ભોજશાળાનો ASI સર્વે રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ, હિન્દુ પક્ષનો દાવો- દેવી-દેવતાઓની મૂર્તિઓ મળી
Bhojshala Survey Report : મધ્ય પ્રદેશમાં આવેલા ધાર જિલ્લાની ભોજશાળાનો ભારતીય પુરાત્ત્વ સર્વેક્ષણનો (ASI) સર્વે રિપોર્ટ ઈન્દોર હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે, રિપોર્ટમાં ભોજશાળાના થાંભલા પર હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિ અને નિશાન હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તપાસ દરમિયાન શ્રીકૃષ્ણ, શિવ, જટાધારી ભોલેનાથ, બ્રહ્મા સહિત 94 દેવી-દેવતાઓની મૂર્તિઓ મળી આવી છે. ASI ના રિપોર્ટ પ્રમાણે, પરિસર માંથી 10મી સદીના ચાંદી, તાંબા, એલ્યૂમિનિયમ અને સ્ટીલ મળીને કુલ 31 જેટલા સિક્કાઓ મળી આવ્યાં હતા. આ ઉપરાંત, પરમાર રાજા પોતાની રાજધાની સાથે માલવાનું શાસનકાળ સંભાળતા એ દરમિયાનના કેટલાક સિક્કાઓ પણ મળી આવ્યાં હતા. આ બધા વચ્ચે ભોજશાળાને લઈને કરવામાં આવેલા ASI ના આદેશમાં હિન્દુઓને દર મંગળવારે ભોજશાળામાં પૂજા કરવા અને મુસ્લિમોને દર શુક્રવારે નમાઝ પઢવાની પરવાનગી આપવામાં આવી હતી.
હાઈકોર્ટના આદેશ પછી ASI તપાસ કરી 2000 પાનાનો રિપોર્ટ તૈયાર કર્યો
11 માર્ચે ઈન્દોર હાઈકોર્ટે ASI ની નિગરાણી હેઠળ ધાર ભોજશાળાનો વૈજ્ઞાનિક સર્વે કરવાનો આદેશ કર્યો હતો. જેમાં 22 માર્ચથી શરૂ કરીને 27 જૂન સુધી આમ કુલ 98 દિવસ સર્વેની કામગીરી કરવામાં આવી હતી. ASI દ્વારા સર્વેની કામગીરીમાં ધાર ભોજશાળાની જગ્યાએ ખોદકામ કરીને તેની ફોટોગ્રાફી સહિત વીડિયોગ્રાફી પણ કરવામાં આવી હતી. આ દરમિયાન ASI એ ઘણાં બધાં અવશેષો ભેગા કર્યા હતા. જેમાં ભોજશાળાની દિવાલ અને પિલર સહિત જમીનનું ખોદકામ કરતી વખતી હિન્દુ દેવ-દેવતાઓની મૂર્તિઓ મળી આવી હતી. જેને લઈને ASI એ 2000 પાનાનો એક રિપોર્ટ પણ બનાવ્યો હતો.
સર્વેમાં શું-શું મળ્યું?
મળતી જાણકારી પ્રમાણે, ASI ની સર્વે કામગીરીમાં મૂર્તિકલાના ટૂકડા અને ચિત્રો સહિત આર્કિટેક્ચરલ સભ્યોની કૃતિઓ જોવા મળ્યો હતા. ભોજશાળાના થાંભલા પર સિંહ, હાથી, ઘોડા, શ્વાન, વાંદરા, સાંપ, કાચબો, હંસ જેવા અનેક પ્રાણીઓના ચિત્રો કોતરવામાં આવેલા હતા. આ સાથે બારીઓ, થાંભલાઓ અને વપરાયેલા બીમ પર ચાર સશસ્ત્ર દેવતાઓના શિલ્પો કોતરવામાં આવ્યા હતા. જેમાં ASI ગણેશ, બ્રહ્મા, નરસિંહ, ભૈરવ, દેવી-દેવતાઓ, મનુષ્યો અને પ્રાણીઓની આકૃતિઓ મળી આવી હતી.
ધાર ભોજશાળાનો શું છે વિવાદ?
ધાર જિલ્લાની એક ઓફિસિયલ વેબસાઈટ પ્રમાણે, ઈ.સ. 1000 થી 1055 માં પરમાર વંશના શાસક રાજા ભોજનું રાજ હતું. રાજા ભોજ દ્વારા 11મી સદીમાં ધારમાં યૂનિવર્સિટીની સ્થાપના કરી હતી. જેને ભોજશાળાના નામથી ઓળખવામાં આવે છે. આ પછી ઈ.સ. 1305 માં અલાઉદ્દીન ખીલજીએ આ ભોજશાળાને તોડી નાખી હતી. તેવામાં ઈ.સ. 1401 માં દિલાવર ખાન ગૌરીએ ભોજશાળાની એક જગ્યાએ મસ્જિદનું નિર્માણ કર્યુ હતું. ઈ.સ. 1875માં ખોદકામ દરમિયાન અહીંથી માતા સરસ્વતીની મૂર્તિ નીકળતા મેજર કિંકાઈડ તેને લંડન લઈ ગયા.
ભોજશાળાના હિન્દુ-મુસ્લિમ વિવાદ સામે ASI નો આદેશ
ત્યારબાદ હિન્દુ પક્ષ દ્વારા ભોજશાળાને સરસ્વતી મંદિર હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જેના પુરાવા સ્વરૂપે હિન્દુ પક્ષ દ્વારા હાઇકોર્ટમાં ફોટોગ્રાફ્સ પણ રજૂ કરવામાં આવ્યા હતા. જો કે, ભોજશાળા કેન્દ્ર સરકાર હેઠળ હોવાની સાથે ASI દ્વારા સુરક્ષિત છે. બીજી તરફ, ASI દ્વારા 7 એપ્રિલ 2003 નાં રોજ કરવામાં આવેલા આદેશના આધારે હિન્દુઓને દર મંગળવારે ભોજશાળામાં પૂજા કરવાની છૂટ આપવામાં આવી હતી. જ્યારે મુસ્લિમોને દર શુક્રવારે આ સ્થળે નમાઝ પઢવાની પરવાનગી આપી હતી.
Comments
Post a Comment