નીટ-યુજીનું પેપર લીક થયું : સુપ્રીમ, ફરી પરીક્ષાના સંકેત
- પેપર વ્યાપક પ્રમાણમાં લીક થયું હશે તો ફરી પરીક્ષા યોજવી પડશે, 23 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે : સીજેઆઇ
- પોલીસ ફરિયાદો, પેપર લીક થયું હોય તો તેની અસર સમગ્ર પરીક્ષા પર થઇ છે કે કેમ તેની સુપ્રીમ ચકાસણી કરશે, 11મીએ વધુ સુનાવણી
- પેપર સોશિયલ મીડિયા પર લીક થયું હશે તો આગની જેમ ફેલાયું હશે, લીકનું માધ્યમ તપાસવું જરૂરી
- પરીક્ષા અને પેપર લીક થયાના સમય વચ્ચેનું અંતર ફરી પરીક્ષા યોજવી કે નહીં તે નક્કી કરશે
- પેપર લીકનો ભોગ બનેલાને ઓળખી શકાય તેમ હોય તો તમામે ફરી પરીક્ષા નહીં આપવી પડે
- ફરી પરીક્ષા યોજાય તો વિદ્યાર્થીઓના ટ્રાવેલિંગની વ્યવસ્થા-ખર્ચાને ધ્યાનમાં રાખવા પડશે
નવી દિલ્હી : મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવાતી નીટ-યુજીની પરીક્ષાનું પેપર લીક થયું હોવાના રિપોર્ટ સામે આવ્યા બાદ દેશભરમાં વિરોધ પ્રદર્શનો થઇ રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે પ્રથમ વખત સુપ્રીમ કોર્ટે પણ નોંધ્યું છે કે પેપર લીક થયું છે તે વાતને નકારી ના શકાય. પણ કેટલા વ્યાપમાં લીક થયું છે તેના આધારે ફરી પરીક્ષા યોજવા અંગે નિર્ણય લેવામાં આવશે. સુપ્રીમ કોર્ટે સોમવારે નીટ-યુજી પરીક્ષાને ફરી યોજવા કે ના યોજવા સહિતની અરજીઓની સુનાવણી દરમિયાન આ મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી.
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડ, ન્યાયાધીશ જેબી પારડીવાલા અને ન્યાયાધીશ મનોજ મિશ્રાની બેંચ દ્વારા આ અરજીઓની સુનાવણી કરાઇ હતી. સાથે જ નીટ યોજનારી નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) અને કેન્દ્ર સરકારને પેપર લીક મુદ્દે આકરા સવાલો પણ કર્યા હતા. સુપ્રીમે કહ્યું હતું કે નીટ-યુજીની પરીક્ષાનું પેપર લીક થયાની ઘટનાઓને નકારી ના શકાય, જો પેપર વ્યાપક પ્રમાણમાં લીક થયું હશે તો ફરજિયાત ફરી પરીક્ષા યોજવી પડશે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે એફઆઇઆર, સમગ્ર પરીક્ષા પ્રક્રિયા, ક્યારે લીક થયું તેનો સમયગાળો આ ત્રણ પાસા તપાસવા પડશે. ફરી પરીક્ષા યોજવી બહુ જ મુશ્કેલીભર્યું કામ છે.
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશે મામલાની સુનાવણી દરમિયાન મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું હતું કે જો ઇલેક્ટ્રોનિક મીડિયા એટલે કે સોશિયલ મીડિયાના માધ્યમથી પેપર લીક કરવામાં આવ્યું હશે તો તે અનેક લોકો સુધી પહોંચ્યું હશે. પેપર લીક થયું છે પણ તે ક્યાં સુધી પહોંચ્યું હતું તેના પર હજુ વિચાર કરી રહ્યા છીએ. અહીં સવાલ ૨૩ લાખ વિદ્યાર્થીઓનો છે, જો દોષી ઉમેદવારોને ઓળખી શકાય તેમ ના હોય તો ફરી પરીક્ષા યોજવા આદેશ આપવો પડશે. કોણ પેપર લીકમાં સામેલ છે અને કોણ નથી તે બન્નેને અલગ કરી શકાય તેમ ના હોય તો ફરી પરીક્ષા યોજવી પડશે. જો પેપર સોશિયલ મીડિયા (વોટ્સએપ, ફેસબુક, ટેલિગ્રામ વગેરે) દ્વારા લીક કરવામાં આવ્યું હશે તો તે જંગલમાં આગ ફેલાય તેવી રીતે ફેલાયું હોઇ શકે છે. જે વિદ્યાર્થીઓ પેપર લીકનો ભોગ બન્યા હોય તેમને ઓળખી શકાય તેમ હોય તો તમામ વિદ્યાર્થીઓએ ફરી પરીક્ષા નહીં આપવી પડે.
