કેનેડામાં દેખાવકારોએ સંસદ ઘેરી, પીએમ પરિવાર સાથે ભૂગર્ભમાં
ઓટ્ટાવા, તા.૩૦
કેનેડામાં કોરોના રસી ફરજિયાત કરવા અને લોકડાઉન સહિત કોરોના સંબંધિત નિયંત્રણોના વિરોધમાં પ્રજાનો રોષ ભભૂકી ઉઠયો હતો. કેનેડાની રાજધાની ઓટ્ટાવામાં ૫૦ હજારથી વધુ ટ્રક ચાલકોએ ૨૦ હજારથી વધુ ટ્રકો સાથે સંસદ અને વડાપ્રધાન નિવાસ ઘેરી લીધું હતું. દેખાવકારો હિંસક બનવાની આશંકાએ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પરિવાર સાથે છુપાવા માટે ગુપ્ત સ્થળે ભાગવું પડયું હતું. ટ્રકવાળાઓએ દેશમાં કોરોના રસીને ફરજિયાત કરવાના નિર્ણયના વિરોધમાં શરૂ કરેલું 'ફ્રીડમ કોન્વોય' અભિયાન મોટા દેખાવોમાં ફેરવાઈ ગયું હતું. દેખાવકારોએ પીએમ ટ્રુડો વિરુદ્ધ સુત્રોચ્ચાર કરતાં ઓટ્ટાવામાં ટ્રકોની ૭૦ કિ.મી. લાંબો કાફલો ખડક્યો હતો.
કેનેડાની રાજધાની ઓટ્ટાવામાં શનિવારે એકઠા થયેલા ટ્રકવાળાઓએ અમેરિકા સરહદ પાર કરવા માટે રસી ફરજિયાત કરવાના સરકારના નિર્ણયનો વિરોધ કર્યો હતો. વધુમાં દેશમાં લોકડાઉન અને કોરોના સંબંધિત નિયંત્રણો અંગે પણ લોકોમાં ભારે રોષ પ્રવર્તતો હતો. આવી સ્થિતિમાં વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ વિવાદાસ્પદ નિવેદન આપતા ટ્રકવાળાઓને 'મહત્વ નહીં ધરાવતા લઘુમતીઓ' ગણાવ્યા હતા. ટ્રુડોએ જણાવ્યું હતું કે ટ્રકવાળા વિજ્ઞાન વિરોધી છે અને તેઓ માત્ર પોતાના માટે જ નહીં, પરંતુ કેનેડાના અન્ય લોકો માટે પણ જોખમ બની ગયા છે. ટ્રુડોના આ નિવેદનથી ટ્રકવાળા ભડક્યા હતા અને તેઓ 'ફ્રીડમ કોન્વોય' અભિયાન હેઠળ રાજધાની ઓટ્ટાવામાં ઉમટી પડયા હતા, જ્યાં તેમને દેશભરમાં કોરોના સંબંધિત નિયમોનો વિરોધ કરી રહેલા લોકોનો સાથ મળ્યો હતો.
લોકોના આક્રોશના પગલે વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને તેમના પરિવારે વડાપ્રધાન નિવાસ છોડીને કોઈક ગુપ્ત સ્થળે જતા રહેવાની ફરજ પડી હતી. દેખાવકારોએ કોરોના સંબંધિત પ્રતિબંધોની સરખામણી ફાસીવાદ સાથે કરી હતી. તેમણે કેનેડાના ધ્વજની સાથે નાઝી પ્રતિકો દર્શાવ્યા હતા. અનેક દેખાવકારોએ વડાપ્રધાન ટ્રુડોને નિશાન બનાવતા તેમની આકરી ટીકા કરી હતી. દેખાવકારોએ રસીકરણને ફરજિયાત કરવાના સરકારના નિર્ણયને સ્વાસ્થ્ય સંબંધિત નહીં, પરંતુ સરકારી 'નિયંત્રણ'ના કાવતરાં રૂપ ગણાવ્યો હતો.
કેનેડાના ટ્રક ચાલકોને દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્કનું પણ સમર્થન મળ્યું હતું. મસ્કે ટ્વીટ કરીને કહ્યું કે, 'કેનેડિયન ટ્રક ચાલકોનું શાસન' અને હવે આ આંદોલનની ગુંજ અમેરિકા સુધી જોઈ શકાય છે. આ ટ્રકવાળા કેનેડાના ધ્વજ ફરકાવી રહ્યા છે અને 'આઝાદી'ની માગવાળા ઝંડા પણ ફરકાવી રહ્યા છે. તેઓ વડાપ્રધાન ટ્રુડો વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. આ દેખાવો દરમિયાન એવી સ્થિતિ સર્જાઈ હતી કે રસ્તા પર હજારોની સંખ્યામાં વિશાળ ટ્રકોનો જ અવાજ સંભળાતો હતો. રાજધાની ઓટ્ટાવા આવતા ટ્રકવાળાઓએ રસ્તામાં સતત એકસાથે હોર્ન વગાડી વાતાવરણ ગજવી નાંખ્યું હતું અને સરકારનો વિરોધ કર્યો હતો.
હજારો દેખાવકારોમાં બાળકો, યુવાનો, મહિલાઓ, વૃદ્ધો અને વિકલાંગોનો સમાવેશ થાય છે. સેંકડો દેખાવકારોએ વડાપ્રધાન ટ્રુડો વિરુદ્ધ અભદ્ર અને આક્રમક નિવેદનો પણ કર્યા હતા. અનેક દેખાવકારો મુખ્ય યુદ્ધ સ્મારક પર નાચતા જોવા મળ્યા હતા. કેનેડાના ટોચના સૈન્ય જનરલ વેન આઈરે અને સંરક્ષણ મંત્રી અનીતા આનંદે દેખાવકારોના આ કૃત્યની આકરી ટીકા કરી હતી. કેનેડામાં હાડગાળતી ઠંડીની ચેતવણી છતાં હજારો દેખાવકારોએ સંસદને ઘેરી લીધી હતી અને સંસદીય પરિસરમાં ઘૂસી ગયા હતા. દેખાવકારો દ્વારા હિંસાની આશંકાથી પોલીસ હાઈ એલર્ટ પર હતી.
Comments
Post a Comment