સ્વામી સચ્ચિદાનંદ પદ્મ ભૂષણ, ખલીલ ધનતેજવી, સવજી ધોળકિયાને પદ્મશ્રી


નવી દિલ્હી, તા.૨૫
દેશમાં ૭૩મા પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ સરકારે પદ્મ એવોર્ડની જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકાર દ્વારા મંગળવારે સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રમાં ગુજરાતી સંત સ્વામી સચ્ચિદાનંદને પદ્મ ભૂષણ જ્યારે સાહિત્ય અને શિક્ષણમાં ખલીલ ધનતેજવી (મરણોત્તર), સામાજિક કાર્યમાં સવજીભાઈ ધોળકિયા, ગામિત રમિલાબેન રાયસિંગભાઈ, મેડિસિનના ક્ષેત્રમાં ડૉ. લતા દેસાઈ, વિજ્ઞાાન અને એન્જિનિયરિંગમાં જયંતકુમાર મંગનલાલ વ્યાસ સહિત પાંચને પદ્મ શ્રીથી સન્માનિત કરાયા છે. આ ઉપરાંત દિવંગત જનરલ બિપિન રાવત અને ભાજપના નેતા કલ્યાણસિંહને મરણોત્તર પદ્મ વિભૂષણથી સન્માનિત કરાયા છે. આ સાથે કુલ ૧૨૮ લોકોની પદ્મ એવોર્ડ માટે પસંદગી કરાઈ છે.
કેન્દ્ર સરકાર વિવિધ ક્ષેત્રોમાં અસાધરણ યોગદાન આપીને દેશનું ગૌરવ વધારનારા લોકોની પ્રત્યેક વર્ષે પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ પદ્મ એવોર્ડ માટે પસંદગી કરે છે. કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૨૨ માટે ૧૨૮ લોકોની પદ્મ એવોર્ડ માટે પસંદગી કરી છે, જેમાં ૧૩ લોકોને મરણોત્તર પદ્મ એવોર્ડ અપાશે. આ વર્ષે પણ દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન માટે કોઈની પણ પસંદગી કરાઈ નથી.
સરકારે જાહેર કરેલા પદ્મ એવોર્ડમાં ઉત્તરાખંડના જનરલ બિપિન રાવત (સિવિલ સર્વિસ), ઉત્તર પ્રદેશના ભાજપના નેતા અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહ (જાહેર જીવન) તથા ધાર્મિક પુસ્તકોનું પ્રકાશન કરતી ગીતા પ્રેસ ગોરખપુરના અધ્યક્ષ રાધેશ્યામ ખેમકા (સાહિત્ય અને શિક્ષણ)ને મરણોત્તર પદ્મ વિભૂષણ એવોર્ડ આપવાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રના પ્રભા અત્રેને કળાના ક્ષેત્રમાં પદ્મ વિભૂષણ એવોર્ડ અપાશે.
ઉપરાંત કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરના કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ (જાહેર જીવન), પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ડાબેરી નેતા બુદ્ધદેવ ભટ્ટાચાર્ય (જાહેર સેવા), માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલા, આલ્ફાબેટ (ગૂગલ)ના સીઈઓ સુંદર પિચાઈ, કોરોના રસીના ઉત્પાદકો સિરમ ઈન્સ્ટિટયૂટના એમડી સાયરસ પૂનાવાલા, ભારત બાયોટેકના ચેરમેન ક્રિષ્ના ઈલા અને તેમનાં પત્ની સુચિત્રા ઈલા સહિત ૧૭ લોકોને પદ્મ ભૂષણ એવોર્ડથી સન્માનિત કર્યા છે. બોલિવૂડ ગાયક સોનુ નિગમ સહિત ૧૦૭ લોકોની પદ્મ શ્રી એવોર્ડ માટે પસંદગી કરાઈ છે. સરકારે પૂર્વોત્તરના રાજ્યોમાંથી છ લોકોની પદ્મ એવોર્ડ માટે પસંદગી કરી છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો