... તો દીકરી શિક્ષણ-લગ્ન માટે પિતાના પૈસાની હકદાર નથી: સુપ્રીમ કોર્ટ
- પુત્રી પિતા સાથે કોઈ સંબંધ જાળવવા નહોતી માગતી માટે તે પોતાના શિક્ષણ માટે પિતા પાસેથી નાણાની માગણી ન કરી શકે
નવી દિલ્હી, તા. 17 માર્ચ 2022, ગુરૂવાર
સુપ્રીમ કોર્ટે બુધવારે જણાવ્યું કે, જો દીકરી પોતાના પિતા સાથે કોઈ પણ સંબંધો જાળવવા ન માગતી હોય તો તે પોતાના શિક્ષણ કે લગ્ન માટે પિતા પાસેથી કોઈ પણ રાશિ મેળવવા માટે હકદાર નથી.
જસ્ટિસ સંજય કિશન કૌલ અને એમએમ સુંદરેશની બેન્ચે જણાવ્યું કે, આ વિશેષ કેસમાં દીકરીની ઉંમર 20 વર્ષ હતી અને તે પોતાનો રસ્તો પસંદ કરવા માટે સ્વતંત્ર હતી. પરંતુ તે પોતાના પિતા સાથે કોઈ સંબંધ જાળવવા નહોતી માગતી માટે તે પોતાના શિક્ષણ માટે પિતા પાસેથી નાણાની માગણી ન કરી શકે.
કોર્ટે જણાવ્યું કે, 'જ્યાં સુધી દીકરીના શિક્ષણ અને લગ્નના ખર્ચાનો સવાલ છે તો તેના દૃષ્ટિકોણથી એવું પ્રતીત થાય છે કે, તે અપીલકર્તા સાથે કોઈ સંબંધ રાખવા નથી ઈચ્છતી અને તેની ઉંમર આશરે 20 વર્ષની છે. તે પોતાનો રસ્તો જાતે જ પસંદ કરવા માટે હકદાર છે પરંતુ પછી અપીલકર્તા પાસેથી શિક્ષણ માટે રાશિની માગણી ન કરી શકે. આ મુજબ અમે માનીએ છીએ કે, દીકરી કોઈ પણ રકમ મેળવવા માટે હકદાર નથી.'
જોકે કોર્ટે જણાવ્યું કે, માતા માટે કાયમી ભરણપોષણ તરીકે ચુકવવાની રકમનું નિર્ધારણ કરવામાં એ સુનિશ્ચિત કરવા ધ્યાન આપવામાં આવશે કે તેણી ઈચ્છે તો પોતાની દીકરીને સાથ આપવા તેના પાસે પર્યાપ્ત ધન ઉપલબ્ધ હોય.
પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ દ્વારા ઈનકાર કરાયા બાદ સુપ્રીમ કોર્ટે પતિ દ્વારા દાખલ કરવામાં આવેલી ડિવોર્સ માટેની અરજી પર સુનાવણી દરમિયાન આ જણાવ્યું હતું.
તે વ્યક્તિએ શરૂઆતમાં વૈવાહિક અધિકારોને પુનઃસ્થાપિત કરવા માટે અરજી દાખલ કરી હતી જેનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ત્યાર બાદ તેણે જિલ્લા જજ સમક્ષ પોતાના લગ્નની સમાપ્તિ માટે અરજી દાખલ કરી હતી.
પરિત્યાગના આધાર પર તે અરજીને મંજૂર કરી લેવામાં આવી હતી પરંતુ બાદમાં પત્નીએ તેને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં પડકાર આપ્યો હતો. હાઈકોર્ટે નીચલી અદાલતના નિર્ણયને પલટી દીધો હતો અને ત્યાર બાદ પતિએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
જ્યારે ડિવોર્સ માટેની અરજી પેન્ડિંગ હતી ત્યારે સુપ્રીમ કોર્ટ મધ્યસ્થતા કેન્દ્ર સમક્ષ સુલેહ માટે પ્રયત્ન કરવામાં આવ્યા હતા. એટલે સુધી કે, પિતા અને પુત્રીના સંબંધોમાં સુલેહ માટે પણ પ્રક્રિયા ચાલી હતી.
દીકરી પોતાના જન્મ સમયથી જ માતા સાથે રહે છે અને હવે 20 વર્ષની ઉંમરે તેણે પોતાના પિતા સાથે કોઈ સંબંધ રાખવાની ના પાડી દીધી હતી.
અપીલકર્તા તરફથી વરિષ્ઠ વકીલ નિધેશ ગુપ્તાના કહેવા પ્રમાણે ટેલિફોન પર વાતચીત દરમિયાન પિતા અને પુત્રીના સંબંધો વધુ કટુ અને અપ્રિય બન્યા હતા.
અદાલતે ભારતના બંધારણની કલમ 142 હેઠળના તેના અધિકારક્ષેત્રનો ઉપયોગ કરીને અપીલકર્તા અને પ્રતિવાદી વચ્ચેના બે દાયકા જૂના લગ્નને 'લગ્નના અપ્રમાણ્ય ભંગાણ' ના આધાર પર અમાન્ય અને શૂન્ય જાહેર કર્યા હતા.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, દીકરીના ખર્ચ મામલે કોર્ટે ચુકાદો આપ્યો કે, તે પોતાના શિક્ષણ માટે કોઈ પૈસાની હકદાર નહીં રહે.
આથી સર્વોચ્ચ અદાલતે પ્રતિવાદીનું કાયમી ભરણપોષણ નક્કી કર્યું છે. જે હાલમાં વચગાળાના ભરણપોષણ તરીકે દર મહિને રૂ. 8,000 ચુકવવામાં આવશે અને તમામ દાવાઓની સંપૂર્ણ અને અંતિમ પતાવટમાં રૂ. 10 લાખ ચુકવવાના રહેશે.
Comments
Post a Comment