પાક. આતંકી વૈજ્ઞાનિકને છોડાવવા અમેરિકામાં ચારને બંધક બનાવાયા


કોલિવિલે (ટેક્સાસ), તા.૧૬
અમેરિકાના ટેક્સાસમાં પાકિસ્તાની મહિલા આતંકી વૈજ્ઞાનિક આફિયા સિદ્દીકીને છોડાવવા યહુદીઓના પૂજા સ્થળ સિનેગોગ પર શનિવારે એક આતંકીએ હુમલો કરીને ચાર લોકોને બંધક બનાવ્યા હતા. બ્રિટિશ આતંકીએ બંધકોને છોડવા માટે ટેક્સાસની જેલમાં કેદ આફિયા સિદ્દિકીને છોડવા માગ કરી હતી. જોકે, લગભગ ૧૨ કલાક પછી શનિવારે રાતે બધા જ બંધકોને છોડાવી લેવાયા હતા અને એફબીઆઈની સ્વૉટ ટીમે હુમલાખોર આતંકીને ઠાર કરી દીધો હતો. એફબીઆઈની ટીમ આ ઘટનાની વિસ્તૃત તપાસ હાથ ધરશે.
ટેક્સાસના કોલિવિલે સ્થિત સિનેગોગ પર આતંકી હુમલાની ઘટના પછી શનિવારે રાત્રે ગવર્નર ગ્રેગ એબોટે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, 'પ્રાર્થના સાંભળી લેવામાં આવી, બધા જ બંધકો જીવીત અને સલામત છે.' એબોટની ટ્વીટ પહેલાં સિનેગોગમાં ગોળીબાર થયાનો અવાજ સંભળાયો હતો. એફબીઆઈના અધિકારીઓએ જણાવ્યું કે, એક વ્યક્તિએ ચાર લોકોને બંધક બનાવી દીધા હતા અને તેણે પાકિસ્તાની ન્યુરોલોજિસ્ટ આફિયા સિદ્દિકીને છોડવાની માગણી કરી હતી.
જોકે, બચાવ અભિયાનની વિસ્તૃત માહિતી અપાઈ નહોતી. એફબીઆઈના સ્પેશિયલ એજન્ટ ઈન-ચાર્જ મેટ ડેસાર્નોએ જણાવ્યું હતું કે, એક ટીમ ગોળીબારની ઘટના અને હુમલાના આશયની માહિતી મેળવવા તપાસ કરશે. ઓથોરિટીએ જણાવ્યું કે, ચાર બંધકોમાંથી એકને સાંજે પાંચ વાગ્યે છોડી દેવાયો હતો જ્યારે અન્ય ત્રણને સ્વૉટ ટીમ દ્વારા રાત્રે ૯.૦૦ વાગ્યે છોડાવી લેવાયા હતા.
ડલાસ ટીવી સ્ટેશન ડબલ્યુએફએએમાં દર્શાવાયેલા એક વીડિયોમાં કેટલાક લોકોને એક સિનેગોગના દરવાજામાંથી દોડતા દેખાયા હતા અને થોડાક સમય પછી એક માણસ એક બંદૂક લઈને એ જ દરવાજો ખોલતો દેખાતો હતો. થોડાક સમય પછી ગોળીબારનો અવાજ સંભળાયો હતો. ત્યાર પછી એક વિસ્ફોટ પણ થયો હતો. એફબીઆઈ અને મહિલા પોલીસ પ્રવક્તાએ આતંકીને ઠાર કરવા સંબંધે કોઈ જવાબ આપ્યા નહોતા. એફબીઆઈના અધિકારી મેટ ડેસાર્નોએ જણાવ્યું કે, આતંકીએ યહુદીઓ સાથે પ્રત્યક્ષ રીતે સંકળાયેલ ન હોય તેવા મુદ્દા પર ફોકસ કર્યું હતું અને તેનો કોઈ પ્લાન હોવાનું તાત્કાલિક જણાતું નથી.
નામ જાહેર નહીં કરવાની શરતે એક અધિકારીએ જણાવ્યું હતું કે, હુમલાખોરે પાકિસ્તાની ન્યુરોસાયન્ટિસ્ટ આફિયા સિદ્દિકીને છોડવાની અને તેની સાથે વાત કરવાની માગણી કરી હતી. બ્રેડિસ યુનિવર્સિટી અને મેસાચ્યુસેટ્સ ઈન્સ્ટિટયૂટ ઓફ ટેક્નલોજીમાંથી ડિગ્રી મેળવનાર પાકિસ્તાની ન્યુરોલોજિસ્ટ આફિયા સિદ્દિકીની બે વર્ષ પહેલા અફઘાનિસ્તાનમાં અમેરિકન સેનાના અધિકારીઓને હુમલો કરવા અને ગોળી મારવાના આરોપ હેઠળ ધરપકડ કરાઈ હતી અને તેને વર્ષ ૨૦૧૦માં ૮૬ વર્ષની જેલની સજા સંભળાવાઈ છે.
એક અધિકારીએ જણાવ્યું કે, ન્યૂયોર્કમાં યહૂદી પૂજારી રબ્બીને એક કોલ આવ્યો હતો. આ કોલ બંધક બનાવાયેલા સિનેગોગના પૂજારીએ કર્યો હોવાનું મનાય છે. ન્યૂયોર્કમાં યહૂદી પૂજારીએ પોલીસને ચાર લોકોને બંધક બનાવાયા હોવાની જાણ કરી હતી. ત્યાર પછી પોલીસ સવારે ૧૧ વાગ્યે કોલિવિલેના સિનેગોગ પહોંચ્યા હતા અને આજુબાજુનો વિસ્તાર ખાલી કરાવ્યો હતો.
અધિકારીઓએ ઉમેર્યું કે હુમલાખોરે આ ઘટનાનું સોશિયલ મીડિયા પર 'લાઈવ સ્ટ્રિમિંગ' પણ કર્યું હતું. તેમાં હુમલાખોરે આફિયાને 'બહેન'  તરીકે સંબોધિત કરી હતી, પરંતુ ડલાસ ફોર્ટવર્થ ટેક્સાસમાં અમેરિકન ઈસ્લામિક  રિલેશન્સે સિદ્દિકીનો ભાઈ મોહમ્મદ સિદ્દિકી આ ઘટનામાં સંડોવાયેલ નહીં હોવાનું જણાવ્યું હતું.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો