પ્રજાસત્તાક દિનઃ રાષ્ટ્રગાન અને 21 તોપોની સલામી સાથે પરેડની શરૂઆત, Mi-17V5 હેલિકોપ્ટર્સે કરી પુષ્પ વર્ષા
- ભારતીય વાયુસેનાની ઝાંકીમાં 'ભવિષ્ય માટે ભારતીય વાયુસેનાનું પરિવર્તન' વિષયને પ્રદર્શિત કર્યો
નવી દિલ્હી, તા. 26 જાન્યુઆરી, 2022, બુધવાર
દેશ આજે 73મા ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પિત કર્યા બાદ રાજપથ પહોંચી ગયા હતા અને લોકોનું અભિવાદન કર્યું હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાજપથ પહોંચ્યા ત્યાર બાદ વડાપ્રધાન મોદીએ તેમનું હાથ જોડીને સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ રાષ્ટ્રગાન અને 21 તોપોની સલામી સાથે પરેડની શરૂઆત થઈ હતી.
ગણતંત્ર દિવસ પરેડમાં વાઈનગ્લાસ ફોર્મેશનમાં 155 હેલિકોપ્ટર યુનિટના 4 Mi-17V5 હેલિકોપ્ટરે ઉડાન ભરી હતી અને રાજપથ પર પુષ્પ વરસાવ્યા હતા.
ત્યાર બાદ પરેડમાં સૌથી આગળ હોર્સ કૈવેલરી 61ની પહેલી ટુકડી રહી હતી. તે વિશ્વમાં એકમાત્ર સેવારત સક્રિય હોર્સ કૈવેલરી રેજિમેન્ટ છે.
રાજપથ ખાતે ગણતંત્ર દિવસ પરેડના અવસર પર શૌર્ય પ્રદર્શન ચાલી રહ્યું છે. પરેડમાં સેન્ચુરિયન ટેન્ક, પીટી-76, એમબીટી અર્જુન એમકે-આઈ ટેન્કોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.
પરેડમાં શીખ લાઈટ ઈન્ફૈંટ્રી સ્ક્વોડે ભાગ લીધો હતો. સેના પ્રમુખ જનરલ એમ.એમ. નરવણે આ રેજિમેન્ટના વર્તમાન કર્નલ છે.
નૌસેનાની ઝાંકીનું શાનદાર પ્રદર્શન
રાજપથ ખાતે ગણતંત્ર દિવસની પરેડમાં ભારતીય નૌસેનાની ઝાંકીએ હિસ્સો લીધો હતો.
ભારતીય વાયુસેનાની ઝાંકીનું પ્રદર્શન
ભારતીય વાયુસેનાની ઝાંકીમાં 'ભવિષ્ય માટે ભારતીય વાયુસેનાનું પરિવર્તન' વિષયને પ્રદર્શિત કર્યો. તેમાં મિગ-21, Gnat, લાઈટ કોમ્બેટ હેલિકોપ્ટર (LCH), અશ્લેષા રડાર અને રાફેલ વિમાનના સ્કેલ-ડાઉન મોડલ પ્રદર્શિત કરવામાં આવ્યા.
Comments
Post a Comment