ખાલિસ્તાનીઓએ બ્રિટનમાં હાઇ કમિશન પરથી તિરંગો હટાવતા હોબાળો


- ખાલિસ્તાનીઓએ ધ્વજ ઉતારી અપમાન કરતાં ભારતે 10 ગણો મોટો ત્રિરંગો લગાવ્યો 

- સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય દૂતાવાસ પર હુમલો, ભારે તોડફોડ, ઓસ્ટ્રેલિયાની સંસદ બહાર ધરણા પ્રદર્શનો

- સુરક્ષામાં ખામી બદલ ભારતે બ્રિટનના ડેપ્યુ. હાઇ કમિશનરને સમન્સ પાઠવ્યા

લંડન : ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને કેનેડામાં ખાલિસ્તાની સમર્થકો દ્વારા ભારતીય સ્થળો, હિન્દુ મંદિરોને ટાર્ગેટ કરવાનું પ્રમાણ વધી રહ્યું છે. એક તરફ ઓસ્ટ્રેલિયામાં ખાલિસ્તાની સમર્થકોએ સંસદની બહાર ધરણા પ્રદર્શન કર્યા હતા જ્યારે બીજી તરફ સાન ફ્રાંસિસ્કોમાં ભારતીય દૂતાવાસ પર હુમલો કરી દીધો હતો. જે દરમિયાન દૂતાવાસને નુકસાન પણ પહોંચાડયું હતું. 

આ ઘટનાનો ભારતીય-અમેરિકન નાગરિકો દ્વારા વિરોધ કરાયો હતો અને હુમલો કરનારા સામે પગલાની માગણી કરી હતી. જ્યારે બ્રિટનમાં લંડન સ્થિત ભારતીય હાઇ કમિશન પરથી ખાલિસ્તાની સમર્થકોએ તિરંગો ઉતારી લીધો હતો અને પોતાનો ઝંડો લગાવી દેતા હોબાળો મચી ગયો હતો.  

બ્રિટનમાં  ઇન્ડિયન હાઇ કમિશનની બિલ્ડિંગ ઉપર ફરકાવવામાં આવેલા રાષ્ટ્રધ્વજ તિરંગાને ખાલિસ્તાની સમર્થકો દ્વારા ઉતારી લેવામાં આવ્યો હતો અને તેની જગ્યાએ ખાલિસ્તાની ઝંડો લગાવી દેવાયો હતો, સાથે જ ખાલિસ્તાનના સમર્થનમાં સુત્રોચ્ચાર કર્યા હતા. આ ઘટના બાદ બ્રિટન પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે, અને પ્રશાસને કહ્યું છે કે ખાલિસ્તાન સમર્થકોની સામે આકરા પગલા લેવામાં આવશે. 

ભારતમાં બ્રિટિશ ડેપ્યુટી હાઇ કમિશનરને સમન્સ પાઠવવામાં આવ્યા હતા. અને આ સમગ્ર ઘટના અંગે સ્પષ્ટતા કરવા કહ્યું હતું. જ્યારે બ્રિટનમાં રહેતા શીખોએ ખાલિસ્તાની સમર્થકો દ્વારા આ ઘટનાને અંજામ આપવાનો વિરોધ કર્યો હતો અને હાઇ કમિશનની બહાર જ ધરણા કર્યા હતા, સાથે જ ખાલિસ્તાન સમર્થકોની ધરપકડની માગણી કરી હતી.   દિલ્હીમાં પણ શીખો રસ્તા પર ઉતર્યા હતા અને કટ્ટર ખાલિસ્તાની સમર્થકો સામે કાર્યવાહીની માગણી કરી હતી. 

જ્યારે બીજી તરફ સાન ફ્રાન્સિસ્કોમાં ખાલિસ્તાનના સમર્થમાં સુત્રોચ્ચાર કર્યા હતા અને ટોળુ ભારતીય દૂતાવાસમાં ઘૂસી ગયું હતું. જે બાદ ભારે તોડફોડ કરી હતી. શહેરની સ્થાનિક પોલીસ દ્વારા ટોળાને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જોકે સુરક્ષા ઘેરો તોડીને પણ ટોળુ અંદર પ્રવેશી ગયું હતું જે બાદ તોડફોડ કરી હતી. સાથે જ ખાલિસ્તાની ઝંડા પણ લગાવી દીધા હતા. જોકે તેને બાદમાં સુરક્ષાકર્મીઓ દ્વારા તાત્કાલીક હટાવી લેવાયા હતા. ટોળામાં સામેલ કેટલાક લોકોના હાથમાં લોખંડના સળિયા પણ હતા. બીજી તરફ અમેરિકામાં રહેતા અન્ય શીખો અને ભારતીય નાગરિકો દ્વારા આ હુમલાનો વિરોધ કરવામાં આવ્યો હતો અને આરોપીઓની ધરપકડની માગણી કરવામાં આવી હતી.  હાલ અમેરિકા, કેનેડા, બ્રિટન ઉપરાંત ઓસ્ટ્રેલિયામાં પણ ખાલિસ્તાની સમર્થકો મનમાની પર ઉતરી આવ્યા છે. કેનબેરામાં ખાલિસ્તાન સમર્થકો ઓસ્ટ્રેલિય સંસદની બહાર એકઠા થયા હતા અને અમૃતપાલ સામે પંજાબમાં ચાલી રહેલી કાર્યવાહીના વિરોધમાં ધરણા કર્યા હતા. જ્યારે અગાઉ કેટલાક હિન્દુ મંદિરોને પણ ટાર્ગેટ બનાવી ચુક્યા છે. હવે હાઇ કમિશનને પણ નિશાન બનાવી રહ્યા છે. અગાઉ ઓસ્ટ્રેલિયામાં ભારતીય દૂતાવાસનો ગેટ બંધ કરાવ્યો હતો.   

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો