હિજાબ ઈસ્લામનું અનિવાર્ય અંગ નથી : કર્ણાટક હાઈકોર્ટ


બેંગ્લુરુ, તા. ૧૫
કર્ણાટક હાઈકોર્ટે હિજાબ વિવાદ પર મંગળવારે મહત્વપૂર્ણ ચૂકાદો આપતા જણાવ્યું કે હિજાબ પહેરવો ઈસ્લામિક ધર્મની અનિવાર્ય પ્રથા નથી. આ સાથે હાઈકોર્ટે સ્કૂલ-કોલેજોમાં હિજાબ પર પ્રતિબંધના રાજ્ય સરકારના નિર્ણયને પડકારતી અરજીઓ નકારી કાઢી છે. ઉડુપીની વિદ્યાર્થિનીઓએ ક્લાસરૂમમાં હિજાબ પહેરવા મંજૂરી માગતા કરેલી અરજી નકારતા હાઈકોર્ટે કહ્યું કે સ્કૂલને ડ્રેસ નક્કી કરવાનો અધિકાર છે અને વિદ્યાર્થીઓ સ્કૂલ ડ્રેસ પહેરવાનો ઈનકાર કરી શકે નહીં. સાથે જ હાઈકોર્ટે અચાનક જ હિજાબ વિવાદ ઊભો થવા અંગે પણ સવાલ ઉઠાવતા કહ્યું કે ચાલુ શૈક્ષણિક સત્રમાં જે રીતે હિજાબ વિવાદ ઊભો થયો છે તે જોતાં તેની પાછળ કોઈનો હાથ હોય તેમ લાગે છે. જોકે, આ ચુકાદાને વિદ્યાર્થિનીઓએ સુપ્રીમમાં પડકાર્યો છે.
હાઈકોર્ટની ત્રણ જજોની ફૂલ બેન્ચે ૧૫ દિવસ સુધી સુનાવણી કરી
કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની બેન્ચે ચૂકાદો સંભળાવતા કહ્યું કે, ક્લાસરૂમની અંદર આચારસંહિતા જરૂરી છે. ક્લાસરૂમની બહાર વિદ્યાર્થીઓ કોઈપણ ડ્રેસ પહેરી શકે છે, પરંતુ ક્લાસરૂમમાં તેમણે સ્કૂલ-કોલેજના ડ્રેસ કોડને જ માન્યતા આપવી જોઈએ. સ્કૂલ અને કોલેજને તેમનો ડ્રેસકોડ નક્કી કરવાનો અધિકાર છે. શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પહેરવા મુદ્દે હાઈકોર્ટમાં પહોંચેલા આ વિવાદ પર ફુલ બેન્ચે ૧૫ કરતાં વધુ દિવસ સુધી સુનાવણી કરી અને બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી ગયા સપ્તાહે ચૂકાદો અનામત રાખ્યો હતો.
શિવમોગામાં સ્કૂલ-કોલેજ બંધ, ૨૧મી સુધી કલમ ૧૪૪ લાગુ
આ વિવાદની સંવેદનશિલતાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે કર્ણાટકના જિલ્લાઓમાં કલમ ૧૪૪ લાગુ કરી દીધી હતી. જે વિસ્તારો વધુ સંવેદનશીલ છે ત્યાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો નિર્ણય પર કરાયો હતો. શિવમોગામાં સ્કૂલ-કોલેજો બંધ કરી દેવાયા હતા. અહીં ૨૧મી માર્ચ સુધી કલમ ૧૪૪ લાગુ કરાઈ છે. હાઈકોર્ટના ન્યાયાધીશોના આવાસની સુરક્ષા પણ વધારી દેવાઈ હતી.
