કેનેડાથી ગેરકાયદે રીતે અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કરતાં બે પરિવાર ડૂબ્યાં, 8નાં મોત જેમાં 4 ભારતીય નાગરિક
image : Twitter |
કેનેડાથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે સેન્ટ લોરેન્સ નદીમાં ડૂબી ગયેલા 8 લોકોમાં એક ભારતીય પરિવારના સભ્યોનો પણ સમાવેશ થાય છે. અહેવાલ અનુસાર કેનેડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા સર્ચ ઓપરેશન દરમિયાન ગુરુવારે બપોરે ક્વિબેકના એક કાદવવાળા વિસ્તારમાંથી 6 મૃતદેહ મળી આવ્યા હતા. અને આજે વધુ બે મૃતદેહો મળી આવ્યા છે. જેમાં એક નવજાત બાળક અને બીજો અને એક ભારતીય મહિલાનો મૃતદેહ હોઈ શકે છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મૃતકોમાં 4 ભારતીય નાગરિક છે અને બાકીના રોમાનિયન મૂળના કેનેડિયન નાગરિક છે જેઓ અમેરિકાની સરહદમાં ગેરકાયદે રીતે ઘૂસણખોરીના પ્રયાસો કરી રહ્યા હતા.
એક પરિવાર રોમાનિયન મૂળનો
અગાઉ અકવેસ્ને મોહૌક પોલીસ સર્વિસના ડેપ્યુટી ચીફ લી-એન ઓ'બ્રાયને એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે જે 6 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા જેમાં તેઓ બે પરિવારના સભ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. એક રોમાનિયન મૂળનો છે અને બીજો છે ભારતીય મૂળનો. રોમાનિયન પરિવારનું માસૂમ બાળક હજુ સુધી મળ્યું નહોતું પણ હવે તેની સાથે સાથે એક ભારતીય મહિલાનો પણ મૃતદેહ મળી આવ્યો છે.
બાળકનો મૃતદેહ પણ ગુમ થઈ ગયો હતો
પોલીસે જણાવ્યું હતું કે મૃતદેહોમાંથી એક ત્રણ વર્ષથી ઓછી ઉંમરના બાળકનો હતો. બાળકનો મૃતદેહ એક રોમાનિયન પરિવારનો કેનેડિયન પાસપોર્ટ સાથે મળી આવ્યો હતો. હાલ મૃતદેહોની ઓળખ થઈ શકી નથી. ઓ'બ્રાયને કહ્યું કે હાલ એમ કહેવું કે આ લોકોના મૃત્યુ શું વિસ્તારમાં કાર્યરત દાણચોરીના નેટવર્ક સાથે જોડાયેલા હશે તે ઉતાવળ ગણાશે. એક્વેસાસ્ને પોલીસ પીડિતોની ઓળખ કરવામાં અને નજીકના સંબંધીઓને સૂચિત કરવામાં મદદ કરવા ઇમિગ્રેશન કેનેડા સાથે મળીને કામ કરી રહી છે. તેઓ નદી પર દેખરેખ પણ વધારી રહ્યા છે.
ઘણા પ્રશ્નોના જવાબો શોધવાની જરૂર છે : પીએમ ટ્રુડો
બીજી તરફ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ શુક્રવારે કહ્યું કે બંને પરિવારો સાથે શું થયું તે અંગે ઘણા સવાલોના જવાબ શોધવાની જરૂર છે. ખાસ કરીને નાના બાળકો કે જેમના મૃતદેહ મળી આવ્યા છે તેને ધ્યાનમાં લેતાં આ એક હ્રદયસ્પર્શી મામલો છે. આ સમયે જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા તેમની સાથે અમારી સંવેદના છે. હાલ તો તેમની સાથે શું થયું તે આપણે યોગ્ય રીતે સમજવાની જરૂર છે અને અમે એ સુનિશ્ચિત કરીશું કે અમે અમે બને તેટલા ઝડપી પ્રયાસો કરીશું.
Comments
Post a Comment