રશિયાના રાષ્ટ્રપતિની ધરપકડ થશે ? ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટનું વોરંટ, પુતિન પર ‘વૉર ક્રાઈમ’ના આરોપો
Image - wikipedia |
મોસ્કો, તા.17 માર્ચ-2023, શુક્રવાર
યૂક્રેનના બાળકોનો દેશનિકાલ સહિતના યુદ્ધને લગતા ગુનાઓને લઈ ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે (ICC) રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન માટે ધરપકડ વોરંટ જારી કર્યું છે. બીબીસીના જણાવ્યા અનુસાર, કોર્ટે રશિયાના રાષ્ટ્રપતિ પર ‘વૉર ક્રાઈમ’ જેવા ગંભીર આરોપો લગાવ્યા છે. ઉપરાંત પુતિન પર યૂક્રેનના બાળકોને ગેરકાયદેસર રીતે બળજબરીથી રશિયા લઈ જવાનો પણ આરોપ છે. તેમાં કહેવાયું છે કે, જ્યારે રશિયાએ યુક્રેનમાં સંપૂર્ણ રીતે ઘૂસવાની કાર્યવાહી કરી ત્યારે 24 ફેબ્રુઆરી-2022થી આ ગુનાઓ કરાયા છે. જોકે મોસ્કોએ આ અપરાધના આરોપોને ફગાવી દીધા છે.
ICCએ રશિયાના રાષ્ટ્રપતિ પર બાળકોને દેશમાંથી હાંકી કાઢવામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે. ICCએ જણાવ્યું કે, તેમની પાસે એવું માનવા માટેનો યોગ્ય આધાર છે કે તેમણે આ કૃત્યો કર્યા છે તેમજ આ કૃત્યો કરવામાં અન્ય લોકોને મદદ કરી છે. કોર્ટે એમ પણ જણાવ્યું કે, વ્લાદિમીર પુતિન બાળકોને દેશમાંથી હાંકી કાઢનારા લોકોને રોકવા માટે પોતાની સત્તાનો ઉપયોગ કરવામાં નિષ્ફળ રહ્યા હતા.
પુતિનની ધરપકડ થઈ શકે ?
બાળકોના અધિકાર માટે રશિયાની કમિશનર મારિયા લાવોવા-બેલોવાને પણ ICC દ્વારા વોન્ટેડ જાહેર કરાઈ છે. પુતિન અને લાવોવા-બેલોવા વિરુદ્ધ વોરંટ જારી કરાયા છતાં ઈન્ટરનેશનલ ક્રિમીનલ કોર્ટ પાસે શંકાસ્પદોની ધરપકડ કરવાની કોઈ સત્તા નથી અને ICC માત્ર એવા દેશોમાં જ સત્તાનો ઉપયોગ કરી શકે છે, જે દેશોએ કોર્ટની સ્થાપના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. રશિયાએ આ કરાર પર હસ્તાક્ષર કર્યા ન હોવાથી પુતિન-લાવોવાનું પ્રત્યાર્પણ અસંભવ છે.
Comments
Post a Comment