દેશને ભૂતકાળની ભુલોને સુધારતા કોઇ નહીં રોકી શકે : મોદી


મોદીએ ઇન્ડિયા ગેટ પર સુભાષ ચંદ્ર બોઝના હોલોગ્રામ સ્ટેચ્યૂનું અનાવરણ કર્યું

28 ફૂટ ઉંચા હોલોગ્રામ સ્ટેચ્યૂના સ્થાને બાદમાં ગ્રેનાઇટની પ્રતિમા સ્થાપિત કરાશે જે હાલ તૈયાર થઇ રહી છે

માત્ર સ્ટેચ્યૂ પુરતું સન્માન નથી, નેતાજીના મૂલ્યોને પણ જીવવા પડશે, તેમના મૃત્યુનું રહસ્ય હજુ નથી ઉકેલાયું : નેતાજીનો પરિવાર

2019થી 2022ના નેતાજી એવોર્ડ અપાયા, જાપાનના પૂર્વ વડાપ્રધાન શીંઝો આબેને પણ સન્માનિત કરાયા

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દિલ્હી સ્થિત ઇંડિયા ગેટ પર નેતાજી સુભાષ ચંદ્ર બોઝના હોલોગ્રામ સ્ટેચ્યૂનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે મોદીએ 2019થી 2022 માટે સુભાષ ચંદ્ર બોઝ એવોર્ડનું પણ વિતરણ કર્યું હતું.

મોદીએ કહ્યું હતું કે ભારત માંના વીર સપૂત નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મીં જન્મજયંતીએ પુરા દેશ વતી તેમને કોટિ કોટિ નમન કરૂં છું. આ ઐતિહાસિક દિવસ છે, જે સ્થળે આપણે એકઠા થયા તે પણ ઐતિહાસિક છે. મોદીએ સાથે એમ પણ કહ્યું હતું કે દેશને ભૂતકાળની ભુલોને સુધારતા કોઇ નહીં રોકી શકે.    

મોદીએ કહ્યું કે નેતાજી સુભાષ ચંદ્ર બોઝે અંગ્રેજોને કહ્યું હતું કે હું આઝાદીની ભીખ નહીં લઉ પણ હું આઝાદી પ્રાપ્ત કરીને જ રહીશ. દરમિયાન વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર પણ ઘણા આરોપો લગાવ્યા હતા.

તેમણે આરોપ લગાવ્યો હતો કે અગાઉ જે ભૂલો થઇ છે તેને દેશ સુધારી રહ્યો છે અને તેને આમ કરતા કોઇ નહીં અટકાવી શકે. આઝાદી બાદ દેશની સંસ્કૃતિ અને સંસ્કારોની સાથે સાથે દેશના મહાન વ્યક્તિઓના યોગદાનને મિટાવવાનંુ કામ પણ કરાયું હતું. પીએમ મોદીએ ઇંડિયા ગેટ પર નેતાજીની હોલોગ્રામની મૂર્તીનું અનાવરણ કર્યું હતું. 

જોકે હોલોગ્રામના સ્થાને બાદમાં નેતાજીની ઓરિજિનલ મૂર્તી મુકવામાં આવશે. 28 ફૂટ ઉંચી અને ગ્રેનાઇટથી આ મૂર્તીને ઓડિશાના પ્રસિદ્ધ મૂર્તિકાર અદ્વૈત ગડનાયક બનાવી રહ્યા છે. જેને બાદમાં ઇંડિયા ગેટ પર સ્થાપિત કરવામાં આવશે. 

હાલ જે હોલોગ્રામ સ્ટેચ્યૂનું અનાવરણ કરાયું છે તેને 30,000 લુમેન 4કે પ્રોજેક્ટર દ્વારા સંચાલિત કરવામાં આવશે. એક અદ્રશ્ય, હાઇ ગેન, 90 ટકા પારદર્શી હોલોગ્રાફિક સ્ક્રીન એવી રીતે લગાવવામાં આવી છે કે આ સ્ક્રીનને કોઇ જોઇ ન શકે.

હોલોગ્રામના અસરકારક પ્રભાવને ઉત્પન્ન કરવા માટે તેના પર નેતાજીની થ્રીડી તસવીર લગાવવામાં આવશે. હોલોગ્રામ સ્ટેચ્યૂ પણ 28 ફૂટ ઉંચુ અને છ ફૂટ પહોળુ છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે જાપાનના પૂર્વ વડાપ્રધાન શીંઝો આબેને નેતાજી એવોર્ડ આપીને સન્માન કર્યું હતું. કોલકાતામાં જાપાનના કોન્સલ જનરલ દ્વારા શીંઝો આબે વતી આ એવોર્ડ લેવામાં આવ્યો હતો.

બીજી તરફ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું હતું કે કેન્દ્રની મોદી સરકારે 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિન નિમિત્તે નેતાજી સુભાષ ચંદ્ર બોઝના ટેબ્લોને અનુમતી નથી આપી.

આમ કરીને મોદી સરકારે બંગાળ સાથે અન્યાય કર્યો છે.  દરમિયાન નેતાજી સુભાષ ચંદ્ર બોઝના પરિવારે કેન્દ્ર સરકારને કહ્યું છે કે માત્ર એક સ્ટેચ્યૂથી નેતાજીનું જે સન્માન કરવામાં આવ્યું છે તે પુરતુ નથી. તેમના મૃત્યુ અંગેનું જે રહસ્ય છે તેનો ઉકેલ હજુ પણ નથી આવ્યો.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો