વાયનાડમાં ભૂસ્ખલનથી 123નાં મોત, ચાર ગામનો સફાયો


- મુંડકાઈમાં બચાવ કાર્ય શરૂ કરતાં 15 કલાક લાગ્યા, કેરળ સરકારે બે દિવસનો શોક જાહેર કર્યો


- વાયનાડમાં 45 રાહત શિબિર બનાવાયા, 3600ને ખસેડાયા, પારા રેજિમેન્ટ હેઠળ કાલિકટમાં કંટ્રોલ સેન્ટર બનાવાયું, વરસાદના કારણે બચાવ કાર્યમાં અવરોધ


- વડાપ્રધાન મોદીએ પીડિતોના પરિવારજનોને રૂ. બે લાખ, ઈજાગ્રસ્તોને રૂ. 50,000 વળતર જાહેર કર્યું


- બચાવ કાર્ય માટે સૈન્યની ત્રણેય પાંખ, એમઆઈ-17 અને એએલએચ ધ્રુવ હેલિકોપ્ટર, એનડીઆરએફના 400થી વધુ જવાનો તૈનાત

વાયનાડ : દક્ષિણ ભારતનું સ્વર્ગ કેરળના વાયનાડમાં  મૂશળધાર વરસાદ પછી મંગળવારે સવારે ભૂસ્ખલન થતાં નૂલપુઝા, મુંડક્કાઈ, અટ્ટામલ અને ચૂરલમાલા ગામોમાં સેંકડો મકાનો દટાઈ ગયા હતા. આ કુદરતી આપદામાં ૧૨૩થી વધુ લોકોનાં મોત થયા છે જ્યારે ૧૫૦થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા જ્યારે સેંકડો લોકો પર્વતના કાટમાળમાં દટાયા છે. અહીં બચાવ કાર્ય માટે એનડીઆરએફ અને સૈન્ય સહિત અનેક એજન્સીઓને કામે લગાવાઈ છે. જોકે, ચાર કલાકના ટૂંકાગાળામાં ત્રણ ભૂસ્ખલન થવાથી બચાવ કાર્યમાં અવરોધો ઊભા થયા હતા. પીએમ મોદીએ બચાવ કાર્યની સમીક્ષા કરી હતી તથા પીડિતોના પરિવારજનોને વળતરની જાહેરાત કરી હતી.

કુદરતી સૌંદર્ય અને ચાના બગીચા માટે પ્રખ્યાત કેરળના વાયનાડમાં ભૂસ્ખલને ભયાનક તારાજી વેરી છે. વાયનાડમાં સંભવત: પહેલી વખત આવી ભયાનક આપદા ત્રાટકી છે. સમય પસાર થઈ રહ્યો છે તેમ કાટમાળમાંથી વધુ ને વધુ મૃતદેહો બહાર નીકળી રહ્યા છે. કાટમાળમાં દટાયેલા સેંકડો લોકોને શોધવા માટે ડ્રોન અને ડોગ સ્ક્વોડની મદદ લેવાઈ છે. બચાવ કામગીરી પર નિરિક્ષણ રાખવા પારા રેજિમેન્ટ હેઠળ કાલિકટમાં કંટ્રોલ સેન્ટર સ્થાપિત કરવામાં આવ્યું છે. બીજીબાજુ મૂશળધાર વરસાદના કારણે અનેક લોકો ચલિયાર નદીમાં તણાઈ ગયા હોવાની પણ આશંકા સેવાઈ રહી છે. 

