ગરીબોને પડ્યો કોરોનાનો સૌથી વધુ ફટકો, કમાણીમાં 53%નો ઘટાડો, ધનિકો બન્યા વધુ ધનિક


- સૌથી ધનવાન 20 ટકા લોકોની આવક 1995માં કુલ ઘરેલુ આવકના 50.2 ટકા હતી, 2021માં તેમનો હિસ્સો વધીને 56.3 ટકા થઈ ગયો

નવી દિલ્હી, તા. 24 જાન્યુઆરી, 2022, સોમવાર

કોરોના મહામારી દરમિયાન લાગુ કરવામાં આવેલા લોકડાઉનના કારણે ગરીબ વર્ગ પર સૌથી વધારે અસર પડી છે. આંકડાઓ પ્રમાણે તેમની આવકમાં 53 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે ધનિકોની કમાણીમાં સતત વૃદ્ધિ થઈ છે. 

આર્થિક ઉદારીકરણ બાદથી સૌથી ગરીબ 20 ટકા ભારતીય પરિવારોની વાર્ષિક આવક 1995 બાદ સતત વધી રહી હતી પરંતુ કોરોના દરમિયાન એટલે કે, વર્ષ 2020-21માં 2015-16ની સરખામણીએ તેમાં 53 ટકાનો ઘટાડો થયો છે. આ 5 વર્ષના સમયગાળા દરમિયાન સૌથી ધનવાન 20 ટકા લોકોની વાર્ષિક ઘરેલુ આવકમાં 39 ટકાનો વધારો જોવા મળ્યો છે. 

મુંબઈ સ્થિત થિન્ક ટેન્ક, પીપલ્સ રિસર્ચ ઓન ઈન્ડિયાઝ કન્ઝ્યુમર ઈકોનોમી (PRICE)ના ICE360 સર્વે 2021માં આ વાત સામે આવી છે. આ સર્વે એપ્રિલ અને ઓક્ટોબર 2021 દરમિયાન કરવામાં આવ્યો હતો. પહેલા તબક્કામાં 2 લાખ ઘરો અને બીજા તબક્કામાં 42,000 ઘરોને તેમાં કવર કરવામાં આવ્યા હતા. આ રિપોર્ટ 100 જિલ્લાઓના 120 કસબાઓ અને 800 ગામડાઓમાંથી મળેલા આંકડાઓ પર આધારીત છે. 

આ રિપોર્ટથી જાણવા મળે છે કે, મહામારીએ શહેરોમાં રહેતા ગરીબોને સૌથી વધુ પ્રભાવિત કર્યા છે. આ સમયગાળા દરમિયાન તેમની આવક ખતમ થઈ ગઈ છે. સર્વેમાં આવકના આધાર પર જનસંખ્યાને 5 ભાગોમાં વિભાજિત કરવામાં આવી છે. પહેલી સૌથી ગરીબ 20 ટકા જનસંખ્યા, જેમની આવકમાં 53 ટકાનો ઘટાડો થયો છે. બીજા ક્રમે નિમ્ન મધ્યમ શ્રેણીની આવકમાં 32 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ત્રીજું મધ્યમ આવક વર્ગના લોકો માટે આ ઘટાડો 9 ટકા છે. ચોથું ઉપરી મધ્યમ વર્ગમાં 7 ટકાની વૃદ્ધિ જ્યારે સૌથી ધનવાન 20 ટકા લોકોની આવકમાં 39 ટકાની વૃદ્ધિ થઈ છે. 

સર્વેમાં એ પણ જાણવા મળ્યું છે કે, જ્યાં સૌથી ધનવાન 20 ટકા લોકોની આવક 1995માં કુલ ઘરેલુ આવકના 50.2 ટકા હતી, 2021માં તેમનો હિસ્સો વધીને 56.3 ટકા થઈ ગયો. બીજી બાજુ સૌથી ગરીબ 20 ટકાની ભાગીદારી 5.9 ટકાથી ઘટીને 3.3 ટકા થઈ ગઈ. 

એટલે સુધી કે, આ સૌથી ગરીબ 20 ટકામાં શહેરોમાં રહેતા લોકો, ગામડાની સરખામણીએ વધારે પ્રભાવિત થયા છે. આંકડાઓથી જાણવા મળે છે કે, શહેરોમાં ગરીબોની સંખ્યામાં વૃદ્ધિ થઈ છે. જ્યારે 2016માં સૌથી ગરીબ 20 ટકા લોકોમાંથી 90 ટકા લોકો ગામડાઓમાં હતા. આ સંખ્યા 2021માં ઘટીને 70 ટકા થઈ ગઈ. બીજી બાજુ શહેરી ક્ષેત્રોમાં સૌથી ગરીબ 20 ટકાની ભાગીદારી લગભગ 10 ટકાથી વધી ગઈ છે. 


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો