ઈન્ડિયા ગેટ પર નહીં પણ હવેથી રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે પ્રજ્વલિત થશે અમર જવાન જ્યોતિ
- ભારતે પાકિસ્તાન સાથેના 1971ના યુદ્ધના 50 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે અમર જવાન જ્યોતિને રાષ્ટ્રીય સ્મારક ખાતે શિફ્ટ કરવાનો નિર્ણય લીધો
નવી દિલ્હી, તા. 21 જાન્યુઆરી, 2022, શુક્રવાર
રાજધાની દિલ્હીમાં અમર જવાન જ્યોતિએ ઈન્ડિયા ગેટની ઓળખ સમાન હતી પરંતુ હવેથી તે ઈન્ડિયા ગેટના બદલે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે પ્રજ્વલિત થશે. શુક્રવારે એટલે કે, 21 જાન્યુઆરી, 2022ના રોજ તેનો વિલય કરી દેવામાં આવશે. બપોરે 3:30 કલાકે બંને જ્યોતિનો વિલય સમારંભ યોજાશે. બંને સ્મારકો વચ્ચે અડધા કિમીનું અંતર માંડ છે.
ઈન્ડિયા ગેટ પર અમર જવાન જ્યોતિનું નિર્માણ 1972ના વર્ષમાં થયું હતું. 1971ના વર્ષમાં ઈન્ડિયા ગેટ નીચે થયેલા ભારત-પાકિસ્તાન યુદ્ધમાં પોતાનું સર્વોચ્ય બલિદાન આપનારા સૈનિકોની યાદમાં અમર જવાન જ્યોતિનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
ભારતે પાકિસ્તાન સાથેના 1971ના યુદ્ધના 50 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે અમર જવાન જ્યોતિને રાષ્ટ્રીય સ્મારક ખાતે શિફ્ટ કરવાનો નિર્ણય લીધો છે. ઈન્ડિયા ગેટ પર અમર જવાન જ્યોતિ તરીકે પ્રજ્વલિત જ્યોતિનો ગણતંત્ર દિવસ પહેલા રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે પ્રજ્વલિત થઈ રહેલી જ્યોતિમાં વિલય કરી દેવામાં આવશે.
અમર જવાન જ્યોતિ સ્મારકની ઉપર એક ઉંધી બંદૂક અને સૈનિકનું હેલ્મેટ બનેલું છે જેની બાજુમાં એક અખંડ જ્યોતિ પ્રજ્વલિત થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2019ના વર્ષમાં જ્યારે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકનું ઉદ્ઘાટન કર્યું હતું ત્યારે એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે, અમર જવાન જ્યોતિની મૂળ જ્યોતિ અહીં પ્રજ્વલિત થશે.
રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકનું નિર્માણ થયું તેના પહેલા ગણતંત્ર દિવસ પર રાષ્ટ્ર પ્રમુખ, સેના પ્રમુખ તથા અતિથિ પ્રતિનિધિ અમર જવાન જ્યોતિ ખાતે જ શહીદ સૈનિકોનું સન્માન કરતા હતા પરંતુ બાદમાં તે સમગ્ર પ્રક્રિયા રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે સ્થાનાંતરિત કરી દેવામાં આવી હતી.
રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે એક નવી અમર જવાન જ્યોતિ પ્રગટાવવામાં આવેલી છે તથા હવે તમામ પ્રસંગે આ સ્થળે જ શહીદો માટે શ્રદ્ધાંજલિ અને પુષ્પાંજલિ સમારંભ યોજવામાં આવે છે.
રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક એ સૈનિકો અને ગુમનામ નાયકોની યાદમાં બનાવવામાં આવ્યું હતું જેમણે આઝાદી બાદથી દેશનું રક્ષણ કરીને પોતાના પ્રાણની આહુતિ આપી હોય. નવું સ્મારક ઈન્ડિયા ગેટ પરિસરમાં 40 એકરમાં ફેલાયેલું છે અને તેની દીવાલો પર શહીદ થયેલા 25,942 સૈનિકોના નામ સુવર્ણ અક્ષરે કંડારાયેલા છે.
Comments
Post a Comment