લદ્દાખ સરહદે ડેમચોકમાં ચીની સૈનિકોએ બનાવેલા તંબૂ હટાવવા ભારતની તાકીદ
![]() |
| (તસવીર પ્રતીકાત્મક છે) |
નવી દિલ્હી, તા. ૨૬
ચીને ભારતની સરહદમાં ફરીથી ઘૂસણખોરી કરી છે. લદાખના ડેમચોકમાં ચીનના સૈનિકોએ તંબૂ બનાવ્યા હોવાનું સીનિયર અધિકારીઓને ટાંકીને રજૂ થયેલા અહેવાલમાં કહેવાયું હતું. ભારતે આ સૈનિકોને પીછેહટની તાકીદ કરી છે, છતાં તંબૂ હટાવાયા નથી.
સરકારી અધિકારીઓને ટાંકીને અહેવાલમાં દાવો થયો હતો કે લદાખની સરહદે ડેમચોકમાં ચીનના સૈનિકોએ ફરીથી ઘૂસણખોરી કરી છે. આ વખતે ડેમચોકમાં તંબૂ તાણ્યા છે. જોકે, એ ઘૂસણખોરો સ્થાનિક નાગરિક હોવાનું કહે છે. ભારતીય સૈન્યએ એ લોકોને ત્યાંથી હટી જવાની તાકીદ કરી છે.
ડેમચોકમાંથી પીછેહટ કરવાની સમજૂતિ બંને દેશોના કમાન્ડર લેવલની વાતચીતમાં થઈ હતી. ૧૦ વિવાદાસ્પદ સ્થળોની ચર્ચા થઈ હતી, એમાંથી ડેમચોક મુદ્દે બંને તરફ સહમતી બની ગઈ હતી.
બંને દેશોના કમાન્ડર લેવલની ૧૨મી બેઠક માટે ચીને પેશકશ કરી હતી, પરંતુ ભારતે ૨૬મી જુલાઈએ કારગીલ દિવસ હોવાથી એ દિવસે બેઠકમાં ભાગ નહીં લઈ શકાય એવી સ્પષ્ટતા કરી હતી. તેના કારણે હવે બંને દેશોના કમાન્ડર લેવલની બેઠક ઓગસ્ટના પહેલા સપ્તાહમાં મળે તેવી શક્યતા છે. એ બેઠકમાં ભારત ડેમચોકની ઘૂસણખોરીનો મુદ્દો નવેસરથી ઉઠાવશે.
જોકે, સરકારી અધિકારીએ કહ્યું હતું કે લદાખ સરહદે અત્યારે સ્થિતિ કાબૂમાં છે. ૨૦૧૯માં જે સ્થિતિ સર્જાઈ હતી એવી કોઈ જ તંગદિલી અત્યારે પ્રવર્તતી નથી.
વિપક્ષ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ચીન મુદ્દે સરકારની ટીકા કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારને બિલકુલ સમજ નથી આવતું કે ચીન સાથે કેવી રીતે નિપટવું. રાહુલ ગાંધીએ ડેમચોકમાં ચીનની ઘૂસણખોરીના અહેવાલની લિંક શેર કરીને સરકારને યોગ્ય પગલાં ભરવા જણાવ્યું હતું.

Comments
Post a Comment