મુખ્ય ન્યાયાધીશે એનટીએને સવાલ કર્યો હતો કે ૭૨૦ માર્ક્સ જે ૬૭ વિદ્યાર્થીઓને મળ્યા હતા તેમાંથી કેટલાને ગ્રેસ માર્ક મળ્યા હતા, તેમાંથી કોઇ શંકાના દાયરામાં છે? એવા વિદ્યાર્થીઓ કેટલા છે જેમને એક વિષયમાં બહુ જ વધુ માર્ક્સ હોય અને બીજા વિષયમાં સાવ ઓછા માર્ક્સ હોય?નીટમાં વધુ માર્ક્સ હોય અને ધોરણ ૧૨માં ઓછા માર્ક્સ હોય તેવા કેટલા વિદ્યાર્થીઓ છે? સુપ્રીમે જોકે એ પણ નોંધ્યું કે જરૂરી નથી કે ૧૨માં ધોરણની પરીક્ષામાં તમામ વિદ્યાર્થીઓ સારા માર્ક્સ મેળવવા તૈયારી કરતા જ હોય છે. જો પરીક્ષાના દિવસે જ સવારે પેપર લીક થયું હશે તો તેના ફેલવા માટેનો સમયગાળો સીમિત હશે, આ ૨૩ લાખ વિદ્યાર્થીઓ સાથે સંકળાયેલો મામલો છે.
સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું હતું કે અમે ૧૦૦ ટોચની રેન્કિંગ વાળા વિદ્યાર્થીઓની પેટર્નની તપાસ કરી છે. જેમાં સામે આવ્યું કે ૧૮ રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોના ૫૬ શહેરોમાં ૯૫ કેન્દ્રો સાથે આ વિદ્યાર્થીઓ સંકળાયેલા હતા. બાદમાં મુખ્ય ન્યાયાધીશે સવાલ કર્યો કે કેટલી એફઆઇઆર દાખલ કરાઇ છે? જવાબમાં એનટીએએ કહ્યું હતું કે એક પટનામાં થઇ છે, છ એફઆઇઆરના પણ દાવા થઇ રહ્યા છે. અમે આ મામલે વધુ માહિતી કોર્ટમાં રજુ કરીશું. દરમિયાન મુખ્ય ન્યાયાધીશે ફરી પરીક્ષા યોજવામાં આવે તો તેને લઇને જે પડકારો આવશે તે અંગે પણ વાત કરી હતી, તેમણે કહ્યું હતું કે ફરી પરીક્ષા યોજવાની તૈયારી, વ્યવસ્થા, વિદ્યાર્થીઓનું ટ્રાવેલિંગ વગેરેના ખર્ચાનું પણ ધ્યાન રાખવું પડશે. હવે આ મામલે ૧૧ તારીખે વધુ સુનાવણી થશે.
એક દિવસ અગાઉ ટેલિગ્રામ પર પેપર લીક થયાનો દાવો
નીટ પેપર લીક વિવાદ હાલ સમગ્ર દેશમાં ચર્ચામાં છે. એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે સુપ્રીમ કોર્ટમાં પેપર લીકને લઇને એક વીડિયો રજુ કરાયો હતો. આ વીડિયોમાં બે અલગ અલગ ટેલિગ્રામ ચેનલો પર મેસેજ છે. આ અહેવાલમાં દાવો કરાયો છે કે વીડિયો રેકોર્ડિંગ પરથી સ્પષ્ટ થાય છે કે પેપર પરીક્ષાના એક દિવસ અગાઉ સવારે જ લીક થઇ ગયું હતું. અરજદારોનો પણ આરોપ છે કે વીડિયો રેકોર્ડિંગમાં જે પ્રશ્ન પેપર જોવા મળ્યું તે જ નીટ-યુજીમાં પણ પૂછવામાં આવ્યું હતું. વીડિયો એ વાતનો પુરાવો છે કે પરીક્ષા અગાઉ જ નીટ-યુજીનું પેપર લીક થઇ ગયું હતું.
Comments
Post a Comment