પર્વતો વચ્ચે વસેલા વાયનાડમાં મૂશળધાર વરસાદના કારણે પર્વતની જમીન ધસી પડતાં સેંકડો મકાનો દટાઈ ગયા છે. બચાવ કાર્ય માટે એનડીઆરએફ અને સૈન્યની સાથે મદદ માટે ભારતીય એરફોર્સે એક એમઆઈ-૧૭ અને એએલએચ ધ્રુવ હેલિકોપ્ટર પણ તૈનાત કર્યું છે. સૂત્રો મુજબ રાહત કાર્ય માટે સૈન્યની ત્રણેય પાંખ અને એનડીઆરએફ સહિતની એજન્સીઓના ૪૦૦થી વધુ લોકોને તૈનાત કરવામાં આવ્યા છે. આ સિવાય તિરુવનંતપુરમમાં બે ટુકડીઓને સ્ટેન્ડબાય પર રખાઈ છે, જેમને જરૂર પડે તો તુરંત હવાઈ માર્ગે વાયનાડ મોકલાશે. જોકે, સતત પડી રહેલા વરસાદના કારણે બચાવ કાર્યમાં અવરોધો ઊભા થઈ રહ્યા છે.

વાયનાડના ચૂરલમાલમાં વહેલી સવારથી જ બચાવ કાર્ય શરૂ થઈ ગયું હતું, પરંતુ મુંડાકાઈને જોડતો પુલ તુટી પડતાં ત્યાં અસ્થાયી પુલ બનાવી લગભગ ૧૫ કલાક પછી બચાવ કાર્ય શરૂ કરી શકાયું હતું. આ ગામમાંથી અંદાજે ૧૫૦થી વધુ લોકોને બચાવાયા છે. જોકે, વાયનાડમાં ૪૫ રાહત શિબિર બનાવાયા છે, જ્યાં ૩૬૦૦થી વધુ લોકોને ખસેડવામાં આવ્યા છે.

કેરળના મુખ્યમંત્રી પિનરાયી વિજયને કહ્યું કે, સમગ્ર વિસ્તાર સાફ થઈ ગયો છે. સરકારે બે દિવસ માટે સત્તાવાર શોકની જાહેરાત કરી છે. વાયનાડમાં ભૂસ્ખલનની આપત્તી હૃદય વિદારક છે. કેરળના મંત્રી વીણા જ્યોર્જે કહ્યું કે, ભારતીય નેવીની એક ટીમ બચાવ પ્રયત્નોમાં મદદ કરી રહી છે. વાયનાડમાં ચૂરમાલાને નજીકના શહેર સાથે સાંકળતો એક પૂલ પણ ધોવાઈ ગયો છે. આ વિસ્તારના અંદાજે ૭૦ ટકા લોકોને ઈજા પહોંચી છે. લોકોને યોગ્ય સારવાર મળી રહે તેની અમે ખાતરી કરી રહ્યા છીએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી પિનરાયી વિજયન સાથે વાત કરી હતી અને કટોકટીના આ સમયમાં શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપી હતી. તેમણે પીડિત પરિવારો માટે રૂ. ૨ લાખ અને ઈજાગ્રસ્તોને રૂ. ૫૦,૦૦૦ વળતરની જાહેરાત કરી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ દુર્ઘટના અંગે ભારે શોકની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે એક્સ પર પોસ્ટમાં જણાવ્યું કે, તેમણે કેરળના મુખ્યમંત્રી અને વાયનાડના જિલ્લા કલેક્ટર સાથે વાત કરી છે. તેમણે બચાવ કામગીરી ચાલી રહી હોવાની ખાતરી આપી હતી. હું કેન્દ્રીય મંત્રીઓ સાથે વાત કરીને વાયનાડને શક્ય તમામ સહાય પૂરી પાડવા વિનંતી કરીશ.

હવામાન વિભાગે મંગળવારે કેરળના કાસરગોડ, કન્નુર, વાયનાડ, કોઝિકોડે, માલાપ્પુરમ, પલક્કડ, થ્રિસુર અને ઈડુક્કીમાં ભારે વરસાદ અંગે રેડ એલર્ટ જાહેર કરી છે. તેમણે સ્થાનિક લોકો અને પ્રવાસીઓને અત્યંત તકેદારી રાખવા સલાહ આપી છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો