ભારતે ફરી રશિયાની મિત્રતા નિભાવી, UNમાં યૂક્રેન અંગે લવાયેલા પ્રસ્તાવમાં ન આપ્યો સાથ
UN Proposal For Russia-Ukraine War : યુનાઈટેડ નેશન (UN) દ્વારા આજે રશિય-યૂક્રેન યુદ્ધ અંગેનો એક મહત્ત્વનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. જોકે ભારતે રશિયાની મિત્રતાનો સાથ નિભાવી પ્રસ્તાવને સમર્થન આપવાનો ઈન્કાર કરી દીધો છે. યુએનની મહાસભામાં દ્વારા લવાયેલા પ્રસ્તાવમાં એવો ઉલ્લેખ કરાયો હતો કે, રશિયા યૂક્રેન વિરુદ્ધની આક્રમકતાને તુરંત સમાપ્ત કરે તેમજ તેના જાયોરિજ્જિયા સ્થિત પરમાણુ પાવર પ્લાન્ટ પરથી રશિયન સૈનિકો અને કર્મચારીને તાત્કાલીક પરત બોલાવે.
પ્રસ્તાવને 99 દેશોનું સમર્થન, 9નો વિરોધ, 60 ગેરહાજર
મળતા અહેવાલો મુજબ 193 સભ્ય ધરાવતા સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં આ પ્રસ્તાવ પસાર કરાયો હતો. આ પ્રસ્તાવના સમર્થનમાં 99 મત પડ્યા હતા અને નવ દેશોએ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. જ્યારે 60 દેશો મતદાનથી દૂર રહ્યા હતા. મહાસભાની બેઠકમાં ગેરહાજર રહેનારા દેશોમાં ભારત, બાંગ્લાદેશ, ભૂતાન, ચીન, ઈજિપ્ત, નેપાળ, પાકિસ્તાન, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા સામેલ છે. જ્યારે બેલારુસ, ક્યૂબા, ઉત્તર કોરિયા, રશિયા અને સીરિયાએ પ્રસ્તાવના વિરોધમાં મતદાન કર્યું હતું.
મોદી-પુતિનની મુલાકાતના બે દિવસ બાદ લવાયો પ્રસ્તાવ
ઉલ્લેખનિય છે કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આઠ અને નવમી જુલાઈએ રશિયાની બે દિવસની મુલાકાતે ગયા હતા અને તેમણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Russian President Vladimir Putin) સાથે ચર્ચા-વિચારણા સહિતની બેઠકો યોજી હતી, ત્યારે આ મુલાકાતના બે દિવસ બાદ એટલે કે 11મી જુલાઈએ યુએનમાં રશિયા દ્વારા યૂક્રેનમાં આક્રમણ ખતમ કરવાનો પ્રસ્તાવ લવાયો છે. વડાપ્રધાન મોદીએ રશિયાની મુલાકાત દરમિયાન યૂક્રેનના કીવની હોસ્પિટલમાં થયેલા બાળકોના મોતનો મુદ્દો ઉઠાવ્યો હતો.
સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવમાં શું કહેવાયું છે?
સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવમાં રશિયાને આગ્રહ કરાયો છે કે, તે યૂક્રેનના જાયોરિજ્જિયા સ્થિત પરમાણુ પાવર પ્લાન્ટ પરથી પોતાની સેના અન્ય કર્મચારીઓને તાત્કાલીક પરત બોલાવી દે અને પ્લાન્ટની જવાબદારી યૂક્રેનને સોંપી દે. પ્રસ્તાનો ડ્રાફ્ટ યુક્રેન દ્વારા રજૂ કરાયો હતો, જેને ફ્રાન્સ, જર્મની અને અમેરિકા સહિત 50થી વધુ સભ્ય દેશોએ સહકાર આપ્યો હતો.
આ પણ વાંચો : ચીન-રશિયાની દોસ્તી ગાઢ બની રહી છે, ચીન, યુક્રેન યુદ્ધને નિર્ણાયક સમર્થન આપે છે : નાટો
Comments
Post a Comment