ભારતે ઈઝરાયેલ સાથે સંરક્ષણ સોદામાં પેગાસસ ખરીદ્યું હતું


ન્યૂયોર્ક, તા.૨૯
દુનિયાભરમાં અંદાજે ૫૦,૦૦૦ લોકોની કથિત ગેરકાયદે જાસૂસી કરવાના વિવાદમાં સપડાયેલું પેગાસસ સોફ્ટવેર ભારતે ઈઝરાયેલ પાસેથી વર્ષ ૨૦૧૭માં બે અબજ ડોલરના સંરક્ષણ સોદાના ભાગરૂપે ખરીદ્યું હોવાનો અમેરિકન અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટમાં દાવો કરાયો છે. અમેરિકન અખબારના આ દાવાથી ભારતમાં હોબાળો સર્જાયો છે. આ અખબારી અહેવાલના પગલે ભારતમાં કેન્દ્ર સરકારે જ વિપક્ષ અને પત્રકારો સહિત સેંકડો લોકોની જાસૂસી કરાવી હોવાના આક્ષેપોને બળ મળ્યું છે.
ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલમાં દાવો કરાયો છે કે પેગાસસ જાસૂસી સોફ્ટવેર ભારત અને ઈઝરાયેલ વચ્ચે વર્ષ ૨૦૧૭માં થયેલા આંદાજે બે અબજ અમેરિકન ડોલરના એડવાન્સ્ડ હથિયારો અને ગુપ્તચર ઉપકરણોની ડીલના કેન્દ્રમાં હતું. આ રિપોર્ટમાં જુલાઈ ૨૦૧૭માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઈઝરાયેલ પ્રવાસનો પણ ઉલ્લેખ કરાયો છે. આ પ્રવાસ સાથે ઈઝરાયેલનો પ્રવાસ કરનારા તેઓ પ્રથમ ભારતીય વડાપ્રધાન બન્યા હતા.
ગયા વર્ષે ભારત સહિત દુનિયાભરમાં નેતાઓ, કલાકારો, માનવાધિકાર કાર્યકરો અને રાષ્ટ્રાધ્યક્ષોના કથિત જાસૂસી કેસમાં ઈઝરાયેલના સોફ્ટવેર પેગાસસનું નામ સામે આવ્યું હતું. પ્રોજેક્ટ પેગાસસ નામના એક ઈન્વેસ્ટિગેટિવ અહેવાલમાં જણાવાયું હતું કે પેગાસસ સોફ્ટવેરથી ભારતમાં અંદાજે ૧૭૪ નેતા અને પત્રકારોની જાસૂસી કરાઈ હતી. આ અહેવાલ જાહેર થતાં પ્રાઈવસી સંબંધિત મુદ્દાઓ અંગે ચિંતા પેદા થઈ ગઈ હતી. દુનિયાભરમાં હડકંપ મચાવનાર પેગાસસ સોફ્ટવેર ઈઝરાયેલની કંપની એનએસઓ ગૂ્રપે બનાવ્યું છે.
'દુનિયાના સૌથી શક્તિશાળી સાઈબર હથિયાર માટે યુદ્ધ'ના મથાળા સાથે ન્યૂયોર્ક ટાઈમ્સ અખબારે તેના રિપોર્ટમાં જણાવ્યું છે કે ઈઝરાયેલનું એનએસઓ ગૂ્રપ અંદાજે એક દાયકાથી તેના સ્પાયવેર સોફ્ટવેરને દુનિયાભરમાં કાયદાકીય સંસ્થાઓ અને ગુપ્તચર એજન્સીઓને સભ્યતાના આધારે વેચતું હતું.  આ અહેવાલમાં જણાવાયું હતું કે દાયકાઓથી ભારતે 'પેલેસ્ટાઈનના મુદ્દે કટિબદ્ધતા'ની નીતિ જાળવી રાખી હતી અને ઈઝરાયેલ સાથેના સંબંધોમાં અંતર જાળવી રાખ્યું હતું. પરંતુ વડાપ્રધાન મોદીના પ્રવાસથી બંને દેશો નજીક આવ્યા હતા. મોદીના આ પ્રવાસમાં ઈઝરાયેલના તત્કાલિન વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ પણ ઉત્સાહપૂર્વક મુલાકાત કરી હતી. પરિણામે બંને દેશ વચ્ચે લગભગ બે અબજ અમેરિકન ડોલરનો હથિયાર અને જાસૂસી ઉપકરણનો સોદો થયો હતો, જેનું કેન્દ્ર પેગાસસ સોફ્ટવેર અને એક મિસાઈલ સિસ્ટમ હતા.
ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુદ્દે વિપક્ષે કેન્દ્ર સરકારને ઘેરતાં સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, પેગાસસ સોફ્ટવેરના મુદ્દા પર સુપ્રીમ કોર્ટ હેઠળ એક સમિતિ તપાસ કરી રહી છે અને સરકાર તેના રિપોર્ટની રાહ જોઈ રહી છે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ આર.વી. રવીન્દ્રનના નિરીક્ષણ હેઠળ સ્થાપિત તપાસ સમિતિએ બીજી જાન્યુઆરીએ એક અખબારી જાહેરાતમાં જે લોકોને પેગાસસ સોફ્ટવેરથી તેમની જાસૂસી થઈ હોવાની આશંકા હોય તેમને આગળ આવવા જણાવાયું હતું.
ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલથી ભારતમાં હોબાળો સર્જાયો છે ત્યારે કેન્દ્રીય મંત્રી વી.કે સિંહે શનિવારે 'ન્યૂયોર્ક ટાઈમ્સ'ને 'સુપારી મીડિયા' ગણાવ્યું હતું અને તેની વિશ્વસનિયતા પર પણ સવાલ ઊભા કર્યા હતા. પેગાસસ સોફ્ટવેર મુદ્દે ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ પછી વી.કે. સિંહે ટ્વીટ કરીને કહ્યું કે, શું તમે એનવાયટી પર વિશ્વાસ કરો છો? તે 'સુપારી મીડિયા' તરીકે ઓળખાય છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો