કાનપુરમાં મોડી રાત્રે થયો મોટો અકસ્માત, બેકાબુ ઈ-બસે 17 વાહનોને કચડી નાખ્યા, 6 લોકોના મોત
- પુલ ઉતરતા જ ડ્રાઈવરે બસને ઉલ્ટી દિશામાં ચલાવવાનું શરૂ કર્યું હતું અને જે કોઈ પણ વચ્ચે આવ્યુ તેને કચડી નાખીને નીકળી ગયો હતો
નવી દિલ્હી, તા. 31 જાન્યુઆરી, 2022, સોમવાર
કાનપુરમાં ગઈ રાતે ટાટમિલ ક્રોસરોડ નજીક બેકાબુ ઈલેક્ટ્રિક બસે 17 વાહનોને ટક્કર મારી દીધી હતી. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 6 લોકોના સ્થળ પર જ મોત થઈ ગયા હતા જ્યારે ડઝનથી વધારે લોકોને ઘાયલ બતાવવામાં આવી રહ્યા છે. ઘાયલ થયેલા લોકોમાંથી 7 લોકોને ટાટમિલ સ્થિત કૃષ્ણા હોસ્પિટલ અને 4ને હૈલટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી કેટલાકની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. બીજી તરફ લોકોને કચડી નાખ્યા બાદ ભાગવાની કોશિશમાં તે ઈ-બસ ટાટમિલ ક્રોસરોડ પાસે ડંપર સાથે ટકરાઈ હતી પરંતુ ઈ-બસનો ડ્રાઈવર તક જોઈને ત્યાંથી નીકળી ગયો હતો.
મળતી માહિતી પ્રમાણે રવિવારે મોડી રાત્રે લગભગ 11:30 વાગ્યે ઈલેક્ટ્રિક બસ તેજ ગતિથી ઘંટાઘર ક્રોસ રોડથી ટાટમિલ તરફ જઈ રહી હતી. પુલ ઉતરતા જ ડ્રાઈવરે બસને ઉલ્ટી દિશામાં ચલાવવાનું શરૂ કર્યું હતું અને જે કોઈ પણ વચ્ચે આવ્યુ તેને કચડી નાખીને નીકળી ગયો હતો. આ અકસ્માતમાં 6 લોકોના સ્થળ પર જ મૃત્યુ થઈ ગયા હતા જેમાંથી 3ની ઓળખ થઈ શકી છે. બીજી તરફ પોલીસ અન્ય મૃતકોની ઓળખ કરી રહી છે.
આરએમ ડીવી સિંહે જણાવ્યુ છે કે, ઈ-બસ નંબર યુપી 78 જીટી 3970 બસથી અકસ્માત થયો છે. ઈ-બસોના સંચાલન અને મેન્ટેનેંસની જવાબદારી ખાનગી એજન્સી પીએમઆઈની છે. તેની પાસેથી સ્પષ્ટીકરણ માંગવામાં આવ્યું છે અને આ સમગ્ર મામલે તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે.
Comments
Post a Comment