ભારત, પાક., ચીન સહિત 9 દેશોમાં ભૂકંપ
- અફઘાનિસ્તાનમાં 6.6ની તીવ્રતાથી હજારો કિમી સુધી ધરા ધ્રુજી
- ભૂકંપનું કેન્દ્ર બિન્દુ પેટાળમાં 156 કિ.મી.થી વધુ હોવાને કારણે અનેક દેશો સુધી તીવ્રતાની અસર : નિષ્ણાતો
- વડોદરા, ગાંધીનગર સહિત ગુજરાતના અનેક સ્થળે પણ આંચકા અનુભવાયા : દિલ્હીમાં એક ઇમારત નમી પડી
- એક મિનિટ સુધી ઉત્તર ભારતમાં આંચકાની અસર, અનેક લોકો ઘરોની બહાર નિકળ્યા
નવી દિલ્હી : અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપની અસર ભારત અને પાકિસ્તાનમાં પણ જોવા મળી હતી, ભૂકંપની તિવ્રતા ૬.૬ની હોવાના રિપોર્ટ સામે આવ્યા છે. અફઘાનિસ્તાન, પાક., ભારત ઉપરાંત ઉઝબેકિસ્તાન, તજીકિસ્તાન, ચીન, તુર્કમેનિસ્તાન, કિર્ગીસ્તાન અને કઝાખસ્તાનમાં પણ આંચકા અનુભવાયા હતા. જ્યારે ભારતમાં ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ભૂકંપની અસર જોવા મળી હતી. અમદાવાદમાં પણ કેટલાક વિસ્તારોમાં આંચકા આવ્યા હતા. ભૂકંપના કેન્દ્ર અફઘાનિસ્તાનથી શરૂ થયેલા ભૂકંપના આંચકા કુલ નવ દેશો સુધી અનુભવાયા છે.
ભૂકંપનું કેન્દ્ર બિન્દુ અફઘાનિસ્તાનના કલાફગનથી ૯૦ કિમી દૂર પેટાળમાં ૧૫૬ કિમી હોવાનું સામે આવ્યું છે.
કેન્દ્ર બિંદુ વધુ પેટાળમાં હોવાને કારણે અનેક દેશોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા તેમ નિષ્ણાતોએ જણાવ્યું હતું. ભૂકંપની સૌથી વધુ અસર અફઘાનિસ્તાનમાં જોવા મળી રહી છે.
જ્યારે ભારતમાં ઉત્તર બાજુના રાજ્યો જેમ કે જમ્મુ કાશ્મીર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, પંજાબ અને હિમાચલ પ્રદેશ ઉપરાંત ગુજરાતમાં પણ આંચકાની અસર જોવા મળી હતી.
કેટલાક રાજ્યોમાં લોકો ઘરોની બહાર નિકળી ગયા હતા.
જ્યારે પાકિસ્તાનમાં રાવલપિંડીમાં મોટી સંખ્યામાં લોકો ઘરોની બહાર નિકળ્યા હતા, અહીં ભૂકંપની તિવ્રતા પાક.ના અન્ય વિસ્તારો કરતા વધુ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આ જ પ્રકારના અહેવાલો લાહોર, ઇસ્લામાબાદથી પણ સામે આવ્યા છે. લોકોના ટોળા બહાર એકઠા થયા હોવાના વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યા છે.
જોકે કોઇ જાનહાનીના રિપોર્ટ સામે નથી આવ્યા. જોકે અફઘાનિસ્તાનમાં ભારે નુકસાનની ભીતિ છે.
અફઘાનિસ્તાનમાં મંગળવારે રાત્રે ૬.૬ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને તેના આંચકા ઉત્તર ભારત તેમજ ગુજરાતમાં ગાંધીનગર, વડોદરા સહિત રાજ્યમાં પણ અનેક સ્થળોએ અનુભવાયા હતા.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર મંગળવારે રાત્રે ૧૦ઃ૪૦ની આસપાસ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેને પગલે લોકોએ ઘણી સેકન્ડ સુધી આંચકા અનુભવ્યા હોવાનું કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છેલ્લા ૩ મહિનામાં ભૂકંપના ૧૫થી વધુ આંચકા નોંધાઇ ચૂક્યા છે. જેમાંથી મોટાભાગના સૌરાષ્ટ્ર-કચ્છમાં છે.
તજજ્ઞાોના મતે આ પ્રકારના આંચકાથી ભય અનુભવવાની જરૂર નથી હોતી.
Comments
Post a Comment