં મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ ઉમટી પડતા વાહન-વ્યવહાર ખોરવાયો હતો અને વિમાનોની ઉડાન અટકાવી દેવાની ફરજ પડી હતી. ભારે વિરોધ પ્રદર્શનો બાદ નેતાન્યાહૂએ પીછેહઠ કરીને એક મહિના સુધી બિલ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો હતો. પ્રમુખ ઈસાક હર્ઝોગે પીએમ નેતાન્યાહૂને હાલ પૂરતો કાયદો મોકૂફ રાખવાની અપીલ કરી હતી. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂએ નવું કાયદા સુધારણા બિલ રજૂ કર્યું ત્યારથી ભારે વિરોધ ઉઠયો છે. નવા કાયદા પ્રમાણે ન્યાયતંત્રની સત્તા ઘટતી હતી. સાંસદોને ગેરલાયક ઠેરવી ન શકાય એવી એ બિલમાં જોગવાઈ હતી. નેતાન્યાહૂ સહિત સત્તાધારી ગઠબંઠનના ઘણાં સાંસદો સામે વિવિધ કેસમાં ભ્રષ્ટાચાર સહિતના ગંભીર આરોપો છે. સાંસદોને ગેરલાયન ન ઠેરવી શકાય એવી જોગવાઈનો વિપક્ષો સહિત ટ્રેડ યુનિયનો, મજૂર યુનિયનોએ ભારો વિરોધ કર્યો હતો. જાન્યુઆરીથી વિવાદ ચાલી રહ્યો છે. આ બિલને ઓવરરાઈટ બિલ પણ કહેવાય છે. એ પ્રમાણે સુપ્રીમના ચુકાદાને પણ સરકાર બહુમતીથી ફેરવી શકે છે.
જોકે, નેતાન્યાહૂ આ બિલને લઈને મક્કમ છે, પરંતુ તેનાથી ન્યાયપાલિકાની ભૂમિકા મર્યાદિત થશે એવા તર્ક સાથે લોકોએ વિરોધ શરૂ કર્યો હતો. લોકોની દલીલ છે કે સરકારના કાયદા સુધારણા બિલથી સુપ્રીમ કોર્ટ નબળી પડી જશે અને સરવાળે લોકશાહી નબળી પડશે. કાયદા સુધારણાનો વિરોધ નેતાન્યાહૂ સરકારમાં સંરક્ષણ મંત્રી રહેલા યાઓવ ગેલેન્ટે કર્યો એ પછી નેતાન્યાહૂએ એને મંત્રાલયમાંથી હાંકી કાઢ્યા હતા. વિપક્ષ સાથે વાટાઘાટો કરીને કોઈ રસ્તો કાઢવાની હિમાયત સંરક્ષણ મંત્રીએ કરી હતી. વિપક્ષો આ બાબતે નેતાન્યાહૂનો વિરોધ કરી રહ્યા છે. તે પછી ઉગ્ર વિરોધ ફાટી નીકળ્યો છે. મહિનાથી ચાલતા પ્રદર્શનો ભારે ઉગ્ર બનતા સેંકડો લોકો ઈઝરાયેલના પાટનગરમાં એકઠા થયા હતા. નેતાન્યાહૂના ઘરના બહાર હજારો લોકોએ દેખાવો કર્યા હતા. પીએમના ઘરની સુરક્ષામાં વધારો કરવાની ફરજ પડી હતી. મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ ઉમટી પડતા મુખ્ય રસ્તાઓ બ્લોક થઈ ગયા હતા અને વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. તે એટલે સુધી કે મોટી સંખ્યામાં ભીડ એકઠી થતાં એરપોર્ટ ઓથોરિટીએ વિમાનોની ઉડાન રદ્ કરવાની ફરજ પડી હતી.
લોકોએ થાળી વગાડી હતી અને હાઈવે પર પોસ્ટર્સમાં આગ લગાવી હતી. લોકોએ ટાયર્સ બાળીને વિરોધ કર્યો હતો. આગની ઘટનાઓ પછી પીએમ નેતાન્યાહૂએ પ્રદર્શનકારીઓને આકરો મેસેજ આપતા કહ્યું હતું કે પ્રદર્શનકારીઓ શાંતિપૂર્ણ વર્તન કરે તે જરૂરી છે. જો હિંસાના બનાવો બનશે તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે.
દરમિયાન નેતાન્યાહૂએ સત્તાધારી ગઠબંધનની બધી જ પાર્ટીઓ સાથે બેઠક યોજી હતી. કાયદા સુધારણા પોલિસી બાબતે નિર્ણય લેવા માટે નેતાન્યાહૂએ સહયોગી પાર્ટીઓના નેતાઓ સાથે વાટાઘાટો કરી હતી. દુનિયાભરના ઈઝરાયેલ સ્થિત દૂતાવાસો બંધ રહ્યા હતા. દૂતાવાસના કર્મચારીઓ પણ આંદોલનમાં જોડાયા હતા. અમેરિકાએ આ અંગે ઈઝરાયેલની સરકારને સમાધાનકારી વલણ અપનાવીને વિવાદ ઉકેલવાની સલાહ આપી હતી.
પોલીસ અધિકારીઓથી લઈને બિઝનેસમેન સુધીના લોકો સરકારનો વિરોધ કરી રહ્યા છે. તેલ અવીવના પોલીસ વડાએ પ્રદર્શનકારીઓનો સાથ આપ્યો તો તેને બરતરફ કરી દેવામાં આવ્યા હતા. નેતાન્યાહૂના કેસ લડતા વકીલ બોઝ બેન ઝૂરે એક નિવેદનમાં કહ્યું હતું કે જો નેતાન્યાહૂ કાયદા સુધારણા બિલમાં પીછેહઠ નહીં કરે તો એ તેમના કેસ લડશે નહીં.
શિસ્તબદ્ધ ગણાતા ઈઝરાયેલમાં ઉગ્ર વિરોધ પ્રદર્શનો અને અરાજકતા ફાટી નીકળતા પ્રમુખ ઈસાક હર્ઝોગે વડાપ્રધાન નેતાન્યાહૂને અપીલ કરતા કહ્યું હતું: હું વડાપ્રધાન, સરકારના સદસ્યો અને ગઠબંધનના સાંસદોને અપીલ કરું છું કે લોકોની ભાવનાને ઠેંસ પહોંચી છે, તેથી આ કાયદો મોકૂફ રાખવાનો નિર્ણય લેવો જોઈએ. આખો દેશ ખૂબ ચિંતામાં ડૂબેલો છે. આપણી સુરક્ષા, અર્થતંત્ર, સમાજ - બધું જ ખતરામાં છે. ઈઝરાયેલના બધા જ લોકો ખૂબ આશા સાથે વડાપ્રધાન તરફ જોઈ રહ્યા છે. આખી દુનિયા પીએમ પાસેથી અપેક્ષા રાખીને બેઠી છે.
Comments
Post a Comment