નોટબંધીના દસ્તાવેજો રજુ કરવા સુપ્રીમનો સરકારને આદેશ


- વર્ષ 2016માં રાતોરાત લાગુ કરાયેલી નોટબંધી મુદ્દે સરકાર મુશ્કેલીમાં મુકાઇ શકે છે

- બેકઅપમાં કોઇ કેશ રાખ્યા વગર જ નોટબંધી લાગુ કરી દેવામાં આવી, કરોડો લોકો બેરોજગાર બન્યા હતા: અરજદારો

- આરબીઆઇ એક્ટ મુજબ સંપૂર્ણ નોટબંધી લાગુ કરવાનો સરકારને કોઇ જ અધિકાર નથી: પી. ચિદંબરમ

- સરકારના નિર્ણયોમાં અમે શું કરી શકીએ અને અમારી લક્ષ્મણરેખા શું છે તે અમે જાણીએ છીએ: સુપ્રીમ

નવી દિલ્હી : વર્ષ ૨૦૧૬માં કેન્દ્રની મોદી સરકાર દ્વારા દેશભરમાં રાતોરાત નોટબંધી લાગુ કરી દેવામાં આવી હતી. આ મામલો હાલ સુપ્રીમ કોર્ટમાં ફરી ચર્ચામાં આવ્યો છે. નોટબંધી લાગુ કરવાના નિર્ણયને પડકારતી અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ટકોર કરતા કહ્યું હતું કે અમને અમારી લક્ષ્મણ રેખા શું છે તે સારી રીતે ખ્યાલ છે. આ સાથે જ બાદમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને આરબીઆઇને નોટિસ પાઠવી હતી અને નવમી નવેમ્બર સુધી પોતાનો જવાબ આપવા કહ્યું હતું. એવા અહેવાલો છે કે સુપ્રીમ કોર્ટમાં આટલા વર્ષો પછી નોટબંધીનું ભૂત ફરી ધુણતા સરકાર મુશ્કેલીમાં મુકાઇ શકે છે.  

સુપ્રીમ કોર્ટમાં નોટબંધીને પડકારતી અરજીની દલિલ જાણીતા વકીલ પી. ચિદંબરમ દ્વારા કરવામાં આવી હતી. તેઓએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે નોટબંધીનો નિર્ણય કોનો હતો આરબીઆઇનો કે કેન્દ્ર સરકારનો તેના દસ્તાવેજો સુપ્રીમ કોર્ટમાં રજુ થવા જોઇએ, કેન્દ્ર દ્વારા આરબીઆઇને લખેલા પત્ર અને આરબીઆઇની ભલામણ વગેરે સંબંધિત દસ્તાવેજોની માગણી કરવામાં આવે. સાથે જ પી. ચિદંબરમે કહ્યું હતું કે આરબીઆઇ એક્ટ અંતર્ગત કેન્દ્ર સરકારને બધી જ કરંસી નોટો રદ કરવાનો અધિકાર નથી. દસ્તાવેજો અને કાયદાકીય જોગવાઇ અંગે હાલ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને આરબીઆઇ પાસેથી જવાબ માગ્યો છે. આ મામલે હવે આગામી સુનાવણી નવ નવેમ્બરના રોજ થશે. 

સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે નોટબંધી પહેલા આરબીઆઇની બોર્ડ મીટિંગ મળી હતી, જેમાં શું નિર્ણયો લેવામાં આવ્યા તે સહિતની માહિતી સુપ્રીમ કોર્ટમાં દસ્તાવેજોની સાથે રજુ કરવામાં આવે.  આ સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અમને અમારી લક્ષ્મણ રેખા શું છે તે ખ્યાલ છે.  સરકારના કોઇ નીતિગત નિર્ણયોમાં કોર્ટ દ્વારા કોઇ દખલ દેવામાં આવી શકે કે કેમ તેને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે આ ટીપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એસ. અબ્દુલ નઝીરની અધ્યક્ષતા વાળી પાંચ સભ્યોની બેંચે કહ્યું હતું કે જ્યારે કોઇ મામલો બંધારણીય બેંચ સમક્ષ લાવવામાં આવે છે ત્યારે તેનો જવાબ આપવો તે બેંચની જવાબદારી પણ બને છે. સુપ્રીમ કોર્ટની આ બંધારણીય બેંચમાં ન્યાયાધીશ બી.આર.ગવઇ, ન્યાયાધીશ એ.એસ.બોપન્ના, ન્યાયાધીશ વી. રમાસુબ્રમણ્યમ અને ન્યાયાધીશ બી.વી. નાગરત્ના પણ સામેલ છે. 

સુપ્રીમ કોર્ટમાં નોટબંધીને પડકારતી અરજીમાં આ મુદ્દા ઉઠાવવામાં આવ્યા

- નોટબંધીને કારણે લોકોની રોજગારી અને નોકરી જતી રહી, લોકો બેરોજગાર થઇ ગયા

- જો નોટબંધી લાગુ કરવી જ હતી તો બેકઅપમાં કેશ પણ રાખવુ અત્યંત જરૂરી હતું 

- નોટબંધીના નિર્ણય પાછળ વિવેકબુદ્ધીનો ઉપયોગ નહોતો થયો

- આરબીઆઇ કાયદાની કલમ ૨૬(૨) મુજબ કેન્દ્ર સરકાર માત્ર કેટલીક નોટ રદ કરી શકે પુરી કરંસી નહીં

- આરબીઆઇની બોર્ડની બેઠકમાં શું નિર્ણય લેવાયો તેના દસ્તાવેજો મંગાવવામાં આવે

- નોટબંધીના નિર્ણયની જાણકારી સંસદમાં દસ્તાવેજો સાથે નથી આપવામાં આવી

નોટબંધીના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અત્યાર સુધીમાં 58 અરજી

નોટબંધીના નિર્ણયને પડકારતી અત્યાર સુધીમાં ૫૬ જેટલી અરજીઓ સુપ્રીમ કોર્ટમાં થઇ ચુકી છે. જ્યારે નોટબંધી વર્ષ ૨૦૧૬માં દેશભરમાં લાગુ કરાઇ હતી, આ મામલે જ્યારે દલિલો ચાલી રહી હતી ત્યારે કેન્દ્ર સરકાર વતી હાજર સોલિસિટર જનરલ અને એટર્ની જનરલે કહ્યું હતું કે આ મામલો માત્ર એકેડમિક છે. જોકે અરજદારે તેનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે આ મામલો માત્ર એકેડમિક એટલે કે ચર્ચાનો વિષય  નથી, કેન્દ્ર સરકારનો આ નિર્ણય હજુ પણ પડકારવા માટે ઓપન છે. સુપ્રીમ કોર્ટની બેંચે કહ્યું હતું કે અમે આ મામલે પણ વિચાર કરીશું કે આ કેસ હજુ પણ ઓપન છે કે માત્ર ચર્ચાનો જ વિષય બનીને રહી ગયો છે. 

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો