ચૂંટણી રાજ્યોમાં રેલીઓ, રોડ-શો પર પ્રતિબંધ 31મી સુધી લંબાવાયો
કોરોના મહામારી વકરતા ચૂંટણી પંચનો નિર્ણય
ઘરે ઘરે પ્રચાર માટેની સંખ્યા પાંચથી વધારીને 10 કરાઇ, તબક્કાવાર જે વિસ્તારમાં મતદાન હશે ત્યાં જ પ્રચારની છૂટ અપાશે
ભાજપે ગઠબંધનનો જવાબ નથી આપ્યો, અમે 51 બેઠકો પર ઉમેદવારોને ઉતારીશું જ : જદ(યુ)
હિંમત હોય તો ચન્ની મારી સામે ધુરી બેઠક પરથી જીતી બતાવે : આપના ભગવંત માનનો પડકાર
નવી દિલ્હી : આ વર્ષે ઉત્તર પ્રદેશ, પંજાબ અને ગોવા સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે. એવામાં કોરોના મહામારી હાલ ફાટી નિકળી છે ત્યારે ચૂંટણી પંચે આ રાજ્યોમાં હાલ ચંૂટણી રેલીઓ અને રોડ શો પર પ્રતિબંધ લગાવ્યો છે. આ પ્રતિબંધને હવે 31મી જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યો છે. જોકે પ્રથમ ચરણ માટેના ચૂંટણી પ્રચારને 28મી જાન્યુઆરીથી છુટ આપવાનો નિર્ણય પણ કરાયો છે.
એટલે કે જે રાજ્યોમાં પ્રથમ ચરણ માટે મતદાન હશે ત્યાં આ ચરણ પુરતા જ પ્રચાર કરવાની છૂટ આપવામાં આવશે. આમ તબક્કાવાર છૂટ આપવાનો નિર્ણય ચૂંટણી પંચે લીધો છે. તેથી પક્ષો જે વિસ્તારમાં મતદાન ન હોય ત્યાં પ્રચાર નહીં કરી શકે. કોરોનાના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રથણ તબક્કાના ચૂંટણી પ્રચાર માટે 28મી જાન્યુઆરીથી જાહેર બેઠકો કરવાની છૂટ અપાઇ છે. આ દરમિયાન ઘરે ઘરે જઇને પ્રચાર માટે અગાઉ પાંચ જ લોકોને છૂટ અપાઇ હતી, જેને વધારીને હવે સંખ્યા 10ની કરવામાં આવી છે. એટલે કે પાર્ટીના 10 કાર્યકર્તા કે નેતાની ટૂંકડી ઘરે જઇને ચૂંટણી પ્રચાર કરી શકશે. એક ઘરે વધુ સંખ્યામાં ભીડ એકઠી ન થાય તે માટે આ નિર્ણય લેવાયો છે.
જ્યારે ચૂંટણી પ્રચાર માટે ઉપયોગમાં લેવાતી વીડિયો વેનનો ઉપયોગ કરવા માટે પ્રોટોકોલનું પાલન કરવાનું રહેશે, આ માટે જિલ્લા ચૂંટણી પંચ પાસેથી અનુમતી પણ લેવાની રહેશે. બીજી તરફ રાજ્યોમાં નેતાઓ દ્વારા વચનો અને નિવેદનો જારી છે. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે રાજ્યમાં સપાની સરકાર બની તો 22 લાખ યુવાઓને રોજગારી આપવાનું વચન આપ્યું છે.
આઇટી ક્ષેત્રે સરકાર આ રોજગારી ઉભી કરશે તેવો દાવો તેમણે કર્યો છે. જ્યારે બિહારમાં ભાજપ અને નીતીશ કુમારના પક્ષ જદ(યુ)નું ગઠબંધન છે. પણ ઉત્તર પ્રદેશમાં ભાજપે કોઇ યોગ્ય જવાબ ન આપતા જદ(યુ)એ 26 બેઠકો પર ગઠબંધન વગર જ પોતાના ઉમેદવારોને ઉતારી દીધા છે. ઉત્તર પ્રદેશમાં જદ(યુ) કુલ 51 બેઠકો પર ચૂંટણી લડશે.
બીજી તરફ કોંગ્રેસે ઉત્તર પ્રદેશમાં જે પણ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે તેમાંથી 70 ટકા ચેહરા નવા છે. જેને કોંગ્રેસ ન્યૂ અવતાર તરીકે પણ ઓળખાવી રહી છે. આ નામોની પસંદગી કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી દ્વારા કરવામાં આવી હોવાના અહેવાલો છે.
અત્યાર સુધીમાં કોંગ્રેસે કુલ 166 ઉમેદવારોની યાદી જાહેર કરી છે તેમાંથી 70 ટકા ઉમેદવારો નવા છે કે જેમને અગાઉ કોંગ્રેસે ટિકિટ નથી આપી. જ્યારે પ્રિયંકા ગાંધીએ વચન આપ્યું હતું કે કોંગ્રેસના ઉમેદવારોમાં 40 ટકા મહિલાઓને સ્થાન આપવામાં આવશે. ઉત્તર પ્રદેશમાં કુલ 403 બેઠકો છે જેથી હજુ ઘણા ઉમેદવારોના નામ કોંગ્રેસ જાહેર કરશે તેમાં પણ નવા ચેહરા વધુ રહેશે તેવી શક્યતાઓ છે.
દરમિયાન પંજાબમાં કોંગ્રેસ, અકાળી દળ, ભાજપ અને આમ આદમી પાર્ટી એમ ચાર પક્ષો સામસામે ચૂંટણી લડી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ અહીં પોતાના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે ભગવંત માનનું નામ જાહેર કર્યું છે.
ભગવંત માને હવે સીધા પંજાબના મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્નીને તેની સામે ચૂંટણી લડવાનો પડકાર ફેક્યો છે. માને કહ્યું છે કે હિમ્મત હોય તો ચન્ની મારી સામે ધુરી બેઠક પરથી ચૂંટણી લડી બતાવે. ચન્ની જે બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે તેને ચકચૌર સાહિબ તરીકે ઓળખવામાં આવે છે. આ બેઠક અનામત હોવાથી ત્યાંથી હું ચૂંટણી ન લડી શકું તેમ માને કહ્યું હતું.
ઉત્તર પ્રદેશમાં હું જ મુખ્ય મંત્રી પદનો ચેહરો હોવાનું મેં ઉશ્કેરાઇને કહ્યું હતું : પ્રિયંકા
લખનઉ : દરમિયાન કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે કોઇ રાજ્યમાં કોંગ્રેસ મુખ્યમંત્રીના ઉમેદવારનું નામ જાહેર કરે છે કોઇ રાજ્યમાં નથી કરતી. હું એમ નથી કહેતી કે ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રીનો ચેહરો હું જ છું. મને વારંવાર તે પ્રકારના સવાલો પૂછાઇ રહ્યા હતા તેથી મે એમ કહી દીધુ હતું.
અમે ગઠબંધન પર ચર્ચા કરવા માટે તૈયાર હતા પણ તેવી કોઇ જ ચર્ચા ન થઇ તેથી અમે એકલા જ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. તેથી ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ, ભાજપ, સમાજવાદી પાર્ટી, જદ(યુ), બસપા એમ અનેક પાર્ટીઓ વચ્ચે જંગ જામશે.
માયાવતીને લઇને પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે ચૂંટણીઓ નજીક આવી ગઇ છે છતા બસપાના નેતા માયાવતી સક્રિય નથી જોવા મળી રહ્યા, એવી શક્યતાઓ છે કે તેમના પર ભાજપ સરકાર દ્વારા દબાણ થઇ રહ્યું છે.
Comments
Post a Comment