મેરીટ સાથે અનામત જરૂરી, વધુ માર્ક્સ યોગ્યતાનો એકમાત્ર માપદંડ નથી : સુપ્રીમ
નવી દિલ્હી, તા.૨૦
સુપ્રીમ કોર્ટે ગુરુવારે કેન્દ્ર સરકારને મેડિકલ અભ્યાસક્રમોમાં અખીલ ભારતીય ક્વોટા બેઠકોમાં ઓબીસી માટે ૨૭ ટકા અને આર્થિકરૂપે નબળા વર્ગો (ઈડબલ્યુએસ) માટે ૧૦ ટકા અનામત આપવાની મંજૂરી આપી દીધી છે. આ સાથે સર્વોચ્ચ અદાલતે એક મહત્વપૂર્ણ ટીપ્પણી કરતા કહ્યું કે મેરીટની સાથે અનામત પણ આપી શકાય છે. તેને વિરોધાભાસી માનવું જોઈએ નહીં. અનામત વિતરણ પ્રભાવ વધારે છે. વધુ માર્ક્સ યોગ્યતા માટેનો એકમાત્ર માપદંડ નથી તેમ સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું.
આ કેસની સુનાવણી કરતાં ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચૂડે કહ્યું કે કેટલાક વર્ગો જે આર્થિક સામાજિક લાભ મેળવે છે તેવો લાભ સ્પર્ધાત્મક પરીક્ષા નથી દર્શાવતી. યોગ્યતાને સામાજિકરૂપે પ્રાસંગિક બનાવવી જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અનામત યોગ્યતાનું વિરોધાભાસી નથી. તે તેના વિતરણ પ્રભાવને વધારે છે. બેન્ચે કહ્યું કે કોઈ કેસમાં બંધારણીય વ્યાખ્યા સામેલ થાય છે તો ન્યાયિક ઔચિત્ય અદાલતને ક્વોટા પર પ્રતિબંધ મૂકવાની મંજૂરી આપી શકે નહીં.
નીલ ઓરેલિયો નૂન્સના નેતૃત્વમાં અરજદારોના એક જૂથે નીટ-પીજી અભ્યાસક્રમોમાં વર્તમાન શૈક્ષણિક સત્રથી અખિલ ભારતીય ક્વોટામાં ઓબીસી એટલે કે અન્ય પછાત વર્ગ અને આર્થિકરૂપે નબળા વર્ગો (ઈડબલ્યુએસ) માટે અનામતને લાગુ કરવા માટે કેન્દ્રના ૨૯મી જુલાઈ ૨૦૨૧ના જાહેરનામાને પડકારતા સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. આ અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ બાબત પર ન્યાયિક દરમિયાનગીરીથી આ વર્ષની પ્રવેશ પ્રક્રિયામાં વધુ વિલંબ થશે. સાથે જ કોર્ટ કાર્યવાહીનો દૌર શરૂ થઈ જશે.
સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું, આપણે હજુ પણ મહામારીમાં જીવીએ છીએ અને વર્તમાન સમયમાં દેશને ડોક્ટરોની જરૂર છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે પ્રદીપ જૈનના ચૂકાદાને અખિલ ભારતીય ક્વોટા બેઠકોના સંદર્ભમાં જોઈ શકાય નહીં. અરજદારોનો તર્ક એઆઈક્યુમાં ક્વોટા સુધી મર્યાદિત નહોતો, પરંતુ તે કેન્દ્ર સરકાર દ્વારા અપનાવાયેલા માપદંડો અંગે પણ હતો. આ પાસા અંગે વિસ્તૃત સુનાવણીની જરૂરિયાત પર ભાર મુકતા બેન્ચે આ વર્ષે માર્ચના ત્રીજા સપ્તાહમાં આગળની સુનાવણી કરવાનું જણાવ્યું હતું.
સુપ્રીમ કોર્ટે ૭મી જાન્યુઆરીએ ૨૭ ટકા ઓબીસી ક્વોટાની કાયદેસરતાને જાળવી રાખી હતી, પરંતુ કહ્યું હતું કે ઈડબલ્યુએસ ઉમેદવારો માટે નિર્ધારિત આઠ લાખ રૂપિયાની વાર્ષિક આવકનો માપદંડ પેન્ડિંગ અરજીઓના અંતિમ પરિણામને આધિન રહેશે.
Comments
Post a Comment