PM મોદીએ નેશનલ વોર મેમોરિયલ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી, ઉત્તરાખંડની ટોપીમાં જોવા મળ્યા PM
- PM મોદીએ નેશનલ વોર મેમોરિયલ ખાતે દેશ માટે અલગ અલગ યુદ્ધો અને ઓપરેશન્સમાં શહીદ થયેલા આશરે 26,000 જવાનોને શ્રદ્ધાંજલિ આપી
નવી દિલ્હી, તા. 26 જાન્યુઆરી, 2022, બુધવાર
આજે 26મી જાન્યુઆરી નિમિત્તે દેશ પોતાનો 73મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યું છે. વર્ષ 1950માં આ દિવસના રોજ દેશનું બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ વોર મેમોરિયલ ખાતે પહોંચી ગયા હતા અને તેમણે દેશ માટે અલગ અલગ યુદ્ધો અને ઓપરેશન્સમાં શહીદ થયેલા આશરે 26,000 જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યાર બાદ વડાપ્રધાન મોદીએ વિઝિટર બુકમાં સાઈન કરી હતી અને ત્યાંથી રાજપથ પહોંચ્યા હતા. ત્યાં તેમણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું હાથ જોડીને સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ રાષ્ટ્રગાન અને 21 તોપોની સલામી બાદ પરેડની શરૂઆત થઈ હતી.
PM મોદીએ ઉત્તરાખંડની ટોપી પહેરી
વડાપ્રધાન મોદીએ આજે ઉત્તરાખંડની ટોપી પહેરી છે. તેના પર બ્રહ્મકમળનું ફૂલ બનેલું છે. તે ઉત્તરાખંડનું રાજકીય પુષ્પ છે. વડાપ્રધાન મોદી જ્યારે કેદારનાથ ખાતે પૂજા કરવા પહોંચ્યા હતા ત્યારે તેમણે આ ફૂલ જ ચઢાવ્યા હતા. વડાપ્રધાન મોદીએ મણિપુરનો ગમછો પણ પહેર્યો છે. ઉલ્લેખનીય છે કે, આગામી મહિને આ બંને રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે વડાપ્રધાનની આ વેશભૂષા આ બંને રાજ્યો માટેના સંકેત તરીકે જોવામાં આવી રહી છે.
નેશનલ વોર મેમોરિયલ ખાતે શહીદોને નમન
ગણતંત્ર દિવસ પર પીએમ મોદીએ નેશનલ વોર મેમોરિયલ ખાતે દેશ માટે અલગ અલગ યુદ્ધો અને ઓપરેશન્સમાં જીવ ગુમાવનારા શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
Comments
Post a Comment