સ્કૂલોમાં યુનિફોર્મ પહેરવા પર વિદ્યાર્થીઓ વાંધો ઉઠાવી શકે નહીં
કર્ણાટક હાઈકોર્ટે મુખ્યત્વે કેટલાક સવાલોના આધારે ચૂકાદો સંભળાવ્યો હતો. હિજાબ પહેરવો ઈસ્લામની અનિવાર્ય પ્રથાનો ભાગ છે કે કેમ તેવા સવાલના જવાબમાં હાઈકોર્ટે કહ્યું કે હિજાબ પહેરવો ઈસ્લામની અનિવાર્ય પ્રથાનો ભાગ નથી. વિદ્યાર્થીઓ દ્વારા યુનિફોર્મ પહેરવાનો ઈનકાર કરવો એ પ્રિસ્ક્રિપ્શન અધિકારોનો ભંગ છે? આ સંદર્ભમાં હાઈકોર્ટે કહ્યું કે, સ્કૂલ યુનિફોર્મ પ્રિસ્ક્રિપ્શનનો એક યોગ્ય પ્રતિબંધ છે, તેના પર વિદ્યાર્થીઓ વાંધો ઉઠાવી શકે નહીં.
હિજાબ પર પ્રતિબંધ વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી
ઉડુપીની એક સ્કૂલની વિદ્યાર્થિનીઓએ સ્કૂલ-કોલેજમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂકવાના સરકારના આદેશ વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ સંદર્ભમાં ૯મી ફેબુ્રઆરીએ મુખ્ય ન્યાયાધીશ રિતુ રાજ અવસ્થી, ન્યાયાધીશ કૃષ્ણા એસ. દીક્ષિત અને ન્યાયાધીશ જે.એમ. ખાજીની બેન્ચની રચના કરી હતી. વિદ્યાર્થિનીઓએ અરજીમાં કહ્યું હતું કે, હિજાબ તેમની ધાર્મિક આસ્થાનો ભાગ છે. તેથી તેમને ક્લાસરૂમની અંદર પણ હિજાબ પહેરવાની મંજૂરી આપવી જોઈએ.
હિજાબ વિવાદના કારણે કર્ણાટકમાં ૪૦ દિવસ સ્કૂલ-કોલેજો બંધ રહ્યા
ઉડુપીની સરકારી કોલેજમાં ૬ વિદ્યાર્થિનીઓએ હિજાબ પહેરી કોલેજમાં પ્રવેશી હતી. જોકે, કોલેજ તંત્રે વિદ્યાર્થિનીઓને ક્લાસરૂમમાં હિજાબ પહેરવાની મંજૂરી આપવાનો ઈનકાર કર્યો હતો. તંત્રના આ નિર્ણયને વિદ્યાર્થિનીઓએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જોકે, ત્યાર પછી આખા દેશમાં આ અંગે વિવાદ સર્જાયો હતો અને હિજાબના સમર્થન તથા વિરોધમાં દેશભરમાં દેખાવો થયા હતા. કર્ણાટકમાં હિજાબનો વિવાદ વકરતા રાજ્ય સરકારે સ્કૂલ-કોલેજમાં યુનિફોર્મ અનિવાર્ય કરવાનો નિર્ણય કર્યો હતો. તેમજ આ વિવાદને પગલે કર્ણાટકમાં લગભગ ૪૦ દિવસ સુધી સ્કૂલ-કોલેજો બંધ કરવા પડયા હતા.
રાજ્યમાં સામાજિક અશાંતી પેદા કરવા વિવાદ ઊભો કરાયાની શંકા
કર્ણાટક હાઈકોર્ટે હિજાબ વિવાદમાં ચૂકાદો આપતા શૈક્ષણિક સંસ્થાઓની સ્વાયત્તતા જાળવી રાખી હતી. હાઈકોર્ટે કહ્યું કે વિદ્યાર્થીઓએ યુનિફોર્મનો નિયમ માનવો જોઈએ. આ સાથે જ કોર્ટે ચાલુ શૈક્ષણિક સત્રમાં અચાનક હિજાબ વિવાદ ઊઠવા અંગે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે, જે રીતે હિજાબ વિવાદ ઊભો થયો છે તેનાથી લાગે છે કે આ વિવાદમાં કોઈનો હાથ છે. સામાજિક અશાંતિ પેદા કરવી અને સદ્ભાવના ખતમ કરવા માટે આવું કરાયું હોય તેમ લાગે છે. આ સાથે કોર્ટે સ્પષ્ટપણે કહ્યું કે, હિજાબ ઈસ્લામને માનવા માટેની અનિવાર્ય શરત નથી. હિજાબ એક સંસ્કૃતિ છે, ધર્મ નહીં.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે