રાષ્ટ્રપતિ બનાવવાના પ્રસ્તાવના બદલામાં BJPની 'મદદ' મામલે માયાવતીનું મૌનભંગ


- માયાવતીએ આરોપ લગાવ્યો હતો કે, ભાજપ અને RSSએ તેમના સમર્થકોને આડેપાટે ચડાવવા માટે ખોટો પ્રચાર કર્યો હતો

લખનૌ, તા. 28 માર્ચ 2022, સોમવાર

ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની મદદ કરવાના આરોપો અને તેના બદલામાં તેમને રાષ્ટ્રપતિ બનાવવાના પ્રસ્તાવ સાથે સંકળાયેલા દાવા પર બસપા સુપ્રીમો માયાવતીએ આકરી પ્રતિક્રિયા આપી છે. બહુજન સમાજ પાર્ટી સુપ્રીમો માયાવતીએ રવિવારે એક કાર્યક્રમ દરમિયાન આ આરોપોનો જવાબ આપ્યો હતો. 

માયાવતીએ આરોપ લગાવ્યો હતો કે, ભાજપ અને RSSએ તેમના સમર્થકોને આડેપાટે ચડાવવા માટે એવો ખોટો પ્રચાર કર્યો હતો કે, જો ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને જીતવા દેવામાં આવશે તો બહેનજીને રાષ્ટ્રપતિ બનાવવામાં આવશે. 

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે, તેઓ કોઈ પણ પાર્ટીના આ પ્રકારના પ્રસ્તાવનો સ્વીકાર નહીં કરે. 

વિધાનસભા ચૂંટણીમાં આકરા પરાજય બાદ બસપા પ્રમુખ માયાવતીએ પહેલી વખત પાર્ટીના પદાધિકારીઓ, કાર્યકરો અને પૂર્વ ઉમેદવારોની સમીક્ષા બેઠકને સંબોધીત કરી હતી. તેમણે કહ્યું કે, આ ચૂંટણીમાં બસપાને નબળી પાડવા માટે ભાજપે એક વિચારીને રચેલા ષડયંત્ર પ્રમાણે કામ કર્યું. 

ચૂંટણીમાં પરાજયનું કારણ આપતા માયાવતીએ કહ્યું કે, ભાજપે પોતાના સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા અમારા લોકોમાં એવો ખોટો પ્રચાર કર્યો કે, યુપીમાં બસપાની સરકાર ન બનવા પર અમે તમારા બહેનજીને દેશના રાષ્ટ્રપતિ બનાવી દઈશું, માટે તમારે ભાજપને સત્તામાં આવવા દેવી જોઈએ. માયાવતીએ જણાવ્યું કે, રાષ્ટ્રપતિ બનવું તો બહું દૂરની વાત છે, તેઓ આ અંગે સપનામાં પણ ન વિચારી શકે. 

બસપા પ્રમુખે કહ્યું કે, 'તેમને એ પણ ખબર છે કે બહુ પહેલા જ કાંશીરામે તેમનો આ પ્રસ્તાવ ઠુકરાવી દીધો હતો અને હું તો તેમના પદચિહ્નો પર ચાલનારી તેમની મજબૂત શિષ્યા છું. જ્યારે કાશીરામે આ પદ ન સ્વીકારેલું તો પછી હું આ પદનો સ્વીકાર કઈ રીતે કરી શકું. હું મારી પાર્ટી અને આંદોલનના હિતમાં કદી પણ ભાજપ કે અન્ય કોઈ પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદનો સ્વીકાર ન કરી શકું. હવે મારૂં જીવન જ સંઘર્ષ છે અને સંઘર્ષ જ મારૂં જીવન છે. મતલબ કે, હવે મારી જિંદગીની એક-એક પળ દેશભરમાં મારી પાર્ટીને દરેક સ્તરે મજબૂત બનાવવામાં જ વ્યતિત થશે.'

બસપા અધ્યક્ષે અતિ પછાત વર્ગો, મુસ્લિમ અને અન્ય ધાર્મિક અલ્પસંખ્યકો તથા ગરીબ અને પીડિત લોકોને જોડવા પર ભાર આપ્યો હતો. 


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો