કોરોના સામાન્ય ફ્લૂ, માસ્કમાંથી મુક્તિ : યુરોપિયન દેશો

મેડ્રીડ, તા.૧૬
દુનિયાભરમાં વિશેષરૂપે અમેરિકા અને યુરોપના દેશોમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. આવા સમયમાં યુરોપીયન દેશોએ કોરોનાની સાથે જ જીવવાનું અને હવે કોરોનાને એક મહામારીના બદલે સામાન્ય ફ્લુ (એક પ્રકારની શરદી) માનીને આગળ વધવાનો નિર્ણય કર્યો છે. સ્પેની સરકારે કોરોનાને એક સામાન્ય ફ્લુ માની લીધો છે અને લોકોને તેની સાથે જીવવાની અપીલ કરી છે. સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે લોકો માટે માત્ર માસ્ક જ નહીં, રસીની અનિવાર્યતા પણ હટાવી દીધી છે. યુરોપના અન્ય દેશો પણ સ્પેનને અનુસરી રહ્યા છે. ઓમિક્રોનનો સૌથી પહેલો કેસ મળ્યો હતો તે દક્ષિણ આફ્રિકાએ પણ કોરોના સંબંધિત નિયંત્રણો દૂર કરી દીધા છે. દરમિયાન ઓમિક્રોન વેરિઅન્ટે યુરોપની સ્વાસ્થ્ય સુવિધાઓને ખુલ્લી પાડી દીધી છે.
દુનિયામાં કોરોના મહામારીની ત્રીજી લહેર ચાલી રહી છે એવામાં સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે મહામારીકાળમાં મૂકવામાં આવેલા બધા જ પ્રતિબંધો હટાવીને દેશમાં સામાન્ય જનજીવન પાછું લાવવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે અમે હવે લોકોને કોરોના સાથે જીવવાનું અનુકૂળ બનાવવા પર ધ્યાન આપ્યું છે. અને મહામારીના ખતમ થવાની સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છીએ. સ્પેનની જેમ અન્ય યુરોપીયન દેશો પણ કોરોના સંબંધિત પ્રતિબંધો દૂર કરી રહ્યા છે. યુરોપીયન સરકારોની વ્યૂહરચનામાં એક નવી ક્રાંતિ આવી રહી છે. બ્રિટિશ શિક્ષણ મંત્રી નધિમ ઝહાવીએ જણાવ્યું કે, બ્રિટન હવે પેન્ડેમિકમાંથી એન્ડેમિક તરફ આગળ વધી રહ્યું છે.
સ્પેનમાં ઓમિક્રોનના કેસ વિક્રમી સ્તરે વધવા છતાં હોસ્પિટલાઈઝેશન અને મૃત્યુદરમાં ઘટાડો આવતા સ્પેનિશ વડાપ્રધાન પેડ્રો સાંચેઝે જણાવ્યું હતું કે, યુરોપ હવે મહામારીના પ્રતિબંધોથી આગળ વધીને સામાન્ય જીવન જીવવા તરફ આગળ વધી રહ્યું છે. સ્પેન પછી આયર્લેન્ડમાં પણ કેસ વધવા છતાં સ્વૈચ્છિક રસીકરણ સિસ્ટમ બનાવાઈ રહી છે.
સરકાર હવે લોકોને રસીકરણ કરાવવું કે નહીં તેનો નિર્ણય જાતે કરવાનો અધિકાર આપવા માગે છે. આ સિવાય અનેક દેશોએ ક્વોરન્ટાઈન સમય ઘટાડવાનો નિર્ણય કર્યો છે. ઉપરાંત જરૂરી સેવાઓ પર કોઈ પ્રકારનો પ્રતિબંધ મૂકાયો નથી. ચેક રિપબ્લિકે તાજેતરમાં જ આઈસોલેશનનો સમય બે સપ્તાહથી ઘટાડીને પાંચ દિવસ કર્યો છે. ડેન્માર્કમાં પણ પ્રતિબંધો હટાવાયા છે અને માસ્કને જરૂરી માનવામાં આવતો નથી. નેધરલેન્ડની સરકારે પણ આવો જ નિર્ણય લીધો છે.
દરમિયાન બ્રિટિશ સરકારે ભવિષ્યમાં કોરોના વાઈરસ સાથે જીવવાની તૈયારીઓના ભાગરૂપે ભારત સહિત વિશ્વભરના દેશોમાંથી આવતા અને રસીના બંને ડોઝ લીધા હોય તેવા પ્રવાસીઓ માટે ફરજિયાત કોરોના ટેસ્ટ કરવાનું બંધ કરી દીધું છે. યુરોપમાં પ્રવાસીઓના ટેસ્ટ કરવાનું બંધ કરનાર બ્રિટન પહેલો દેશ છે. સન્ડે ટાઈમ્સના અહેવાલ મુજબ યુકેના પરિવરન મંત્રી ફેબ્રુઆરીમાં સ્કૂલની રજાઓના સમયમાં  બ્રિટન આવનારા બધા જ પ્રવાસીઓ માટે કોરોના પરીક્ષણો દૂર કરવાની તરફેણ કરી રહ્યા છે. સરકારના આ નિર્ણયથી લોકોના હજારો પાઉન્ડ બચી જશે અને પ્રતિબંધોના કારણે નુકસાનનો સામનો કરનાર પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન મળશે.
દુનિયામાં કોરોનાની ત્રીજી લહેર માટે જવાબદાર ઓમિક્રોન વેરિઅન્ટ સૌથી પહેલાં મળ્યો હતો તે દેશ દક્ષિણ આફ્રિકાએ પણ કોરોના મહામારી સંબંધિત સરકારી નીતિઓમાં ફેરફાર કર્યા છે. દક્ષિણ આફ્રિકામાં હવે કોરોના સંક્રમિતોના સંપર્કમાં આવેલા લોકોની માહિતી મેળવવી અને તેમને ક્વોરન્ટાઈન કરવાનું બંધ કરી દેવાયું છે. સરકાર લોકડાઉનની તરફેણમાં પણ નથી.
દક્ષિણ આફ્રિકાની સરકારનું માનવું છે કે લોકડાઉન, કોરોના સંબંધિત પ્રતિબંધોથી અર્થતંત્ર, રોજગારી અને સમાજના અન્ય પાસાઓ પર પરોક્ષરૂપે અસર પડે છે. પરિણામે તેમની સરકાર હવે વૈશ્વિક સ્તરે ચાલતી નીતિઓનું આંધળુ અનુકરણ કરવાના બદલે સ્થાનિક સ્તરે શક્ય ના હોય તેવા નિયમોનો અમલ કરવાનું બંધ કરશે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો