ઈઝરાયલના સૈન્યની ક્રૂરતાં, ગાઝામાં સ્કૂલ પર કર્યા હવાઈ હુમલા, 16 લોકોનાં મોત, 50થી વધુ ઈજાગ્રસ્ત
Israel vs Hamas War Updates | ઈઝરાયેલ અને હમાસ વચ્ચે હવે શાંતિ સ્થાપવા વાટાઘાટો ચાલી રહી છે. આવા સમયે આ યુદ્ધમાં સમગ્ર વિશ્વમાંથી અપીલો છતાં પેલેસ્ટાઈનના નાગરિકોને નિશાન બનાવાઈ રહ્યા છે. નાગરિકોના મકાનો, હોસ્પિટલો પછી હવે ઈઝરાયેલે સ્કૂલ પર હવાઈ હુમલા કર્યા છે. ઈઝરાયેલ સૈન્યે શનિવારે સંયુક્ત રાષ્ટ્રની સ્કૂલ પર કરેલા હવાઈ હુમલામાં 16 લોકોનાં મોત નીપજ્યાં છે અને 75થી વધુ ઘાયલ થયા છે. સ્કૂલના કાટમાળમાં અનેક બાળકો દટાયા હોવાનું મનાય છે. જોકે, ઈઝરાયેલે આતંકીઓને નિશાન બનાવ્યાની દલીલ કરી છે.
ઈઝરાયેલના સૈન્યે ગાઝામાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સંચાલિત અલ નુસીરત સ્કૂલને નિશાન બનાવતા હવાઈ હુમલો કર્યો હતો. તેની દલીલ છે કે તેણે આતંકીઓને નિશાન બનાવ્યા છે જ્યારે હકીકતમાં સ્કૂલમાં મોટાભાગે મહિલાઓ અને બાળકોએ આશરો લીધો હતો. સૈન્યના હવાઈ હુમલાના કારણે સ્કૂલ સંપૂર્ણપણે કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી.
પેલેસ્ટાઈન રેડ ક્રેસેન્ટ સોસાયટીએ એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં બધા જ ઈજાગ્રસ્તોને પેરામેડિકલ હોસ્પિટલમાં દાખલ કરાતા જોવામાં આવે છે. મૃતકોની સંખ્યા વધવાની સંભાવના છે. એક પ્રત્યક્ષ દર્શીએ જણાવ્યું કે ગાઝા પર ઈઝરાયેલના હુમલા પછી આ નાગરિક સ્કૂલને લોકો માટે સુરક્ષિત માનવામાં આવતી હતી. અહીં સ્કૂલ પર હુમલો કરવાની જરૂર નહોતી. અમે બાળકોના મૃતદેહો જોયા છે. તેઓ ત્યાં રમી રહ્યા હતા. આ હુમલા પછી ઈઝરાયેલનું કહેવું છે કે તેમણે આતંકીઓને નિશાન બનાવ્યા હતા.
ગાઝા પર ઈઝરાયેલના હુમલાને નવ મહિના થઈ ગયા છે ત્યારે હવે ઈઝરાયેલમાં પણ આ યુદ્ધનો વિરોધ થઈ રહ્યો છે અને વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની પદ પરથી હકાલપટ્ટીની માગ સાથે તેલ અવિવમાં મોટાપાયે દેખાવો પણ થઈ રહ્યા છે. ઈઝરાયેલની રાજધાની તેલ અવિવમાં દેખાવકારોએ યુદ્ધના વિરોધમાં હાઈવે બ્લોક કરી દીધા હતા.
બીજીબાજુ આંતરરાષ્ટ્રીય મધ્યસ્થીકારોએ ફરી એક વખત મધ્ય-પૂર્વમાં આ યુદ્ધ ખતમ કરવા પ્રયત્નો શરૂ કર્યા છે. આ સંજોગો વચ્ચે ઈઝરાયેલમાં દેખાવકારોએ ગાઝા સરહદે ૧,૫૦૦ જેટલા કાળા અને પીળા ફુગ્ગા છોડી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ વિરુદ્ધ પ્રતીકાત્મક દેખાવો કર્યા હતા.
Comments
Post a Comment