રશિયા પાસે ૧૦ દિવસ ચાલે તેટલો જ શસ્ત્રસરંજામ : પૂર્વ અમેરિકી કમાન્ડર


વોશિંગ્ટન/કીવ, તા.૧૫
રશિયાએ યુક્રેન પર આક્રમણના ૨૦મા દિવસે રાજધાની કીવ અને મારિયુપોલ સહિતના શહેરો પર હુમલા વધારી દીધા છે. કીવમાં મંગળવારે વહેલી સવારે ૧૫ માળની રહેણાંક ઈમારત પર હુમલો કર્યો હતો, જેમાં એકનું મોત નીપજ્યું હતું. આ સિવાય રશિયાએ મારિયુપોલ, ઈરપિન, લવિવ શહેરો પર પણ હુમલા વધાર્યા હતા. રશિયાના હુમલાઓ વચ્ચે યુરોપીયન યુનિયનના ત્રણ નેતાઓ સ્થિતિની સમીક્ષા કરવા ટ્રેનથી કીવ પહોંચ્યા હતા. આ  સમગ્ર ઘટનાક્રમ વચ્ચે અમેરિકાના ભૂતપૂર્વ કમાન્ડર બેન હોજેસે દાવો કર્યો હતો કે હવે રશિયા પાસે માત્ર ૧૦ દિવસ ચાલે તેટલો જ શસ્ત્રસરંજામ બચ્યો છે.
અમેરિકાનાં યુરોપ સ્થિત આર્મીના કમાન્ડર લેફટે. જન. બેન હોજીઝે એક અમેરિકન ટીવી ન્યુઝ પ્રોગ્રામમાં કહ્યું હતું કે, રશિયન દળો યુક્રેનના યાવોરિવ સ્થિત મીલીટરી ટ્રેનિંગ સેન્ટર સુધી પહોંચી રહ્યાં છે અને તે દ્વારા તેઓ તેવું સાબિત કરવા માગે છે કે તેઓ પોલેન્ડથી યુક્રેનને મળતો પુરવઠો અને ટેકો પણ બંધ કરી શકે તેમ છે, પરંતુ તે સાથે હું તેમ પણ વિચારૃં છું કે, ત્યા જે બની રહ્યું છે, તેમાં અતિશયોક્તિ પણ ન કરવી જોઈએ.
આમ છતાં અમેરિકી સંરક્ષણ અધિકારીઓનું સ્પષ્ટ માનવું છે કે, હજી સુધી રશિયાએ કરેલાં તમામ હુમલાઓને યુક્રેને લગભગ નિષ્ફળ બનાવ્યા છે અને ગત સપ્તાહના અંત સુધીમાં માત્ર નજીવી જ પ્રગતિ રશિયન દળો કરી શક્યા છે. રશિયાએ ૯૦૦થી વધુ મિસાઇલ્સ છોડયાં છે છતાં યુક્રેનની એર-સ્પેસ અંગે હજી સંઘર્ષ ચાલુ છે.
યુક્રેનના સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે, રશિયાએ કીવમાં મંગળવારે આર્ટીલરીથી ભારે બોમ્બમારો કર્યો છે. કીવ પર રશિયાનો હુમલો વધુ પદ્ધતિસરનો થઈ રહ્યો છે. રશિયાએ ચાર માળની રહેણાંક ઈમારતો પર મિસાઈલથી હુમલા કર્યા છે, જેમાં અનેક લોકોનાં મોત નીપજ્યાં છે. મારિયુપોલમાં સ્થિતિ વધુ ભયાનક છે, જ્યાં ૨,૩૦૦ લોકોનાં મોત નીપજ્યાં છે અને લોકો ભોજન, પાણી અને દવાઓની અછતનો સામનો કરી રહ્યા છે.
દરમિયાન યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે તેના દેશને હવે ખ્યાલ આવી ગયો છે કે તે નાટોમાં જોડાઈ શકે તેમ નથી. બ્રિટન સ્થિત જોઈન્ટ એક્સપેડિશનરી ફોર્સના પ્રતિનિધિઓ સાથે વાત કરતાં ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે, અમે વર્ષોથી સાંભળતા હતા કે અમારા માટે નાટોના દરવાજા ખુલ્લા છે, પરંતુ અમને હવે ખ્યાલ આવી ગયો છે કે અમે નાટોમાં જોડાઈ શકીએ તેમ નથી. આ હકીકત છે અને અમારે તે સ્વીકારવી પડશે.
રશિયાએ યુક્રેનના શહેરો પર હુમલા વધાર્યા છે એવા સમયે યુરોપીયન યુનિયન (ઈયુ)ના ત્રણ દેશો પોલેન્ડ, ચેક ગણરાજ્ય અને સ્લોવેનિયાના નેતાઓ યુક્રેનના ટોચના નેતાઓને મળવા માટે ટ્રેન મારફત કીવ પહોંચ્યા હતા. આ નેતાઓમાં પોલેન્ડના વડાપ્રધાન માતેયુઝ મોરાવૈકી, ચેક ગણરાજ્યના પેટ્ર ફિઆલા અને સ્લોવેનિયાના જાનેઝ જાન્સાનો સમાવેશ થાય છે. તેમની સાથે પોલેન્ડના ડી-ફેક્ટો નેતા જારોસ્લાવ કાઝિન્સ્કી પણ કીવ પહોંચ્યા છે. આ નેતાઓ કીવમાં વાસ્તવિક સ્થિતિની સમીક્ષા કરવા પહોંચ્યા છે.
દરમિયાન યુક્રેનના નાયબ વડાપ્રધાન ઈરીના વેેરેશ્ચુકસેઝે જણાવ્યું હતું કે, રશિયાના ભારે  હુમલા વચ્ચે મંગળવારે નવ માનવ કોરીડોર બનાવાયા હતા. મારિયુપોલમાં માનવકોરીડોર મારફત ૨,૦૦૦ કારમાં મોટી સંખ્યામાં નાગરિકોએ પશ્ચિમી સરહદે પડોશી દેશોમાં પલાયન કર્યું હતું. આ સાથે યુક્રેનમાંથી અત્યાર સુધીમાં ૩૦ લાખ લોકોએ શરણાર્થી બનવાની ફરજ પડી હોવાનું સંયુક્ત રાષ્ટ્રે જણાવ્યું હતું.
દરમિયાન રશિયા અને યુક્રેન વચ્ચે મંગળવારે ચોથા તબક્કાની શાંતિ વાટાઘાટો યોજાઈ હતી. જોકે, આ મંત્રણાનું કોઈ પરિણામ આવ્યું નહોતું. છતાં બંને દેશો રાજદ્વારી ચેનલ ખુલ્લી રાખવા અને વધુ વાટાઘાટો યોજવા માટે સંમત થયા હતા. જોકે, બંને દેશોએ છેલ્લા કેટલાક દિવસમાં વાટાઘાટોમાં આગળ વધવા અંગે આશાવાદ વ્યક્ત કર્યો છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો