હાથરસમાં નાસભાગથી 116નાં મોત
- દેશમાં દસકામાં નાસભાગની સૌથી મોટી ઘટના, એક લાખથી વધુ લોકો એકઠા થયા હતા
- સત્સંગમાં માતમ
- સત્સંગ પૂર્ણ થતા જ લોકો ભાગવા લાગ્યા, કિચડને કારણે એકબીજા પર પડયા, ગૂંગળામણમાં પણ અનેક માર્યા ગયા
- કાર્યક્રમમાં અનુમતી કરતા વધુ લોકો એકઠા કરાયા હતા, આયોજકોની બેદરકારીને કારણે મોટી જાનહાની થઇ: જિલ્લા પ્રશાસન
નવી દિલ્હી : ઉત્તર પ્રદેશના હાથરસમાં સત્સંગના કાર્યક્રમમાં નાસભાગ થતા ૧૧૬થી વધુ લોકો માર્યા ગયા હતા, જ્યારે ૧૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. દેશમાં છેલ્લા એક દસકામાં નાસભાગની ઘટનાઓમાં આ સૌથી મોટી જાનહાની માનવામાં આવે છે. હાથરસ જિલ્લાના ફુલરઇ ગામમાં ભોલે બાબા નામના એક બાબા દ્વારા આ સત્સંગનું આયોજન કરાયું હતું, ભોલે બાબાનું પ્રવચન પૂર્ણ થયા બાદ શ્રદ્ધાળુઓ સ્થળ પરથી પરત ફરી રહ્યા હતા, આ દરમિયાન જ નાસભાગ થઇ હતી. હાથરસ પ્રશાસને અનુમતી આપી તેના કરતા વધુ લોકો એકઠા કરાયા હતા. જ્યારે બેદરકારી પૂર્વક કાર્યક્રમનું આયોજન કરનારો બાબા હાલ ફરાર છે.
ઉત્તર પ્રદેશના હાથરસથી ૪૭ કિમી દૂર આવેલા ફુલરઇ ગામમાં બીજી જુલાઇના રોજ મંગળવારે ભોલે બાબા દ્વારા સત્સંગનું આયોજન કરાયું હતું, જેમાં આસપાસના જિલ્લાઓમાંથી હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા હતા. શ્રદ્ધાળુઓમાં મોટાભાગની મહિલાઓ સામેલ થઇ હતી. સત્સંગનો કાર્યક્રમ પૂર્ણ થતા જ લોકો સ્થળ પરથી પરત જવા લાગ્યા હતા, જોકે એક રિપોર્ટ અનુસાર કાર્યક્રમના આયોજકોએ જ્યાં સુધી બાબા સ્થળ પરથી ના જતા રહે ત્યાં સુધી લોકોને જતા અટકાવ્યા હતા. પરિણામે એક જ જગ્યાએ બહુ જ મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. આ સમયે અચાનક જ ધક્કામુક્કી થવા લાગી જે નાસભાગમાં ફેરવાઇ ગઇ, લોકો એકબીજાને કચડીને ભાગવા લાગ્યા.
પોલીસે જણાવ્યું હતું કે ગૂંગળામણ થતા લોકો સ્થળ પરથી ભાગવા લાગ્યા હતા, જેને કારણે નાસભાગ થઇ હતી. સ્થાનિક પ્રશાસન દ્વારા અનુમતી અપાઇ તેના કરતા વધુ લોકો એકઠા કરાયા હતા. એકબીજાની નીચે કચડાઇ જવાથી તેમજ શ્વાસ ના લઇ શકવાને કારણે વધુ જાનહાની થઇ હતી, મૃતકોમાં મોટાભાગની મહિલાઓનો સમાવેશ થાય છે. જ્યારે કેટલાક બાળકો પણ માર્યા ગયા છે. સ્થાનિકોએ આરોપ લગાવ્યો હતો કે ઘટના બાદ સ્થળ પર એમ્બ્યૂલંસો પહોંચવામાં વિલંબ થયો હતો, જે પ્રાથમિક સારવાર મળવી જોઇએ તે સમયસર ના મળી શકી જેને કારણે પણ વધુ જાનહાની થઇ હતી. ચારેય બાજુ અફડાતફડીનો માહોલ હતો, અનેક મૃતદેહો પડયા હતા જેની પાસે તેમના સ્વજનો રડી રહ્યા હતા.
સ્થળ પરના દ્રશ્યો એટલા ભયાનક હતા કે તેને જોઇને હાર્ટ એટેક આવવાથી પણ એક મોત થયું હોવાના અહેવાલો છે. ઘટના બાદ ક્વિક રિસ્પોંસ ટીમ (ક્યૂઆરટી)ના જવાનો મદદ માટે દોડી આવ્યા હતા, ટીમમાં સામેલ રવિ યાદવને સ્થળ પર જ હાર્ટ એટેક આવ્યો હતો, જેને કારણે તેનું મોત નિપજ્યું હતું. રવિ યાદવને મૃતદેહો સરખા કરીને એકઠા કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું, રવિને એક સાથે આટલી મોટી સંખ્યામાં મૃતદેહો જોઇને આઘાત લાગ્યો હતો, જેને કારણે તેને હાર્ટ એટેક આવ્યો હતો. આ માહિતી સ્થાનિક ઇન્સ્પેક્ટર જગદીશ ચંદ્ર મૌર્ય દ્વારા આપવામાં આવી હતી. સ્થાનિક સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ રાવેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે ભોલા બાબા નામના બાબાને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા તે સમયે જ નાસભાગ થઇ હતી.
દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટનાની નોંધ લીધી હતી અને સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા હતા. યોગીએ આગરાના એડીજી અને અલીગઢના કમિશનરને ઘટના પાછળના કારણો તપાસવા આદેશ આપ્યા હતા. કાર્યક્રમના આયોજકોમાં સામેલ મહેશ ચંદ્રએ મીડિયાને જણાવ્યું હતું કે સત્સંગમાં એક લાખ જેટલા શ્રદ્ધાળુઓ જોડાયા હતા. સ્થળની આસપાસ ભારે કીચડ હતો, લોકો જઇ રહ્યા હતા ત્યારે કીચડ અને વરસાદના પાણીને કારણે લોકો એકબીજા પર પડવા લાગ્યા હતા. જેને કારણે આ જાનહાની થઇ છે. પ્રશાસન દ્વારા પુરતી વ્યવસ્થા નહોતી કરવામાં આવી. અમે ૧૨ હજાર જેટલા સેવકો તૈનાત કર્યા હતા, જોકે પ્રશાસન દ્વારા કોઇ અન્ય સુવિધા નહોતી મળી, સ્થળ પર કોઇ એમ્બ્યૂલંસ પણ તૈનાત નહોતી કરવામાં આવી. કાર્યક્રમમાં ભાગ લેવા માટે મથુરા, આગરા, ફિરોઝાબાદ અને એટા જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા.
- ૨૦ વર્ષમાં દેશમાં નાસભાગથી સર્જાયેલી મોટી દુર્ઘટનાઓ
ઓગસ્ટ, ૨૦૦૩: મહારાષ્ટ્રના નાસીકમાં કુંભ મેળામાં નાસભાગથી ૩૯ લોકો માર્યા ગયા હતા.
જાન્યુઆરી, ૨૦૦૫: મહારાષ્ટ્રના સતારામાં મંધારદેવી મંદિરે નાસભાગ થતા ૩૪૦ શ્રદ્ધાળુઓ માર્યા ગયા હતા.
ઓગસ્ટ, ૨૦૦૮: હિમાચલના બિલાસપુરમાં નૈના દેવી મંદિરે નાસભાગ થતા ૧૬૨ લોકો માર્યા ગયા અને ૪૭ ઘવાયા હતા.
સપ્ટેમ્બર, ૨૦૦૮: રાજસ્થાનના જોધપુરમાં ચામુંડા માતાના મંદિરે બોમ્બની અફવાથી નાસભાગથી ૨૫૦ લોકો માર્યા ગયા હતા.
માર્ચ, ૨૦૧૦: ઉ. પ્રદેશના પ્રતાપગઢમાં રામ જાનકી મંદિરે એક બાબા દ્વારા મફત વસ્તુના વિતરણ દરમિયાન નાસભાગથી ૬૩ માર્યા ગયા હતા.
જાન્યુઆરી, ૨૦૧૧: કેરળના ઇદુક્કી જિલ્લામાં સબરીમાલા મંદિર પાસે જીપ અકસ્માત બાદ નાસભાગથી ૧૦૪ના મોત થયા હતા.
ઓક્ટોબર, ૨૦૧૩: મ. પ્રદેશના દાતિયા જિલ્લાના રતનગઢ મંદિરે પુલ તુટવાની અફવાથી નાસભાગ થતા ૧૧૫ લોકો માર્યા ગયા હતા.
ઓક્ટોબર, ૨૦૧૪: પટનાના ગાંધી મેદાનમાં દશેરાની ઉજવણી બાદ નાસભાગથી ૨૬ લોકો માર્યા ગયા હતા.
જૂલાઇ, ૨૦૧૫: આંધ્ર પ્રદેશમાં રાજામુંદ્રીમાં પુષ્કરમ ઉત્સવ દરમિયાન નાસભાગમાં ૨૭ના મોત થયા હતા.
જાન્યુઆરી, ૨૦૨૧: જમ્મુ કાશ્મીરના પ્રખ્યાત વૈષ્ણોદેવીએ ભારે ભીડને કારણે નાસભાગથી ૧૨ લોકો માર્યા ગયા હતા.
માર્ચ, ૨૦૨૩: ઇંદોરમાં રામ નવમીએ હવનના કાર્યક્રમ દરમિયાન સ્લેબ તુટવાથી ૩૬ લોકો માર્યા ગયા હતા.
- નાળામાં અનેક મહિલાઓ ખાબકી, બે કલાક સુધી કોઇ બચાવવા ના આવ્યું
હાથરસ: હાથરસમાં સત્સંગના કાર્યક્રમમાં હાજર એક મહિલા શકુંતલાએ મીડિયાને જણાવ્યું હતું કે સત્સંગ પૂર્ણ થતા જ લોકો ભાગવા લાગ્યા હતા, આ દરમિયાન કાર્યક્રમ સ્થળની બાજુમાં જ એક મોટુ નાળુ આવેલુ છે જેમાં અનેક લોકો પડી ગયા હતા, જેમના ઉપર બીજા અન્ય લોકો પણ પડયા. નાળામાં કલાકો સુધી લોકો એકબીજાની નીચે દહાટેલા રહ્યા, ગૂંગળામણને કારણે વધુ જાનહાની થઇ હતી. આ દરમિયાન લોકોને બહાર કાઢનારુ કોઇ નહોતુ. બપોરે ૧.૩૦ કલાકે કાર્યક્રમ પૂર્ણ થતા જ નાસભાગ થઇ હતી. પાસે નાળુ હોવા થતા ત્યાં કાર્યક્રમનું આયોજન કેમ કરવામાં આવ્યું અને પ્રશાસન દ્વારા તેની અનુમતી કેમ અપાઇ તેને લઇને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.
Comments
Post a Comment