'ટ્રમ્પ સામેની ડિબેટમાં હું રીતસરનો ઊંઘી જ ગયો હતો', બાઈડેનના દાવાથી ડેમોક્રેટ્સની ચિંતા વધી
પોતે જેટલેગના કારણે થાકી ગયાનો બાઇડેનનો દાવો
બાઇડેનના રીઇલેકશનને મુદ્દે ડેમોક્રેટ્સ પોતે જ શંકાશીલ, સ્પર્ધામાંથી હટવા દબાણ વધ્યું
વોશિંગ્ટન: ટ્રમ્પ સાથેની ચર્ચામાં નબળા દેખાવનું ઓછું પડતું હોય તેમ બાઇડેને રીતસરનો નવો ધડાકો કરતા જણાવ્યું છે કે આ ચર્ચામાં રીતસરનો હું ઊંંઘી જ ગયેલો હોવાથી યોગ્ય જવાબ આપી શક્યો ન હતો. તેમણે તેમના નબળા દેખાવ માટે વ્યાપક પ્રવાસને જવાબદાર ઠેરવ્યો હતો.
બાઇડેનના આ નિવેદનના પગલે ડેમોક્રેટ્સમાં અને તેમના સમર્થકોમાં રીતસરનો સન્નાટો વ્યાપી ગયો છે. બાઇડેને નિખાલસતાપૂર્વક કબૂલ્યું હતું કે હું ખાસ સ્માર્ટ નથી. જો બાઇડેન માટે પ્રતિબદ્ધ ઘણા ડેમોક્રેટસ તેમના રી-ઇલેકશન અંગે શંકા સેવે છે. ખાસ કરીને ગત સપ્તાહે તેમના પ્રતિસ્પર્ધી ડોનાલ્ડ-ટ્રમ્પ સામેની ડીબેટમાં તેઓએ કરેલા નબળા દેખાવ પછી તેમના જ પક્ષના ચૂંટાયેલા સાંસદો પણ કહે છે કે, બાઇડેને સ્પર્ધામાંથી જ ખસી જવું જોઈએ.
ગત સપ્તાહે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે થયેલી દ્વંદ-ચર્ચા (ડીબેટ) પહેલા ઘણા (મોટા ભાગના) ડેમોક્રેટસ બાઇડેેનને સમર્થન આપતા હતા, પરંતુ તે ચર્ચામાં બાઇડેને કરેલા નબળા દેખાવ પછી તેઓમાં આમૂલ પરિવર્તન આવી ગયું છે.
મોટા ભાગના ડેમોક્રેટસ પણ હવે માને છે કે જયાં સુધી રાજકીય અને વ્યૂહાત્મક નીતિઓને સંબંધ છે ત્યાં સુધી રીપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ સામે બાઇડેન સામનો કરવા માટે પૂરતા સક્ષમ દેખાતા ન હતા કે પૂરતા તૈયાર પણ દેખાતા ન હતા.
આમ બાઇડેેન ઉપર સ્પર્ધામાંથી જ ખસી જવા દબાણ થઇ રહ્યું છે. કેટલાક ડોનર્સ પણ હવે અનુદાનો આપ્યા પછીએ બાઇડેનને સ્પર્ધામાંથી ખસી જવા દબાણ કરી રહ્યા છે. અમેરિકાના નીચલા ગૃહ હાઉસ ઓફ રેપ્રિઝેન્ટેટિવ્ઝના ૨૫ જેટલા ડેમોક્રેટ સાંસદોએ બાઇડેનને પ્રમુખ પદની ચૂંટણીમાંથી વિધિવત ખસી જવા લખી મોકલવા વિચાર કર્યો છે, તેમ ગૃહના એક ડેમોક્રેટ એઇડે જ કહ્યું હતું.
બીજા એક એઇડે પણ આ અંગે અગ્રીમતા દર્શાવતા કહ્યું હતું કે અમે બાઇડેનને વિધિવત પત્ર લખી દેશના પ્રમુખપદ માટેની સ્પર્ધામાંથી ખસી જવા માટે જણાવવા માગીએ છીએ. ટૂંકમાં, ચૂંટણી તો નવેમ્બરમાં યોજાવાની છે, પરંતુ અત્યારથી જ બાયડેન માટે મુશ્કેલીઓ શરૂ થઈ ગઈ છે.ટ્રમ્પ અત્યરે ૫૨ ટકા સાથે, ૪૬ ટકા મત ધરાવતા બાયડેન કરતાં ઘણા આગળ છે.
Comments
Post a Comment