રાજ્યો કોરોનાને હળવાશથી લેવાનું બંધ કરી ટેસ્ટિંગ વધારે : કેન્દ્રનો આદેશ


મહારાષ્ટ્રમાં 40 હજાર, દિલ્હીમાં 11684 સાથે દેશમાં કુલ નવા 2.40 લાખ કેસ 

ટીડીપી વડા ચંદ્રાબાબુ કોરોના પોઝિટિવ, નીતીશ કુમાર અને તેેમના સંપર્કમાં આવેલા અન્ય 40ને ઓમિક્રોન

દેશભરમાં કોરોના વિરોધી રસીના 158.74 કરોડ ડોઝ અપાયા, 15થી 18 વર્ષના 3.7 કરોડને પ્રથમ ડોઝ મળ્યો

નવી દિલ્હી : કેંદ્ર સરકારે દરેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કોરોના વાઇરસનું ટેસ્ટિંગ વધારવાના આદેશ આપ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોેને પત્ર લખીને કહ્યું છે કે કોરોનાના હોટસ્પોટ અને વધુ વસતી વાળા વિસ્તારોમાં ટેસ્ટિંગનું પ્રમાણ તાત્કાલીક ધોરણે વધારવામાં આવે.

રાજ્યોમાં કોરોનાના નવા કેસોનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે એવા સમયે કેન્દ્ર સરકારે ચિંતા વ્યક્ત કરી છે અને ટેસ્ટનું પ્રમાણ વધારવા કહ્યું છે અને સાથે સ્થિતિને ધ્યાનમાં રાખીને ચેતવણી પણ આપી છે. 

બીજી તરફ દેશભરમાં કોરોનાના નવા 2.40 લાખથી વધુ કેસો સામે આવ્યા છે જે છેલ્લા 230 દિવસમાં સૌથી વધુ માનવામાં આવે છે. જ્યારે ઓમિક્રોન વેરિઅન્ટના કુલ કેસોની સંખ્યા વધીને 8,891ને પાર પહોંચી છે.

બીજી તરફ એક્ટિવ કેસો પણ વધીને 17.36 લાખને પાર પહોંચ્યા છે જે 230 દિવસમાં સૌથી વધુ છે. 24 કલાકમાં વધુ 310 લોકોએ જીવ ગુમાવતા કુલ મૃત્યુઆંક વધીને 4.86 લાખને પાર પહોંચ્યો છે. સોમવારથી અત્યાર સુધીમાં ઓમિક્રોનના કેસોમાં પણ 8.31 ટકાનો વધારો જોવા મળ્યો છે. દરમિયાન નેતાઓને પણ ઓમિક્રોનની અસર જોવા મળી રહી છે.

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે માત્ર નીતીશ કુમાર જ નહીં તેમના સંપર્કમાં આવેલા સ્વાસ્થ્ય વિભાગના મુખ્ય સચિવ, આઇજીઆઇએમએસના ડાયરેક્ટર ડો. એનઆર વિશ્વાસ, પટના કોર્ટના જજ વિકાસ જૈન સહિત કુલ 40 જેટલા લોકોનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તેમના પણ સંપર્કમાં આવેલા લોકોનું ટેસ્ટિંગ થઇ રહ્યું છે.

બીજી તરફ નીતીશ કુમારનું સ્વાસ્થ્ય ઠીક હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું. જ્યારે ટીડીપી ચીફ ચંદ્રબાબુ નાયડુનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે અને તેમને સારવાર અપાઇ રહી છે. હાલ તેમને ઘરે જ આઇસોલેટ કરાયા છે અને તેમના સંપર્કમાં આવેલા પક્ષના અન્ય નેતાઓનો ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યો છે. 

રાજ્યોમાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના નવા 40 હજાર જેટલા કેસો સામે આવ્યા હતા જે એક દિવસ અગાઉ કરતા 26 ટકા વધુ છે. જ્યારે મહારાષ્ટ્રમાં કોરોનાને કારણે વધુ 53 લોકોના મોત નિપજ્યા હતા. બીજી તરફ મહારાષ્ટ્રમાં ઓમિક્રોનનો નવો કોઇ કેસ સામે નથી આવ્યો. જ્યારે મહારાષ્ટ્ર જેવી જ સ્થિતિ દિલ્હીની પણ છે.

દિલ્હીમાં કોરોનાના નવા 11,684 કેસો સામે આવ્યા છે. અને વધુ 38 લોકોના મોત નિપજ્યા છે. દિલ્હીમાં પોઝિટિવિટી રેટ પણ વધીને 22.47 ટકાને પાર પહોંચ્યો છે. દેશભરમાં કોરોના વિરોધી રસીના કુલ 158.74 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે 15થી 18 વર્ષની વયના 3.7 કરોડથી વધુને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો