આતંકીઓ બેફામ જમ્મુમાં કેપ્ટન સહિત ચાર જવાન શહીદ


- આતંકીઓએ 15 વર્ષથી શાંત જમ્મુને બાનમાં લીધું, 2021 પછી બાવન જવાન સહિત 70નો ભોગ લેવાયો

- જમ્મુમાં માત્ર 36 દિવસમાં જ નવ જવાનો સહિત 19 લોકો માર્યા ગયા, પહાડી વિસ્તારોમાં હજુ પણ 50થી 60 આતંકીઓ છુપાયેલા

- જવાનો અને તેમના પરિવારે ભાજપની ખોટી નીતિઓનો માર સહન કરવો પડી રહ્યો છે, એક બાદ એક હુમલા દુ:ખદ : રાહુલ

- સૈન્યનું ઓપરેશન વધુ આક્રમક બન્યું, હેલિકોપ્ટર અને ડ્રોનની મદદથી આતંકીઓને શોધવાના પ્રયાસ તેજ

શ્રીનગર : તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાનું પ્રમાણ વધી રહ્યું છે. ખાસ કરીને જમ્મુ પ્રાંતમાં એક જ મહિનામાં અનેક હુમલાની ઘટના સામે આવી છે. હજુ સાત દિવસ પહેલા જ આતંકી હુમલામાં પાંચ જવાનો શહીદ થયા હતા, ત્યારે હવે ફરી મોટી જાનહાની સામે આવી છે. ડોડામાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે સામસામે ગોળીબાર દરમિયાન એક  કેપ્ટન સહિત ચાર જવાનો શહીદ થઇ ગયા છે. સોમવારે રાત્રે આ ઓપરેશન શરૂ કરાયું હતું જે દરમિયાન કેપ્ટન સહિત ચાર જવાનો ઘવાયા હતા, મંગળવારે સારવાર દરમિયાન તેઓએ જીવ ગુમાવ્યો હતો. હજુ સાત દિવસ પહેલા જ કઠુઆમાં આતંકી હુમલામાં પાંચ જવાન શહીદ થયા હતા. 

જમ્મુ કાશ્મીરના ડોડામાં સપ્તાહમાં ત્રીજુ મોટુ સૈન્ય ઓપરેશન શરૂ કરાયું હતું, આ દરમિયાન આતંકીઓને સૈન્યના જવાનોએ ઘેરી લીધા હતા, જેને પગલે તેમના પર આતંકીઓએ બેફામ ગોળીબાર શરૂ કરી દીધો હતો. જે દરમિયાન કેપ્ટન બ્રિજેશ થાપા, નાઇક ડી રાજેશ, સિપોય બિજેન્દ્ર અને સિપોય અજય ઘાયલ થયા હતા. તેમને તાત્કાલીક સારવાર માટે સૈન્યની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યા તેઓએ જીવ ગુમાવ્યો હતો. હુમલાની જવાબદારી પાક.ના સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી છે. સરકાર જમ્મુ કાશ્મીરમાં ૩૭૦ હટાવ્યા બાદ શાંતિ સ્થાપિત કરી હોવાના દાવા કરી રહી છે જ્યારે બીજી તરફ છેલ્લા એક મહિનાથી આતંકીઓ બેફામ હુમલા કરી રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં હવે ગમે ત્યારે વિધાનસભાની ચૂંટણી યોજાઇ શકે છે એવા સમયે પણ આ હુમલા થઇ રહ્યા છે. 

સીક્યુરિટી એજન્સીઓનાં સૂત્રોના કહેવા પ્રમાણે, લગભગ બે ડઝન જેટલા આતંકવાદીઓની ત્રણેક ટોળી પીર પંજાલમાં જંગલોમાં છૂપાયેલી છે. ગાઢ જંગલોમાં છૂપાયેલા આતંકવાદીઓની ટોળીઓ વારાફરતી હુમલા કરીને પાછી જંગલમાં છૂપાઈ જાય છે. તેમને સાફ કરવા માટે લશ્કરે મોટું અભિયાન હાથ ધરવું પડે એમ છે પણ કેન્દ્ર સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવાતો નથી.

વળી નવાઇની વાત એ છે કે કાશ્મીર ઘાટીમાં તો હુમલાની અનેક ઘટનાઓ સામે આવી રહી હતી પણ આ વખતે આતંકીઓએ સ્થળ બદલીને જમ્મુ વિસ્તારમાં હુમલા વધારી દીધા છે. વર્ષ ૨૦૦૫થી ૨૦૨૧ દરમિયાન જમ્મુ પ્રાંતમાં શાંતિ જોવા મળી હતી, આ જ વિસ્તારને છેલ્લા એક મહિનાથી આતંકીઓએ બાનમાં લીધો છે. હજુ થોડા દિવસ પહેલા જ વૈષ્ણોદેવીથી પરત ફરી રહેલી શ્રદ્ધાળુઓની બસ પર આતંકીઓએ હુમલો કર્યો હતો જેમાં ૧૦ શ્રદ્ધાળુઓ માર્યા ગયા હતા અને ૪૦ ઘવાયા હતા. પાકિસ્તાનની સરહદ નજીક આવેલા જમ્મુના રાજૌરી અને પૂંચમાં ઓક્ટોબર ૨૦૨૧થી આતંકી ઘટનાઓ વધવા લાગી છે. રીઆસી, કઠુઆ અને હવે ડોડામાં થયેલા આ હુમલા સૌથી મોટા આતંકી હુમલાઓમાં સામેલ થાય છે. 

