EVMને લઈ ચિંતા : શરદ પવારના નિવાસસ્થાને યોજાઈ વિપક્ષોની બેઠક, TMC ગેરહાજર

નવી દિલ્હી, તા.23 માર્ચ-2023, ગુરુવાર

EVMના મુદ્દાને લઈને NCP પ્રમુખ શરદ પવારના નિવાસસ્થાને વિપક્ષી નેતાઓની બેઠક યોજાઈ છે. તો બીજી તરફ સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ અને જાણિતા વકીલ કપિલ સિબ્બલે જણાવ્યું કે, વિપક્ષના તમામ રાજકીય પક્ષો ચૂંટણી પંચ પાસે જશે અને આ અંગે વાત કરશે. કપિલ સિબ્બલે જણાવ્યું કે, જો ચૂંટણી પંચ EVM અંગે યોગ્ય રીતે જવાબ નહીં આપે તો આપણે બધા રાજકીય પક્ષો આગળ શું કરવું, તે અંગે વિચારીશું... અમે ચૂંટણી પંચ પાસે જઈશું અને EVM અંગે ચૂંટણી પંચ સાથે વાત કરીશું. આપણા દેશમાં EVMનો ઉપયોગ કેમ થાય છે? અન્ય દેશોમાં તો EVMનો ઉપયોગ થતો નથી.

બેઠકમાં કયા નેતાઓ રહ્યા ઉપસ્થિત ?

શરદ પવારના નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં NCPના વડા ઉપરાંત તેમની પાર્ટીના પ્રફુલ્લ પટેલ, સમાજવાદી પાર્ટીના રામ ગોપાલ યાદવ અને કપિલ સિબ્બલ, કોંગ્રેસના દિગ્વિજય સિંહ જેવા મોટા નેતાઓ આવ્યા હતા. આ બેઠકમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના કોઈપણ સભ્ય ઉપસ્થિત ન હતા. ઉલ્લેખનિય છે કે, શરદ પવારે બેઠક પહેલા વિપક્ષી નેતાઓને પત્ર લખીને EVM હેકિંગના મુદ્દે ચર્ચા કરવા આમંત્રણ આપ્યું હતું.

શરદ પવારના પત્રમાં શું છે?

શરદ પવારે પત્રમાં લખ્યું છે કે, મુખ્ય ચૂંટણી કમિશનરે EVM પર ઉઠેલા સવાલોના જવાબ આપવાનું વચન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, ચિપવાળી કોઈપણ મશીનને હેક કરી શકાય છે અને તેનો ઈન્કાર કરી શકાય નહીં. શું આપણે લોકતંત્રને આ રીતે હાઈજેક થવા દઈ શકીએ ? જે લોકો આવું કરી રહ્યા છે, તેમને આવું કરવાની છૂટ આપી શકાય છે ? ચૂંટણીને મુક્ત અને નિષ્પક્ષ બનાવવા આપણે સાથે બેસીને IT પ્રોફેશનલ્સ અને ક્રિપ્ટોગ્રાફર્સોની કહેલી વાતોને સાંભળવી જોઈએ.

EVMને લઈ દેશને શંકા : દિગ્વિજય સિંહ

NCP વડા શરદ પવારના નિવાસસ્થાને બેઠક બાદ કોંગ્રેસના સાંસદ દિગ્વિજય સિંહે જણાવ્યું કે, ચૂંટણી પંચે રિમોટ ઈવીએમને લઈને સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. તે સમયે લગભગ બધાએ રિમોટ ઈવીએમથી ચૂંટણી કરાવવા અંગે અસહમતિ વ્યક્ત કરી હતી. તેઓ ડેમો આપવા માંગતા હતા, પરંતુ તેનો ઈન્કાર કરાયો હતો. EVMને લઈ દેશને શંકા છે.

જ્યારે પણ EVMમાં ​​ખામી સર્જાય છે ત્યારે વોટ BJPને જાય છે : કપિલ સિબ્બલ

NCP વડા શરદ પવારના નિવાસસ્થાને બેઠક બાદ રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલે જણાવ્યું કે, વિશ્વના કોઈપણ મશીન સાથે છેડછાડ થઈ શકે છે અને કોઈ પણ સાયન્સ કે કોઈપણ એક્સપર્ટ એવું ન કહી શકે કે, મશીન સાથે છેડછાડ થતી નથી, તેથી જ કોઈપણ લોકશાહી દેશમાં મતદાન માટે ઈલેક્ટ્રોનિક મશીનનો ઉપયોગ થતો નથી. જ્યારે પણ EVMમાં ​​ખામી સર્જાય છે ત્યારે વોટ BJPને જાય છે. આ મૂંઝવણ માત્ર રાજકીય પક્ષોમાં જ નહીં, જનતામાં ફેલાઈ ચુક્યો છે, તેથી અમે નક્કી કર્યું છે કે, અમે ચૂંટણી પંચ પાસે જઈશું અને અમારા સવાલો અંગે લેખિત જવાબ માંગીશું. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો