રાજકોટ અગ્નિકાંડમાં 15 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ ફાઈલ થઇ, 30થી વધુ સાક્ષીના નિવેદન નોંધાયા


Rajkot TRP Mall Fire News | બાળકો સહિત ર૭ નિર્દોષ લોકોનો  ભોગ લેનાર રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડને આવતીકાલે બે માસ પુરા થઈ રહ્યા છે. જેના આગલા દિવસે આજે ગુનાની તપાસ કરતી સીટે તમામ ૧પ આરોપીઓ વિરૂધ્ધ કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કર્યું હતું. આ કેસમાં ૩૬પ જેટલા સાક્ષી અને સાહેદો છે. જેમાંથી ૩૦ થી વધુ સાક્ષીઓના સીટે જયુડિશીયલ કન્ફેશન એટલે કે સીઆરપીસીની કલમ ૧૬૪ મુજબ મેજીસ્ટ્રેટ રૂબરૂ નિવેદનો લેવડાવ્યા છે.

ક્રાઈમ બ્રાંચના ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું કે તપાસમાં એવુ બહાર આવ્યું છે કે ટીઆરપી ગેમ ઝોનમાં મુખ્યત્વે વેલ્ડીંગ વખતે આગ લાગી હતી.  ગેમ ઝોન બનાવવામાં મોટાપાયે પ્લાસ્ટીકના ફોમ શીટ, લાકડા સહિતના જવલનશીલ મટીરીયલનો ઉપયોગ થયો હતો. જેમાં ફોમશીટનો કુલીંગ વધારવા માટે  ઉપયોગ થયો હતો. 

આ પ્રકારના જવલનશીલ મટીરીયલને કારણે આગ ઝડપથી પ્રસરી ગઈ હતી અને ૩ થી ૪ મિનિટમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. તપાસ દરમિયાન ગેમઝોનમાંથી પેટ્રોલ-ડિઝલ જેવા જવલનશીલ પ્રવાહીની હાજરી મળી નથી.

ગેમ ઝોનના મુખ્ય સંચાલક પ્રકાશ હિરનનું આગમાં જ ભુંઝાઈ જવાથી મોત થયાનું બહાર આવ્યું છે. તેના આર્થિક વ્યવહારોની તપાસ કરવામાં આવી છે. આ કેસમાં સીએની પણ નિમણુંક કરવામાં આવી હતી. જેના દ્વારા ગેમ ઝોનના સંચાલકો વગેરેના બેન્કીંગ વ્યવહારો, ટ્રાન્ઝેકશન, આઈટી અને જીએસટી રીર્ટન વગેરેના ઓડીટીંગ અને રીર્પોટીંગનું કામ હાલ ચાલુ છે. આ તમામ બાબતોનો પુરાવા તરીકે ઉપયોગ કરાશે.

ડીસીપીએ વધુમાં જણાવ્યું કે આ કેસમાં નજરે જોનારા સાહેદો, ગેમ ઝોનના કર્મચારીઓના પણ જયુડીશીયલ કન્ફેશન લેવામાં આવ્યા છે. આરોપીઓએ બોગસ દસ્તાવેજો બનાવ્યા ત્યારે જેની હાજરી હતી તેમના પણ નિવેદનો લેવામાં આવ્યા છે. સંબંધિત સરકારી અધિકારીઓના પણ નિવેદનો લેવામાં આવ્યા છે. જેટલા લોકો ગેમઝોનમાં બચી ગયા હતા તેમના અને ઈજાગ્રસ્તોના પણ નિવેદનો લેવામાં આવ્યા છે. 

 અલગ-અલગ સરકારી વિભાગોની ભૂમિકાની તપાસ ગૃહ વિભાગ દ્વારા રચવામાં આવેલી સીટ કરી રહી છે. તે સીટની તપાસમાં શું બહાર આવે છે તે બાબત ગુનાની તપાસ કરતી સીટનો તપાસનો વિષય નથી. 

ભાજપના કોર્પોરેટર અને સસ્પેન્ડેડ ચારેય પીઆઈને મહદ્દઅંશે કલીન ચીટ

રાજકોટ: ગેરકાયદે ટીઆરપી ગેમ ઝોનને કાયદેસર કરવા માટે ભાજપના કોર્પોરેટર નીતીન રામાણીએ ભલામણ કર્યાનું અગાઉ બહાર આવ્યું હતું. રામાણીએ પણ આ બાબતનો એકરાર કર્યો હતો. આ સ્થિતિમાં રામાણી સામે કેમ કોઈ કાર્યવાહી  કરાઈ નથી તે બાબતે પૂછાતાં ડીસીપીએ જણાવ્યું કે  રામાણીનું નિવેદન સીટ દ્વારા લેવામાં આવ્યું છે. કોઈ ગુનાઈત બાબત છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી છે. ત્યાર પછી જ ચાર્જશીટ કરવામાં આવ્યું છે.

આ કેસમાં ચાર પીઆઈને અત્યાર સુધીમાં સસ્પેન્ડ કરી દેવાયા છે. આ તમામની ગુનાઈત બેદરકારી ખુલી છે કે કેમ તે બાબતે ડીસીપીએ કહ્યું કે આ કેસની ૧૭૩(૮) હેઠળ હજૂ તપાસ ચાલુ છે. ભવિષ્યમાં જે નવા તથ્યો બહાર આવશે તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે. 

ડિમોલીશન ન કર્યું અને બોગસ દસ્તાવેજ બનાવ્યા એટલે આરોપી

રાજકોટ: આ કેસમાં સૌથી વધુ ચર્ચામાં રહેલા મનપાના પૂર્વ ટીપીઓ અને મુખ્ય આરોપી પૈકીના એક મનસુખ સાગઠીયાની ભૂમિકા અંગે ડીસીપીએ જણાવ્યું કે તેણે ડિમોલીશનની નોટીસ આપ્યા બાદ ડિમોલીશન કર્યું ન હતું, એટલું જ નહીં આ અન્વયે કાગળોમાં ફ્રોડીંગ પણ કર્યું હતું. તેની આ ભૂમિકા ધ્યાને લઈ આરોપી બનાવવામાં આવ્યા હતા. 

રાજકોટના અગ્નિકાંડમાં 

તમામ ૧પ આરોપીઓ સામે ૧ર કલમો હેઠળ ચાર્જશીટ દાખલ

સાપરાધ મનુષ્યવધની કલમ હેઠળ આજીવન કારાવાસની સજાની જોગવાઈ

રાજકોટ: રાજકોટના અગ્નિકાંડ અંગે રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. જેની તપાસ કરતી સીટે કુલ ૧પ આરોપીઓની ધરપકડ કરી હતી. 

આ તમામ આરોપીઓ સામે આઈપીસી કલમ ૩૦૪ (સાપરાધ મનુષ્યવધ), ૩૦૮ (સાપરાધ મનુષ્યવધની કોશિષ), ૩૩૭ (બેદરકારીભર્યા કૃત્યથી ઈજા પહોંચાડવી), ૩૩૮ (બેદરકારીભર્યા કૃત્યથી ગંભીર ઈજા પહોંચાડવી), ૩૬ (જાણકારી સાથે કૃત્ય કરવું), ૪૬પ, ૪૬૬, ૪૭૧, ૪૭૪ (ખોટા દસ્તાવેજો બનાવવા, સરકારી અગર જાહેર રેકર્ડ સાથે ચેડા કરવા અને તેનો ખરા તરીકે ઉપયોગ કરવો), ૧ર૦-(બી) (ગુનાઈત કાવત્રું), ર૦૧ (પુરાવાનો નાશ), ૧૧૪ (મદદગારી) હેઠળ એડિશ્નલ ચીફ જયુડિશીયલ મેજીસ્ટ્રેટ એ.પી. દવેની કોર્ટમાં સીટ દ્વારા આજે ચાર્જશીટ ફાઈલ કરાયું હતું. 

જે ૧પ આરોપીઓ સામે ચાર્જશીટ ફાઈલ કરાયું છે તેમાં ધવલ ઠકકર, યુવરાજસિંહ સોલંકી, રાહુલ રાઠોડ, નિતીન લોઢા, અશોકસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા, મહેશ રાઠોડ, મનસુખ સાગઠીયા, ગૌતમ જોશી, મુકેશ મકવાણા, જયદિપ ચૌધરી, રાજેશ મકવાણા, રોહિત વીગોરા, ભીખાભાઈ ઠેબા અને ઈલેશ ખેરનો સમાવેશ થાય છે.

આ કેસમાં સાપરાધ મનુષ્યવધની જે કલમ હેઠળ  ગુનો નોધાયો છે તેમાં આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે