હિન્દુઓમાં પિતાની સંપત્તિ પર પુત્રીઓનો પણ સમાન અધિકાર
સુપ્રીમનો ચુકાદો 2020ના ચુકાદાથી અલગ : સંપત્તિ વિવાદના અત્યાર સુધીના બધા કેસો પર નવો ચુકાદો લાગુ થશે
પુત્રો ન હોય તેવા પિતા વસીયતનામા વગર મૃત્યુ પામે તો પિતાએ કમાયેલી સંપત્તિ પર પિતરાઇ ભાઇઓ નહીં, પુત્રીનો પહેલા અધિકાર
માતા પિતાથી પ્રાપ્ત સંપત્તિ મહિલાના મૃત્યુ બાદ માતા પિતાને જ પરત મળશે, પતિથી પ્રાપ્ત સંપત્તિ પતિના પરિવારને મળશે
શીખો, બૌદ્ધો, જૈન, બ્રહ્મો પ્રાર્થના સમાજ, લિંગાયત, વૈષ્ણવોને પણ સુપ્રીમનો આ ચુકાદો લાગુ પડશે
1956 પહેલા મૃત્યુ પામેલા પિતાની પુત્રીઓને પણ નવો આદેશ લાગુ રહેશે
નવી દિલ્હી : પરિવારમાં પુત્રીઓના અધિકારોને લઇને સુપ્રીમ કોર્ટે વધુ એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે હિન્દૂ પરિવારમાં વસીયતનામા વગર જ મૃત્યુ પામેલા પિતાની સંપત્તિ પર પુત્રીઓનો પુત્રો જેટલો જ અધિકાર રહેશે.
અને જો પિતાને કોઇ પુત્ર ન હોય અને માત્ર પુત્રી જ હોય તો તેવા કેસમાં પિતાનું મોત થાય તો પરિવારમાં પુત્રીઓને સંપત્તિની વહેંચણી સમયે પિતરાઇ ભાઇઓ કરતા વધુ મહત્વ આપવાનું રહેશે. એટલે કે મૃત્યુ પામેલા પિતાના ભાઇઓ કે ભાઇઓના સંતાનો કરતા પિતાની પુત્રીને વધુ અધિકાર મળશે.
સુપ્રીમ કોર્ટે એવી પણ સ્પષ્ટતા કરી છે કે તેનો આ આદેશ તેવી પુત્રીઓને પણ લાગુ પડશે કે જેમના પિતાનું મોત 1956 પહેલા થયું હોય. 1956માં જ હિન્દૂ પર્સનલ લો અંતર્ગત હિન્દૂ વારસા કાયદો બન્યો હતો. જેમાં હિન્દૂ પરિવારમાં સંપત્તિની વહેંચણી અંગે જોગવાઇ કરવામાં આવી છે.સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ કૃષ્ણ મુરારી અને એસ અબ્દુલ નજીરની બેંચે અન્ય એક સ્પષ્ટતા વસીયતને લઇને પણ કરી છે.
પોતાના 51 પાનાના આદેશમાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જો પિતા વસિયતનામુ કર્યા વગર જ મૃત્યુ પામે અને જો તેને કોઇ પુત્ર ન હોય તો તેવા કેસમાં પુત્રીઓ આપોઆપ સંપત્તિની હકદાર બની જશે અને જો પુત્રીઓ આ અધિકાર જતો કરે તો સર્વાયવરશિપ એટલે કે ઉત્તરજીવિતાની વ્યાખ્યા મુજબ તેમના પિતરાઇ ભાઇઓને આ અધિકાર પ્રાપ્ત થશે. પિતાએ ખુદ પ્રાપ્ત કરેલી સંપત્તિ પર એક માત્ર સંતાન પુત્રી હોય તો તેને જ આ સંપત્તિ મળશે.
જ્યારે જો કોઇ હિન્દૂ મહિલાનું મોત થાય તો તેવા કેસમાં જો મહિલાએ વસીયતનામુ બનાવ્યું હોય તો તે મુજબ જ સંપત્તિની વહેંચણી થશે. પણ જો વસીયતનામુ ન બનાવ્યું હોય અને મહિલાનું મોત નિપજે તો તેવા કેસમાં તેના માતા પિતાથી પ્રાપ્ત સંપત્તિ તેના માતા પિતા કે તેના ઉત્તરાધિકારીઓને મળશે. જ્યારે પતિ કે સસરા પાસેથી પ્રાપ્ત થયેલી સંપત્તિ પતિના પરિવાર કે ઉત્તરાધિકારીઓ પાસે જતી રહે છે. એટલે કે મહિલાને સંપત્તિ જેમના થકી મળી હોય તેમને જ આ સંપત્તિ મહિલાના મૃત્યુ બાદ પરત મળી જશે.
કોર્ટે સાથે એવી પણ સ્પષ્ટતા કરી છે કે તેનો આ ચુકાદો હિન્દૂઓ, હિન્દૂઓના જ સંપ્રયાદ જેમ કે વૈષ્ણવ, લિંગાયત, બ્રહ્મો પ્રાર્થના સમાજ, આર્ય સમાજીને પણ લાગુ પડશે. સાથે સાથે બૌદ્ધ, જૈન, શીખો ઉપર પણ આ ચુકાદો લાગુ પડશે. માત્ર મુસ્લિમ, પારસી, ખ્રિસ્તી, યહૂદીઓને જ આ ચુકાદો લાગુ નહીં પડે કેમ કે દરેક ધર્મનો પોતાનો પારિવારિક કાયદો છે જેમાં પરિવારની સંપત્તિની વહેંચણીની જોગવાઇ પણ કરવામાં આવી છે.
આ પહેલા સુપ્રીમ કોર્ટે ઓગસ્ટ 2020માં પણ એક આદેશ આપ્યો હતો જેમાં પણ સ્પષ્ટતા કરી હતી કે પિતા, દાદા અને પરદાદાની સંપત્તિઓ પર પુત્રો જેટલો જ અધિકાર પુત્રીઓનો પણ રહેશે. જોકે હાલ જે આદેશ આપ્યો છે તે 2020ના આદેશ કરતા અલગ છે કેમ કે આ વખતના આદેશને 1956 પહેલાના સંપત્તિ વિવાદો પર પણ લાગુ કરાશે.
મહિલાની સંપત્તિ જ્યાંથી મળી હોય ત્યાં પરત જાય
જ્યાંથી મહિલાને સંપત્તિ પ્રાપ્ત થઇ હોય ત્યાં જ તે પરત જતી રહે છે તેવી સ્પષ્ટતા સુપ્રીમ કોર્ટે પુત્રીઓના સંપત્તિના અધિકારોને લઇને આપેલા ચુકાદામાં કરી હતી. એટલે કે જો હિન્દૂ મહિલાનું મોત વસીયતનામુ કર્યા વગર જ નિપજે તો તેની પાસે માતા પિતાની જે સંપત્તિ હોય તે માતા પિતા અથવા મહિલાઓના ભાઇઓને મળી જાય છે. પણ જો આ સંપત્તિ મહિલાને તેના પતિ કે સાસુ-સસરા દ્વારા પ્રાપ્ત થઇ હોય તો તેવા કેસમાં પતિના પરિવારને જ આ સંપત્તિ મળે છે. એટલે કે મહિલાને મળેલી સંપત્તિ તેના મૂળ સ્ત્રોત પાસે પરત જતી રહે છે.
મદ્રાસ હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમમાં પડકારાયો હતો
સુપ્રીમ કોર્ટનો હિન્દૂ પરિવારની સંપત્તિ અંગેનો ચુકાદો મદ્રાસ હાઇકોર્ટના એક ચુકાદાને પડકારવામાં આવ્યો હતો તેની સુનાવણી વેળાએ આવ્યો છે. આ કેસમાં પિતાનું મૃત્યુ 1949માં થયું હતું, તેથી સુપ્રીમ કોર્ટે એવી સ્પષ્ટતા કરી કે જે પણ પિતાનું મૃત્યુ 1956 પહેલા પણ થયું હોય તો તેવા કેસમાં પણ એક માત્ર પુત્રી ધરાવતા પિતાની સંપત્તિ પુત્રીને જ મળશે. પછી તે પુત્રી સંયુક્ત પરિવારમાં જ કેમ ન રહેતી હોય.
મૃતક પિતાના ભાઇને કે ભાઇના સંતાનોને ઉત્તરજીવિતા કાયદા 1956 અંતર્ગત આ સંપત્તિ ન મળે પણ પિતાની એક માત્ર સંતાન પુત્રીને મળે. એટલે કે સંયુક્ત પરિવારમાં સંપત્તિને લઇને આ ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો હતો. તેથી સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઇકોર્ટના ચુકાદાને પલટી નાખ્યો હતો અને પુત્રીના હકમાં ચુકાદો આપ્યો હતો.
Comments
Post a Comment