ગુજરાતનાં અનેક જિલ્લામાં જરૂર કરતા વધુ વરસાદ ખાબક્યો, હજુ પોણા ભાગનું ચોમાસું બાકી, જાણો તમામ જિલ્લાની સ્થિતિ


સૌથી વધુ વરસાદ નવસારી જિલ્લામાં 56 ઈંચ, ખેરગામ તા.માં 65  ઈંચ પરંતુ, નોર્મલની સાપેક્ષ   : પોરબંદર, જુનાગઢ જિલ્લામાં મૌસમનો સવા ગણો વરસાદ : હજુ ચોમાસુ બાકી: સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જિલ્લામાં માત્ર 30 ટકા અને દ્વારકા જિલ્લામાં 142 ટકા : સૌરાષ્ટ્રના 14 તાલુકાઓમાં 40 ઈંચથી વધારે વરસાદ થયો : વિસાવદર 62 ઈંચ,વંથલી 58, દ્વારકા અને કેશોદમાં 53 ઈંચથી વધુ વરસાદ  મહિનામાં વરસી ગયો 

રાજકોટ : રાજ્યમાં આજ સુધીમાં ઈંચમાં સૌથી વધારે વરસાદ તો વલસાડ જિલ્લામાં 56 ઈંચ અને નવસારી જિલ્લામાં 54 ઈંચ નોંધાયો છે પરંતુ, જે તે જિલ્લામાં ઈ.સ. 1994થી 2023 સુધીના 30 વર્ષમાં નોર્મલ વાર્ષિક સરેરાશ વરસાદ વરસતો હોય છે તે દ્રષ્ટિએ ગુજરાતમાં સૌથી વધુ, દેવભુમિ દ્વારકા જિલ્લામાં આખા ચોમાસામાં વરસાદ વરસે તેના કરતા ચોમાસાના એક માસમાં જ દોઢ ગણો વરસાદ વરસી ગયો છે! આ જિલ્લામાં સરેરાશ 769 મિ.મિ. (આશરે 31 ઈંચ) વરસાદ વરસે છે તે સામે આ વર્ષે આજ સુધીમાં 1090 મિ.મિ. એટલે કે આશરે 44 ઈંચ વરસાદ વરસી ગયો છે. એટલે કે મૌસમનો 142 ટકા વરસાદ પડી ગયો છે.

સૌરાષ્ટ્રમાં જરૂરીયાત કરતા વધુ વરસાદ ખાબક્યો

આવો જ અસામાન્ય ભારે વરસાદ સૌરાષ્ટ્રના પોરબંદર જિલ્લામાં તો વર્ષે સરેરાશ 32 ઈંચ વરસાદ થતો હોય છે તે સામે આ વર્ષે આજ સુધીમાં જ 39 ઈંચ પાણી વરસી ગયું છે, અર્થાત્ 121 ટકા વરસાદ તો એક માસમાં જ વરસી ગયો છે. આ જ રીતે રાજ્યમાં ત્રીજા ક્રમે જુનાગઢ જિલ્લામાં આજ સુધીમાં 48.50 ઈંચ વરસાદ નોંધાયો છે,જે આખા ચોમાસામાં સરેરાશ 40 ઈંચ કરતા વધારે છે, એટલે કે મૌસમનો 121 ટકા વરસાદ વરસી ગયો છે. 

સૌથી ઓછો વરસાદ આ જિલ્લાઓમાં નોંધાયો

બીજી તરફ, ગુજરાતમાં નોર્મલ સરેરાશ સામે સૌથી ઓછો વરસાદ દાહોદ જિલ્લામાં માત્ર 22.30 ટકા, અરવલ્લી જિલ્લામાં માત્ર 23 ટકા, પાટણમાં 26 ટકા, મહીસાગરમાં 25 ટકા વરસાદ જ વરસ્યો છે.મધ્યપૂર્વ ગુજરાતના અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા (જ્યાં ગઈકાલે ધોધમાર વરસ્યો), છોટા ઉદેપુર, પંચમહાલ વગેરે જિલ્લાઓમાં પણ 50 ટકાથી ઓછો વરસાદ છે.  સૌરાષ્ટ્રમાં જ આવેલા  સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી ઓછો 30 ટકા વરસાદ જ થયો છે. આ જિલ્લામાં નોર્મલ 24 ઈંચ સામે હજુ માત્ર 7 ઈંચ વરસાદ જ નોંધાયો છે.

31 તાલુકાઓમાં સરેરાશ 40 ઈંચથી વધુ વરસાદ

સમગ્ર ગુજરાતમાં એક તરફ 31 તાલુકા એવા છે જ્યાં 40 ઈંચથી વધુ વરસાદ ચોમાસાના એક મહિનામાં જ વરસી ગયો  છે જેમાં નવસારી અને વલસાડ જિલ્લાના તમામ 12 તાલુકા, સુરત જિલ્લાના બારડોલી, કામરેજ, મહુવા, પલાસણા, સુરત શહેર, ઉમરપાડા, તાપીનો દોલવન તાલુકો છે.

હજુ પોણા ભાગનું ચોમાસું બાકી

જ્યારે સૌરાષ્ટ્રમાં દેવભુમિ દ્વારકા જિ.ના દ્વારકા, કલ્યાણપુર,ખંભાળિયા, પોરબંદર તાલુકો, જુનાગઢ જિ.ના જુનાગઢ, જુનાગઢ શહેર, કેશોદ, માળિયા હાટીના, માણાવદર, માંગરોળ, મેંદરડા, વંથલી, વિસાવદર તાલુકામાં 40 ઈંચ કરતા પણ વધુ વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રમાં ઈંચમાં સૌથી વધારે વરસાદ વિસાવદરમાં 1538 મિમિ અર્થાત્ આશરે આશરે 62 ઈંચ અને વંથલીમાં 56 ઈંચ જ્યારે  દ્વારકા અને કેશોદ તાલુકામાં પણ આજ સુધીમાં 53 ઈંચથી વધુ વરસાદ વરસી ગયો છે અને હજુ પોણા ભાગનું ચોમાસુ બાકી છે !

રાજ્યમાં કુલ સરેરાશ 19 ઈંચ વરસાદ

નવસારીના ખેરગામમાં રાજ્યનો અત્યાર સુધીનો સૌથી વધુ 66 ઈંચ વરસાદ વરસી ગયો છે પરંતુ, આ તાલુકામાં 80 ઈંચ વરસાદ નોર્મલ ગણાય છે અને તેથી ત્યાં મૌસમનો 82 ટકા વરસાદ વરસ્યો છે. આ વર્ષે સૌરાષ્ટ્ર જાણે અતિ ભારે વરસાદના દક્ષિણ ગુજરાતના તાલુકાઓ સાથે સ્પર્ધા કરી રહ્યા છે.  સમગ્ર રાજ્યમાં ચોમાસાના ચાર પૈકી એક માસમાં આજ સુધીમાં કૂલ સરેરાશ 19 ઈંચ વરસાદ વરસ્યો છે જે રાજ્યમાં ચોમાસા દરમિયાન થતા સરેરાશ 35.50 ઈંચની સાપેક્ષે 53.25 ટકા છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો