અમેરિકામાં ફાઇવ-જીના લોન્ચિંગમાં ધબડકો : ફ્લાઇટો રદ


- અસંખ્ય ફ્લાઇટો રદ થવાના લીધે હજારો પ્રવાસીઓ રઝળી પડયા, ભારે આક્રોશ

- એરલાઇન કંપનીઓની ફાઇવ-જીના સી-બેન્ડની ગોઠવણી હાલમાં ન કરવા માંગ  ફ્લાઇટ્સ રદ થવાના કારણે એરલાઇન કંપનીઓએ જંગી નુકસાન વેઠવું પડશે

ન્યૂયોર્ક : અમેરિકામાં ફાઇવ-જી સર્વિસના લોન્ચિંગના લીધે હજારો ફ્લાઇટ્સ રદ થતા ભારત સહિત કેટલાય દેશોના હજારો પ્રવાસીઓ રઝળી પડયા હતા. ભારતમાંથી જ એર ઇન્ડિયાએ અમેરિકા ખાતેની તેની આઠ ફ્લાઇટ્સ રદ કરી હતી. આ સિવાય બીજી આંતરરાષ્ટ્રીય એરલાઇન્સ અને અમેરિકન એરલાઇન્સે પણ તેમની ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. 

ભારતીય ઉડ્ડયન નિયમનકાર ડીજીસીએના વડા અરૂણકુમારે જણાવ્યું હતું કે અમેરિકામાં ફાઇવ-જીના લોન્ચિંગના કારણે ઊભી થયેલી મુશ્કેલીઓને ઉકેલવા માટે તેઓ કામ કરી રહ્યા છે. આ રીતે ફ્લાઇટ રદ થતાં હજારો પ્રવાસીઓના પ્રવાસ આયોજન પર પાણી ફરી વળ્યું હતું. કોરોનાના બે વર્ષના લીધે કુટુંબીઓને મળી ન શકવાના લીધે થનગની રહેલા ભારતીયોની ભારત આવવાની આશાને આ ફ્લાઇટ રદ થવાથી મોટો ફટકો પડયો છે. આમ અમેરિકામાં કોરોના કાળ વખતે હોસ્પિટલોમાં જોવા મળતી અંધાધૂંધી હવે ફ્લાઇટ્સ રદ થતાં એરપોર્ટ પર જોવા મળી છે. કેટલાય પ્રવાસીઓ તેમની એરલાઇન્સ સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે જ્યારે એરલાઇન્સ કંપનીઓ આ નિષ્ફળતાનું ઠીકરુ એવિયેશન રેગ્યુલેટર ફેડરલ એવિયેશન એડમિનિસ્ટ્રેશન (એફએએ)ના માથે ફોડી રહી છે.  

યુએસ એવિયેશન રેગ્યુલેટર ફેડરલ એવિયેશન એડમિનિસ્ટ્રેશન (એફએએ)એ ૧૪ જાન્યુઆરીના રોજ જણાવ્યું હતું કે ફાઇવ-જીના લીધે વિમાનના રેડિયો ઓલ્ટીમીટરની કામગીરીમાં અવરોધ આવતા તે લેન્ડિંગ મોડમાં જતા એન્જિન અને બ્રેકિંગ સિસ્ટમને અટકાવી શકે છે. તેના લીધે વિમાનનું રનવે પર ઉતરવું અઘરું થઈ શકે છે. ઓલ્ટીમીટર વિમાન જમીનથી કેટલું ઊંચું છે તે માપીને દર્શાવે છે. હાલમાં અમેરિકન એરલાઇન્સ, ડેલ્ટા એરલાઇન્સ અને એર ઇન્ડિયા ભારત અને અમેરિકા વચ્ચેની ફ્લાઇટ્સ ઓપરેટ કરે છે. 

એર ઇન્ડિયા સિવાય પણ બીજી કેટલીક એરલાઇન્સે અમેરિકાની ફ્લાઇટ્સ રદ કરી છે. તેમા એમિરેટ્સનો સમાવેશ થાય છે. તેણે બોસ્ટ, શિકાગો, ડલ્લાસ, ફોર્ટવર્થ, હ્યુસ્ટન, મિયામી, નેવાર્ક, ઓર્લાન્ડો, સાનફ્રાન્સિસ્કો,  અને સીયેટલથી તેની ફ્લાઇટ રદ કરી છે. 

ડેલ્ટાએ જણાવ્યું હતું કે ટેલિકોમ કંપનીઓ અમેરિકાના કેટલાક એરપોર્ટ પર ફાઇવ-જી ગોઠવણી મર્યાદિત પ્રમાણમાં કરવા સંમત થઈ છે. આ ઉપરાંત કેટલાક એરપોર્ટ પર તે ગોઠવણીમાં વિલંબ કરશે.

આ ઉપરાંત કેટલીક અન્ય એરલાઇન્સ માંગ કરી રહી છે કે અમેરિકાની સરકાર નવા ફાઇવ-જી જોડાણમાં સી-બેન્ડ સ્પેકટ્રમની ગોઠવણીમાં વિલંબ કરે. જ્યાં સુધી તે વધુને વધુ પ્રોટેક્શન્સ અને સલામતી સાથે ઉતરે જેથી વિમાનના ઓલ્ટીમીટર પર અસર ન થાય. રેડિયો ઓલ્ટીમીટર વિમાનનો મહત્ત્વપૂર્ણ ટેકનોલોજીકલ સંરજામ છે. તે કેટલાય ફંકશન સંભાળે છે. તેના આધારે પાયલોટ એરોપ્લેનને સલામત રીતે ઉડાડી શકે છે. ફ્લાઇટના મહત્ત્વના તબક્કામાં તેની ઉપયોગિતા વધી જાય છે. અમેરિકાની અગ્રણી વિમાની કંપનીઓના સીઇઓએ જણાવ્યું છે કે જો આ મુદ્દાનો સત્વરે ઉકેલ નહીં લવાયો તો પરિવહનના મોરચે ગંભીર ફટકો પડશે. 

- એર ઇન્ડિયાએ અમેરિકાની આઠ ફ્લાઇટ્સ રદ કરી

- ફાઇવ-જીના લીધે વિમાનના સંવેદનશીલ એકમ ઓલ્ટીમીટર પર અસર પડે છે

- ફાઇવ-જીના મુદ્દાનો સત્વરે ઉકેલ ન લવાયો તો એરલાઇન્સ ઉદ્યોગ પર અસર

એફએએની કામગીરીથી નિરાશ ટેલિકોમ કંપની

40 દેશોમાં ફાઇવ-જીનું સફળ લોન્ચિંગ તો યુએસમાં શું તકલીફ ?

અમેરિકામાં ફાઇવ-જીના લોન્ચિંગના લીધે ફ્લાઇટ્સની કામગીરી ખોરવાઇ જતા ટેલિકોમ કંપની એટી એન્ડ ટી અને વેરિઝોન કેટલાક એરપોર્ટ પર ફાઇવ-જી લોન્ચ ન કરવા સંમત થઈ છે, પણ તેની સાથે તેણે આક્રોશપૂર્વક જણાવ્યું છે કે ૪૦ દેશોમાં ફાઇવ-જી સફળતાપૂર્વક લોન્ચ કરાયું તો અમેરિકામાં શું તકલીફ પડી. 

ટેલિકોમ કંપનીએ ફેડરલ એવિયેશન ઓથોરિટી (એફએએ)ની કામગીરી અંગે નિરાશા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જો ૪૦ દેશોની સરકાર તેમની એરલાઇન્સ સેવાને જરા પણ નુકસાન કર્યા વગર ફાઇવ-જી લોન્ચ કરી શકતી હોય તો પછી આપણને કેમ આ પ્રકારની પરિસ્થિતિની જરૂર પડી. 

આ કંપનીઓએ એફએએનીકામગીરી અંગે નિરાશા વ્યક્ત કરી હતી. એફએએ અમારી સામે પહેલા પણ આ બાબત ધ્યાનમાં લાવી શક્યું હોત, એમ કંપનીએ જણાવ્યું હતું. 

ફોર જી કરતાં ફાઇવ જીની ફ્રિકવન્સીની રેન્જ વધારે હોવાથી સમસ્યા

ફાઇવ-જી ટેકનોલોજી કેવી રીતે વિમાનના ઉડ્ડયનને નડે છે? 

- વિમાનના મહત્વના ઉપકરણો પણ આ જ ફ્રિકવન્સી પર કામ કરતા હોવાથી તે ખોટકાઇ જવાનું જોખમ

યુએસમાં એટી એન્ડ ટી અને વેરીઝોનની સી બેન્ડ ફાઇવ જી સેવાઓ શરૂ કરવામાં આવી છે. જેના કારણે ૭૭૭ સહિત સંખ્યાબંધ વિમાનો ઉડાડી શકાય તેમ નથી. અમેરિકાની સરકારે ૨૦૨૧ના આરંભે મીડ રેન્જ ફાઇવ જી બેન્ડવીડ્થ મોબાઇલ કંપનીઓને ૮૦ અબજ ડોલરમાં હરાજીમાં ફાળવી હતી. સ્પેકટ્રમમાં ૩.૭થી ૩.૯૮ ગીગાહર્ટઝની રેન્જને સી બેન્ડ કહેવામાં આવે છે. હવે સમસ્યા એ છે કે વિમાનના ઉડ્ડયનમાં વાપરવામાં આવતાં મહત્વના ઉપકરણો પણ ૪.૨થી ૪.૪ ગીગાહર્ટઝની રેન્જમાં ઓપરેટ થાય છે. ઓટોમેટેડ લેન્ડિંગ માટે ખપમા લેવાતા ઓપ્ટીમીટર્સ ૪.૨થી ૪.૪ ગીગા હર્ટઝની રેન્જમાં કામ કરે છે. ફાઇવ જી ની રેન્જ અને આ ઉપકરણની રેન્જ  સાવ નજીક હોવાથી આ ઉપકરણો ખોેટકાઇ જવાની સંભાવના છે. 

આની સામે ટેલિકોમ કંપનીઓનું કહેવું છે કે સ્પેકટ્રમમાં ફ્રિકવન્સી વધારે હોય તેમ ઇન્ટરનેટ સેવા ઝડપી મળે છે. વેરીઝોન અને એટીએન્ડટીની દલીલ છે કે  સી બેન્ડ ફાઇવ જી  સેવાઓ બીજા ૪૦ દેેશોમાં ઉપયોગમાં લેવામાં આવે છે ત્યાં કોઇ સમસ્યા નથી. બંને કંપનીઓ યુએસના આશરે ૫૦ એરપોર્ટ પર બફર ઝોન બનાવવા માટે સંમત થઇ છે. 

જો કે ટેલિકોમ કંપનીઓની દલીલ ગેરમાર્ગે દોરનારી છે. કેમ કે અન્યત્ર ફાઇવ જીનું ધોરણ અલગ છે. યુરોપમાં ૨૦૧૯માં જે ધોરણો નક્કી કરવામાં આવ્યા તેમાં મીડ રેન્જ ફાઇવ જીની ફ્રિકવન્સીની રેન્જ ૩.૪થી ૩.૮ ગીગાહર્ટઝ નક્કી કરવામાં આવેલી છે એટલે યુરોપમાં ૨૭ દેશોના એરપોર્ટ પર કોઇ સમસ્યા થઇ નથી. દક્ષિણ કોરિયામાં પણ ફાઇવ જી ફ્રિકવન્સી ૩.૪૨થી ૩.૭ ગીગાહર્ટઝ નક્કી કરાયેલી છે. 

ફ્રાન્સમાં પણ આ જ ફ્રિકવન્સી પર ફાઇવ જી કામ કરે છે. યુએસમાં ૪.૨થી ૪.૪ ગીગાહર્ટઝની ફ્રિકવન્સી નક્કી કરવામાં આવી છે, વળી ફ્રાન્સમાં ફાઇવ જી માટે જે પાવર લેવલ નક્કી કરવામાં આવ્યું છે તે યુએસમા ફાળવવામાં આવેલાં પાવર લેવલ કરતાં ઓછું છે. વેરીઝોને જણાવ્યું હતું કે તે ઘણાં વર્ષો સુધી હાયર બેન્ડની ફ્રિકવન્સીનો ઉપયોગ નહીં કરેે પણ એરલાઇન્સોને આ દલીલ ગળે ઉતરે તેમ નથી. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો