નડાલ ઓસ્ટ્રેલિયન ઓપનમાં ચેમ્પિયન 21 ગ્રાન્ડ સ્લેમ જીતીને ઇતિહાસ સર્જ્યો
ફિનિક્સ પંખીની જેમ રાખમાંથી બેઠા થઈ મેડવેડેવને હરાવ્યો
એપિક ફાઈનલમાં નડાલનો પહેલા બે સેટ હાર્યા પછી પાંચ કલાક 24 મિનિટમાં 2-6, 6-7, 6-4, 6-4, 7-5થી વિજય
15 વર્ષ પછી પહેલા બે સેટમાં હાર્યા પછી બીજી વખત જીત્યો ફેડરર અને યોકોવિચના 20-20 ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ છે
મેલબોર્ન : સ્પેનના નડાલે આજે ઇતિહાસ સર્જતા એપિક કહી શકાય તેવી ફાઈનલમાં રશિયાના મેડવેડેવને પાંચ સેટના મુકાબલામાં હરાવીને ઓસ્ટ્રેલિયન ઓપન જીતી હતી. આ તેનું 21મું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ હતું.
નડાલ ટેનિસ જગતનો સૌથી વધુ 21 ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ જીતનાર ખેલાડી બન્યો છે. 35 વર્ષીય નડાલ 15 વર્ષ બાદ પ્રથમ વખત બે સેટ પાછળ રહીને મેચ જીત્યો હતો.
અગાઉ વિમ્બલ્ડન 2007ના ચોથા રાઉન્ડમાં યોઝનીને બે સેટથી પાછળ રહીને હરાવ્યો હતો. આ સિદ્ધિ પણ તેણે આ મેચમાં મેળવી તે કમાલ જ કહેવાય. આ ટુર્નામેન્ટ અગાઉ ફેડરર, યોકોવિચ અને નડાલ ત્રણેય 20-20 ગ્રાઉન્ડસ્લેમ ટાઇટલ સાથે બરાબરીએ હતા.
નડાલની આ જીત તે રીતે પણ યાદગાર હતી કે પહેલા બે સેટ ગુમાવ્યા ત્યારે તે એવી રીતે રમતો હતો કે મેડવેડેવ એકતરફી રીતે ત્રણ સેટમાં જ જીતી જશે પણ નડાલે પૂરવાર કર્યું કે શા માટે તે લેજન્ડ મનાય છે.
તે ફિનિક્સ પંખીની જેમ જાણે રાખમાંથી બેઠો થયો અને કાંટાની ટક્કર જેવા બાકીના ત્રણેય સેટ તેણે જીતી લીધા હતા. નડાલે પાંચ કલાક 24 મિનિટ ચાલેલા દિલધડક મુકાબલા બાદ મેડવેડેવને 2-6, 6-7 (5), 6-4, 6-4, 7-5થી પરાજય આપ્યો હતો.
નડાલની કારકિર્દીનું 2009 બાદ આ બીજું જ ઓસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ હતું. 2009માં તેણે ફેડરરને હરાવીને ટાઈટલ જીત્યું હતું. નડાલ 2012, 2014, 2017 અને 2019માં ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઈનલમાં હાર્યો હતો. નડાલે બે ઓસ્ટ્રેલિયન ઓપન 13 ફ્રેન્ચ ઓપન, બે વિમ્બલ્ડન અને ચાર યુએસ ઓપન ટાઇટલ જીત્યા છે.
નડાલ હજુ ગત સપ્ટેમ્બર સુધી પગના તળિયાની ઇજાને લીધે જમીન પર પગ મૂકીને ચાલી પણ નહીં શકતો હોઈ તે ક્રચિસના સહારે લંગડાતો ચાલતો હતો. તેનું ઓસ્ટ્રેલિયન ઓપન રમવાનું છેક સ્પર્ધા શરૂ થવાના બે દિવસ પહેલાં મેચના ડ્રો થઈ ગયા હોવા છતાં નક્કી નહતું. 2014માં આંતરડાની અને 2018માં ઘૂંટણની સર્જરી છતા તે પૂરેપૂરો ફીટ થઈ શક્યો જ નહતો ત્યાં તેને પગની અસહ્ય પીડા સાથેની તકલીફ શરૂ થઈ હતી.
યોકોવિચે વેક્સિન નહીં મુકાવ્યું હોઈ તેને ઓસ્ટ્રેલિયાથી પરત ફરવું પડયું હતું. જ્યારે ફેડરર તો હવે પુનરાગમન પર જ પ્રશ્નાર્થ હોય તેમ અનફીટ છે ત્યારે નડાલે ગ્રાન્ડસ્લેમની રેસમાં આગળ રહી ઇતિહાસ સર્જવામાં સફળતા મેળવી છે.
2019ની યુએસ ઓપન ફાઈનલમાં પણ નડાલે મેડવેડેવને પાંચ સેટના મુકાબલામાં હરાવ્યો હતો. પાંચમાં આખરી સેટમાં નડાલ 5-4થી આગળ હતો અને ચેમ્પિયન બનવાથી બે પોઈન્ટ જ પાછળ હતો ત્યારે મેડવેડેવે તેની સર્વિસ બ્રેક કરી 5-5ની બરાબરી કરી ત્યારે રોમાંચકતા તેની અનેરી ઉંચાઈએ પહોંચી હતી તે પછી નડાલે મેડવેડેવની સર્વિસ બ્રેક કરી 6-5થી અને પોતે સર્વિસ હોલ્ડ કરી 7-5થી ઐતિહાસિક વિજયની ઘડી પ્રાપ્ત કરી હતી.
ગત વર્ષે વિમ્બલ્ડન થાકને લીધે તેમજ યુએસ ઓપન પગની ઇજાને લીધે નહીં રમી શકનાર નડાલ 2021ના અંતમાં કદાચ નિવૃત્તિ જાહેર કરવાનું વિચારતો હતો. તે કઈ રીતે સાત મેચ ઓસ્ટ્રેલિયન ઓપનમાં રમીને આ રીતે ચેમ્પિયન બન્યો તે ચમત્કાર જેવું લાગે.
યોકોવિચ, રોડ લેવર અને રોય ઇમર્સન પછી તે પ્રત્યેક ગ્રાન્ડસ્લેમ ટાઇટલ ઓછામાં ઓછા બે વખત જીતનાર ચોથો ખેલાડી બન્યો છે. હવે નડાલ તેની ફેવરિટ ફ્રેન્ચ ઓપનમાં રમવા માટે પ્રેરિત થશે તેમ કહી શકાય.
નડાલના 21 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ
ઓસ્ટ્રેલિયન ઓપન :
2009, 2022
ફ્રેન્ચ ઓપન :
2005, 2006, 2007, 2008, 2010, 2011, 2012, 2013, 2014, 2017, 2018, 2019, 2020.
વિમ્બલ્ડન :
2008, 2020
યુએસ ઓપન :
2010, 2013, 2017, 2019
Comments
Post a Comment