ફરી વધ્યો તણાવ! ઈરાને મુખ્ય મસ્જિદ પર ફરકાવ્યો લાલ ઝંડો, ઈઝરાયલને આપી ખુલ્લી ધમકી
Iran Raised Red flag: પોતાના દુશ્મનોને પૃથ્વીના ગમે તે ખૂણામાં જઈને મારી નાંખવા માટે ઈઝરાયલ જાણીતું છે, ત્યારે ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં આજે (31 જુલાઇ) ઇઝરાયલને મોટી સફળતા મળી છે. ઇઝરાયલે આજે ઇરાનની રાજધાની તેહરાનમાં ઇરાનના નવા રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયાન (Masoud Pezeshkian)ના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવા માટે આવેલા હમાસના પોલિટિકલ વિંગના વડા ઇસ્માઇલ હાનિયેહ (Ismail Haniyeh)ને હવાઇ હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો છે.હાનિયેહની હત્યા હમાસ માટે મોટો ઝટકો છે. હવે ઇઝરાયલના આ હુમલા અંગે ઇરાન ઇઝરાયલ પર ભડક્યો છે. ઇરાને તેના દેશની મુખ્ય મસ્જિદ જામકરન મસ્જિદ પર લાલ ઝંડો ફરકાવી ઇઝરાયલને ધમકી આપી છે. આ ઝંડો બદલો લેવાનું પ્રતીક માનવામાં આવે છે, જે વધતા તણાવ વચ્ચે ઇઝરાયલ વિરૂદ્ધ સંભવિત જવાબી હુમલાનો સંકેત થઇ શકે છે.
ઉલ્લેખનિય છે કે, ઇઝરાયલ અને હમાસ વચ્ચે 7 ઓક્ટોબરથી શરૂ થયેલો યુદ્ધ અત્યાર સુધી ચાલુ છે. 9 મહીનાથી વધુ સમયથી ચાલી રહેલા આ યુદ્ધમાં ઇઝરાયલે અત્યારસુધી હમાસના ઘણા એવા આતંકીઓ અને કમાન્ડરોને ઠાર કર્યા છે, પરંતુ વડા ઇસ્માઇલ હાનિયેહ હમાસના પોલિટિકલ વિંગનો વડા હતો અને તે હમાસમાં મોટી જવાબદારી ધરાવતો હતો, ત્યારે હાનિયેહની હત્યાને ઇઝરાયલની મોટી સફળતા તરીકે જોવામાં આવી રહ્યું છે.
ઇરાનના સુપ્રીમ લીડર સાથે હાનિયેહની તસવીરો વાઇરલ
હાનિયેહની હત્યા થઇ એ પહેલા તેણે ઇરાનના સુપ્રીમ લીડર આયતુલ્લાહ ખામેનાઇ સાથે મુલાકાત કરી હતી. તેમની મુલાકાતની તસવીરો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થઇ રહી છે. ખામેનાઇ મીડિયા તરફથી એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે, જેમાં હાનિયેહ ખામેનાઇ સાથે મળી તેને ગળે મળતા જોઇ શકાય છે.
ઇરાન અને હમાસ વચ્ચે છે મજબૂત સંબંધ
ઇઝરાયલ અને હમાસ વચ્ચે જ્યાં લાંબાં સમયથી દુશ્મની ચાલી રહી છે, ત્યાં ઇરાન અને હમાસ વચ્ચે લાંબા સમયથી મજબૂત સંબંધ રહ્યા છે. ઇરાન હંમેશાથી હમાસનું સમર્થન કરતું આવ્યું છે અને તે હમાસને લાંબા સમયથી વિવિધ જરૂરિયાતો પણ પૂરી પાડે છે. આવામાં ઇરાનમાં હાનિયેહની હત્યા કરી ઇઝરાયલે ઇરાનની જ રાજધાની તેહરાનમાં ઇરાનના એક ખાસ મીત્રની હત્યા કરી છે. જેથી હવે બંને દેશો વચ્ચે તણાવ વધવાની શક્યતા છે.
ઇરાનની ઇઝરાયલને ધમકી
હાનિયેહની હત્યાની જવાબદારી અત્યારસુધી ઇઝરાયલે સત્તાવારરૂપે સ્વિકારી નથી, પરંતુ આ વાત સાફ છે કે ઇઝરાયલે જ હાનિયેહની હત્યા કરી છે. ઇરાને ઇઝરાયલના આ પગલાંની સખત નિંદા કરી છે અને ઇઝરાયલને ધમકી પણ આપી છે કે, ઇઝરાયલના આ પગલાને માફ કરવામાં આવશે નહી. હાનિયેહ એક ખાસ મહેમાનરૂપે ઇરાનના પ્રવાસે ગયો હતો. આ દરમિયાન ઇઝરાયલે ઇરાનના મહેમાનને એની જ રાજધાનીમાં હત્યા કરી છે. હમાસ સાથે યુદ્ધના કારણે ઇઝરાયલ અને ઇરાન વચ્ચે પહેલાથી જ ખૂબ તણાવ છે. આ પહેલા પણ બંને દેશો એકબીજા પર એક-એક વાર હવાઇ હુમલા કરી ચુક્યા છે. હવે ઇરાને એક એવો સંકેત આપ્યો છે જેના પરથી લાગે છે કે ઇરાન ઇઝરાયલ પર હુમલો કરવા તૈયાર છે. ઇરાને તેના કોમ શહેરમાં આવેલી જામકરન મસ્જિદના ગુંબદ પર લાલ ઝંડો ફરકાવી દીધો છે. આ મસ્જિદ ઇરાનવાસીઓ માટે ખૂબ જ મહત્ત્વની મસ્જિદ છે. આ મસ્જિદ પર લાલ ઝંડો ફરકાવવો બદલો લેવાનો સંકેત છે.
Comments
Post a Comment