Budget 2024 : બેરોજગારી, ખેડૂતો, મિડલ ક્લાસ... બજેટે આ પાંચ વર્ગોને કર્યા નિરાશ


Budget 2024 : નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) આજે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કર્યું છે. તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીઓમાં ભાજપ પોતાના દમ પર બહુમતી મેળવવામાં નિષ્ફળ રહ્યું હતું અને સરકાર બનાવવા માટે સાથી પક્ષોનો ટેકો લેવો પડ્યો હતો. તેથી, આજે જ્યારે સીતારામન બજેટ રજૂ કરવા લોકસભામાં ઉભા થયા, ત્યારે અપેક્ષાઓનો પ્રવાહ આકાશે હતો. પરંતુ આમાં ઘણા વર્ગો નિરાશ થયા હતા.

બેરોજગારીની આ મોટી સમસ્યા બજેટમાંથી બાકાત

વિશ્વમાં સૌથી ઝડપી આર્થિક વિકાસ કરી રહેલા ભારત માટે બેરોજગારી સૌથી મોટો પડકાર છે. ભારત એવા દેશોમાં સામેલ છે જ્યાં બેરોજગારીનો દર સૌથી વધુ છે. દેશની અર્થવ્યવસ્થા ઝડપથી વધી રહી છે પરંતુ તે પ્રમાણે નોકરીઓ ઊભી કરવામાં નિષ્ફળતા જોવા મળી રહી છે. પરંતુ આજના બજેટમાં બેરોજગારીની વધતી જતી સમસ્યાને પહોંચી વળવા માટે કોઈ ખાસ જાહેરાત કરાઈ નથી. જો કે રોજગાર સંબંધિત પ્રોત્સાહનો હેઠળ ત્રણ યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ બેરોજગારોની વધતી જતી સંખ્યા માટે આ જાહેરાત અપૂરતી છે.

આ પણ વાંચો : મોદી સરકારનું બજેટ કૉપી-પેસ્ટ? આ જાહેરાતો તો કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં હતી

રેલ ઇન્ફ્રા માટે કોઈ ભાવિ વિઝન નથી

છેલ્લા ઘણા સમયથી રેલ્વેએ મોટા અકસ્માતોનો સામનો કરવો પડ્યો છે. ગયા વર્ષે જૂન મહિનામાં ઓડિશામાં, ગયા મહિને બંગાળ અને બિહાર બોર્ડર પર અને તાજેતરમાં ઉત્તર પ્રદેશના ગોંડા નજીક રેલ અકસ્માતો થયા હતા. તેથી એવી ચર્ચાઓ હતી કે, બજેટમાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા પર ભાર મૂકાશે, જોકે બજેટમાં આવી કોઈ જાહેરાત થઈ નથી. આ ઉપરાંત વંદે ભારત, અમૃત ભારત અને બુલેટ ટ્રેન માટે પણ કોઈ જોગવાઈ થઈ નથી.

શેરબજારની અપેક્ષાઓ પણ તૂટી

આ બજેટમાં શેરબજારને ઘણી અપેક્ષાઓ હતી. રોકાણકારો ખાસ કરીને કેપિટલ ગેઈન ટેક્સને યોગ્ય બનાવવાની આશા રાખતા હતા. પરંતુ બજેટે તેમને ઝટકો આપ્યો છે. કેપિટલ ગેઈન ટેક્સ હેઠળ, લોંગ ટર્મ કેપિટલ ગેઈન 2.5 ટકાથી વધારીને 12 ટકા કરાયો છે. આ ઉપરાંત કેટલીક પસંદગીની એસેટ્સ પર શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ (STCG) વધારીને 20 ટકા કરાયો છે, જેના કારણે સ્ટોક માર્કેટ કડાકો જોવા મળ્યો છે.

આ પણ વાંચો : ઈન્ક્મ ટેક્સ સ્લેબમાં કરાયેલા ફેરફાર સરળ શબ્દોમાં સમજો, રૂ. 28,600 સુધીની બચત થઈ શકશે

બજેટથી ખેડૂતો પણ થયા નિરાશ

કૃષિ અને તેની સાથે સંકળાયેલા ક્ષેત્ર માટે 1.52 લાખ કરોડ રૂપિયાની જાહેરાત કરાઈ છે. જોકે ખેડૂતોની સતત માંગણી છતાં બજેટમાં લઘુત્તમ ટેકાના ભાવ (MSP) અંગે કોઈ જાહેરાત થઈ નથી. પીએમ કિસાન એટલે કે કિસાન સન્માન નિધિની રકમમાં પણ વધારો કરાયો નથી. એવું મનાતું હતું કે, સરકાર આ રકમ બમણી કરી શકે છે. હાલમાં આ યોજના હેઠળ વાર્ષિક રૂ.6,000 આપવામાં આવે છે.

મધ્યમ વર્ગની પણ આશા તૂટી

બજેટમાં કરદાતાઓને મોટી અપેક્ષાઓ હતી. ખાસ કરીને મધ્યમ વર્ગ કે જેઓ સૌથી વધુ ટેક્સ ચૂકવે છે અને ખર્ચ કરે છે, તેમને વધુ રાહત અપાઈ નથી. નવી ટેક્સ વ્યવસ્થામાં સ્ટાન્ડર્ડ ડિડક્શન 50,000 રૂપિયાથી વધારીને 75,000 રૂપિયા કરાઈ છે. આ ઉપરાંત નવી ટેક્સ વ્યવસ્થામાં ટેક્સ સ્લેબમાં ફેરફાર કરાયો છે. નાણામંત્રીનો દાવો છે કે, આનાથી 10 લાખ રૂપિયાથી વધુ પગાર મેળવનારાઓ માટે વાર્ષિક 17,500 રૂપિયાની બચત થશે. પરંતુ જૂની ટેક્સ વ્યવસ્થામાં કોઈ ફેરફાર કરાયો નથી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો