અમેરિકામાં ફુગાવાએ રેકોર્ડ સર્જતાં મોડી સાંજે સોના- ચાંદી, રૂપિયામાં તીવ્ર કડાકો

- આજે ભારતીય બજારો પર મોટા પાયે નકારાત્મક અસરની આશંકા
- સોનું રૂ.400 થી 500 તથા ચાંદી રૂ.1500 ગબડીઃ રૂપિયા સામે ડોલર ઉછળી રૂ.82.70 થયોઃ યુએસમાં હવે વ્યાજ વૃદ્ધિ તીવ્ર બનવાની ભીતિ
મુંબઈ : મુંબઈ ઝવેરીબજાર તથા કરન્સી બજારમાં ગુરુવારે બજાર બંધ થયા પછી મોડી સાંજે ભાવમાં મોટી ઉથલપાથલ સર્જાતાં ખેલાડીઓ સ્તબ્ધ બની ગયા હતા. બજારના સૂત્રોના જણાવ્યા મુજબ મોડી સાંજે અમેરિકાના ફુગાવાના બહાર પડેલા આંકડા અપેક્ષાથી ઉંચા તથા ૪૦ વર્ષની રેકોર્ડ ટોચે જાહેર થતાં વિશ્વબજારમાં અમેરિકાના શેરબજારમાં ઝડપી પીછેહટ દેખાઈ હતી. સામે વૈશ્વિક ડોલરનો ઈન્ડેક્સ ફરી ઉંચકાયાના તથા વિશ્વબજારમાં સોના- ચાંદીના ભાવમાં મોટો કડાકો બોલાઈ ગયાના નિર્દેશો વચ્ચે ઘરઆંગણે પણ બજારોમાં મોડી સાંજે વ્યાપક ઉથલપાથલ મચી ગઈ હતી. મુંબઈ કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૮૨.૩૪થી ઝડપી ઉછળી મોડી સાંજે રૂ.૮૨.૭૦થી ૮૨.૭૧ આસપાસ બોલાતા થયાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.
દરમિયાન, વિશ્વબજારમાં સોનાના ભાવ અમેરિકાનો ફુગાવો જાહેર થાય એ પૂર્વે ઔંશના ૧૬૮૧થી ૧૬૮૨ ડોલર સુધી ઉંચકાયા હતા તે ફુગાવાના આંકડા બહાર પડયા પછી ઝડપી તૂટી મોડી સાંજે ૧૬૫૦ની અંદર ઉતરી ૧૬૪૨ થઈ ૧૬૪૬થી ૧૬૪૭ ડોલર રહ્યાના સમાચાર મળ્યા હતા. વિશ્વબજાર પાછળ ઘરઆંગણે પણ ઝવેરીબજારોમાં મોડી સાંજે કિંમતી ધાતુઓના ભાવમાં તીવ્ર કડાકો બોલાયો હતો. સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ મોડી સાંજે રૂ.૪૦૦થી ૫૦૦ તૂટયા હતા જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ મોડી સાંજે રૂ.૧૫૦૦ જેટલા ગબડયાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. અમેરિકાના શેરબજારો પણ તૂટયાના નિર્દેશો હતા. બજારના જાણકારોના જણાવ્યા મુજબ અમેરિકામાાં ફુગાવો રેકોર્ડ મથાળે પહોંચતા હવે ત્યાં ફેડરલ રિઝર્વ દ્વારા આગળ ઉપર વ્યાજ દરમાં વૃધ્ધિ માટે વધુ આક્રમક વણ અપનાવાશે. એવી શક્યતા સર્જાઈ છે અને આવા કારણે વિશ્વબજારમાં મોડી સાંજે ડોલરમાં ઉછાળા સામે શેરો તથા સોનાના ભાવમાં કડાકો બોલાતો જોવા મળ્યો હતો. આની અસર હવે ઘરઆંગણાના શેરબજાર, ઝવેરીબજાર તથા કરન્સી બજાર પર શુક્રવારે (આજે) ખુલતી બજારે વ્યાપક જોવા મળશે એવી ગણતરી બજારના જાણકારો બતાવી રહ્યા હતા.
Comments
Post a Comment