શું દેશમાં કોરોના ઘટવા લાગ્યો છે, સતત ત્રીજા દિવસે નવા કેસો કરતાં રિકવરી વધારે, 3 લાખ લોકોએ વાયરસને હરાવ્યો
- છેલ્લા 24 કલાકમાં 2,86,384 નવા કેસ નોંધાયા, દૈનિક પોઝિટિવિટિ રેટ 17.75% રહ્યો
નવી દિલ્હી, તા. 27 જાન્યુઆરી, 2022, ગુરૂવાર
ભારતમાં ત્રીજી લહેર ઓછી થવાના સંકેતો દેખાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 2.86 લાખથી વધારે કેસ નોંધાયા જરૂર છે પરંતુ રિકવરી રેટ તેનાથી વધારે છે. છેલ્લા 24 કલાકમાં 3 લાખથી વધુ લોકોએ કોરોના મહામારીને હરાવી છે. તમને જણાવી દઈએ કે, દેશમાં હવે એક્ટિવ કેસ લગભગ 22 લાખની નજીક છે.
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,06,357 દર્દીઓ સ્વસ્થ થયા છે. એની સાથે જ અત્યાર સુધીમાં રિકવર થનારા લોકોની કુલ સંખ્યા 3,76,77,328 થઈ ચુકી છે. રિકવરી રેટની વાત કરીએ તો તે 93.33% છે. છેલ્લા 24 કલાકમાં 2,86,384 નવા કેસ નોંધાયા છે. દૈનિક પોઝિટિવિટિ રેટ 17.75% રહ્યો છે.
પશ્ચિમ બંગાળમાં કોરોનાના 4,969 નવા કેસ, 34 દર્દીઓના મૃત્યુ
પશ્ચિમ બંગાળમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (કોવિડ-19) 4,969 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન રાજ્યમાં 34 દર્દીઓના મૃત્યુ થયા છે એની સાથે જ મૃતકોની સંખ્યા વધીને 20,445 થઈ ગઈ છે. ઉત્તર 24 પરગણા જિલ્લામાં 697, કોલકાતામાં 654, દક્ષિણ 24 પરગણા જિલ્લામાં 409, બીરભૂમમાં 319, નાદિયામાં 296, બાંકુરામાં 291, માલદામાં 234, હુગલીમાં 219 પૂર્વી વર્ધમાનમાં 207, પશ્ચિમી વર્ધમાનમાં 176, પશ્ચિમી મેદનીપુરમાં 171 તથા જલપાઈગુડીમાં 170 નવા કેસ નોંધાયા છે. આ નવા કેસ નોંધાયા બાદ રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 19,79,254 થઈ ગઈ છે અને વર્તમાનમાં 67,369 સક્રિય કેસો છે. રાજ્યમાં સંક્રમણ દર 7.32% અને રિકવરી દર 95.56% છે.
મહારાષ્ટ્રમાં સંક્રમણના 35,756 નવા કેસ, બીજા 79 દર્દીઓના મોત
મહારાષ્ટ્રમાં બુધવારે કોરોના વાયરસ સંક્રમણના 35,756 નવા કેસ નોંધાયા હતા અને આ મહામારીથી 79 દર્દીઓના મૃત્યુ થઈ ગયા છે. સ્વાસ્થ્ય વિભાગે આ જાણકારી આપી હતી. વિભાગ તરફથી રજૂ કરવામાં આવેલ બુલેટિનમાં જણાવવામાં આવ્યું હતુ કે, છેલ્લા એક દિવસમાં રાજ્યમાં વાયરસના ઓમિક્રોન સ્વરૂપના સંક્રમણથી કોઈ નવો કેસ સામે આવ્યો નથી. બુલેટિન પ્રમાણે નવા કેસ નોંધાયા બાદ કુલ કેસ વધીને 76,05,181 થઈ ગયા છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કોવિડથી 1,42,316 દર્દીઓના મૃત્યુ થઈ ચુક્યા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં ઓમિક્રોન સંક્રમણના 2,858 કેસો નોંધાયા છે જેમાંથી 1,534 દર્દીઓ સ્વસ્થ થઈ ચુક્યા છે. રાજ્યમાં હાલમાં કોવિડના 2,98,733 દર્દીઓ સારવાર હેઠળ છે. બુલેટિન પ્રમાણે મુંબઈમાં સંક્રમણના 1,858 નવા કેસ નોંધાયા છે અને આ મહામારીથી 13 દર્દીઓના મૃત્યુ થઈ ચુક્યા છે.
Comments
Post a Comment