માત્ર જમ્મુ પ્રાંતમાં જ વર્ષ ૨૦૨૧થી અત્યાર સુધીમાં આતંકી હુમલાઓમાં ૫૨ સુરક્ષા જવાનો સહિત ૭૦ લોકો માર્યા ગયા છે. શહીદ સુરક્ષા જવાનોમાં મોટાભાગના સૈન્યના જવાનોનો સમાવેશ થાય  છે. સૌથી વધુ જાનહાની રાજૌરી અને પૂંચ જિલ્લામાં જોવા મળી હતી. આ સમય દરમિયાન બન્ને જિલ્લાઓમાં સૈન્ય દ્વારા કુલ ૫૪ જેટલા આતંકીઓને પણ ઠાર મારવામાં આવ્યા છે. સતત વધી રહેલા આતંકી હુમલા વચ્ચે સૈન્યએ જણાવ્યું હતું કે ઉધપુર સૈન્ય કમાન્ડ જમ્મુ કાશ્મીરમાંથી આતંકીઓના ખાત્મા માટે કટિબદ્ધ છે. સાથે જ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ પણ પાઠવવામાં આવી હતી. દરમિયાન આ હુમલા બાદ સૈન્યએ પોતાનું ઓપરેશન વધુ આક્રામક બનાવ્યું છે.

જમ્મુના ત્રણથી ચાર જિલ્લાઓના પહાડી વિસ્તારોમાં ૫૦થી ૬૦ આતંકીઓ છૂપાયેલા હોવાની માહિતી સામે આવી છે. જેને પગલે હાલ જમ્મુ પ્રાંતમાં સૈન્ય હાઇ એલર્ટની સ્થિતિમાં છે. આ આતંકીઓ ગમે ત્યારે વધુ મોટા હુમલા કરી શકે છે. આતંકીઓને શોધવા માટે હાલ સૈન્ય હેલિકોપ્ટર અને ડ્રોનની પણ મદદ લઇ રહ્યું છે. જંગલ-પહાડો સહિત સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે. દરમિયાન કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ જમ્મુ કાશ્મીરમાં વધી રહેલા આતંકી હુમલાને લઇનેકેન્દ્ર સરકારને ઘેરી હતી. રાહુલે કહ્યું હતું કે એક બાદ એક આતંકી હુમલા અત્યંત દુ:ખદ છે, ભાજપની ખોટી નીતિઓને કારણે જવાનો અને તેમના પરિવારજનો ભોગ બની રહ્યા છે. હુમલાખોરોની સામે આક્રામક પગલા લેવામાં આવે.

આ હુમલાને પગલે અસદુદ્દીન ઓવૈસીએ સવાલ કર્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહેતા હતા કે, આતંકિયોં કો ઘર મેં ઘૂસકર મારેંગે ફિર યે ક્યા હો રહા હૈ ? મોદી મોટી મોટી વાતો કરતા હતા પણ તેમની સરકારની નિષ્ફળતા લોકોને દેખાઈ રહી છે. ડોડામાં એલઓસીથી બહુ દૂર હુમલો થયો છે. 


આતંકીઓ પાસે અમેરિકાની કાર્બાઈન-બુલેટ્સ પણ સરકાર ચૂપ

જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લા કેટલાક સમયમાં થયેલા દરેક હુમલામાં આતંકવાદીઓએ એકદમ મજબૂત સ્ટીલની બનેલી આર્મર-પીયર્સિંગ બુલેટ તથા લાઈટવેઈટ એમ૪ કાર્બાઈન ગનનો ઉપયોગ કર્યો છે.  આ ગન તથા બુલેટ્સ અમેરિકા અને નાટોના સૈનિકો અફઘાનિસ્તાનમાં તાલિબાનો સામે લડવા વાપરતા હતા. જમ્મુ અને કાશ્મીરમાં આતંક ફેલાવતા આતંકવાદી પાસે આ કાર્બાઈન તથા બુલેટ્સ ક્યાંથી આવી એ મુદ્દો ભારતે અમેરિકા સામે ઉઠાવવો જોઈએ પણ સરકાર ચૂપ છે.

તાજેતરના મોટા આતંકી હુમલાઓની ટાઇમલાઇન

મે,૨૦૨૨ : કાત્રામાં શ્રદ્ધાળુઓની બસ પર હુમલામાં ચાર જવાનો શહીદ 

એપ્રીલ-મે, ૨૦૨૩ : ડબલ આતંકી હુમલામાં ૧૦ જવાનો શહીદ થયા હતા

નવેમ્બર-ડિસે., ૨૦૨૩ : બે કેપ્ટન સહિત નવ જવાન શહીદ થયા હતા

૪ મે, ૨૦૨૪ : પૂંચમાં એરફોર્સના વાહન પર હુમલામાં એક જવાન શહીદ થયો અને પાંચ ઘવાયા હતા

૯ જૂન, ૨૦૨૪ : રીયાસીમાં બસ પર હુમલામાં ૧૦ શ્રદ્ધાળુઓ માર્યા ગયા અને ૪૦ જેટલા ઘવાયા હતા

૧૧-૧૨ જૂન, ૨૦૨૪ : બે આતંકી હુમલામાં છ જવાનો શહીદ થયા હતા અને અનેક ઘવાયા હતા

૮ જુલાઇ, ૨૦૨૪ : કઠુઆમાં સૈન્ય કાફલા પર હુમલામાં પાંચ જવાન શહીદ થયા અને પાંચ ઘવાયા હતા

૧૬ જુલાઇ, ૨૦૨૪ : ડોડામાં આતંકીઓ સામેના ઓપરેશન દરમિયાન કેપ્ટન સહિત ચાર જવાન શહીદ થયા

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો