LPG Price Hike: દૂધ અને પેટ્રોલ-ડીઝલ બાદ હવે LPG સિલિન્ડરની કિંમતમાં થયો વધારો
- LPG સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો
નવી દિલ્હી, તા. 22 માર્ચ 2022, મંગળવાર
Russia-Ukraine War ના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલા વધારાની અસર હવે ઘરેલુ સ્તરે જોવા મળી રહી છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) એ આજથી એટલે કે 22 માર્ચથી ઘરેલુ એલપીજીના ભાવમાં વધારો કર્યો છે. આ અગાઉ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ 80 પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો હતો. તેના થોડા દિવસ અગાઉ જ પ્રમુખ દૂધ કંપનીઓએ દૂધના ભાવમાં પ્રતિ લીટર 2-5 રૂપિયાનો વધારો કર્યો હતો. આમ, સામાન્ય જનતાને એક સાથે મોંઘવારીનો માર પડ્યો છે.
50 રૂપિયાનો વધારો
સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ઘણા મહિનાના અંતર બાદ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. ઓઈલ કંપનીઓએ 6 ઓક્ટોબર 2021 પછી ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં વધારો કર્યો છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારા બાદ દિલ્હીમાં એલપીજી સિલિન્ડરની કિંમત આજથી 899.50 રૂપિયાથી વધીને 949.5 રૂપિયા થઈ ગઈ છે.
આ શહેરોમાં આટલો વધ્યો ભાવ
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં 14.2 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત વધીને 976 રૂપિયા થઈ ગઈ છે. અગાઉ કોલકાતામાં તેની કિંમત 926 રૂપિયા હતી. ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં એલપીજી સિલિન્ડરની કિંમત વધીને 987.5 રૂપિયા થઈ ગઈ છે. પટનામાં 14.2 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત 1047.5 રૂપિયા થઈ ગઈ છે.
મુંબઈ અને ચેન્નઈમાં પણ વધ્યા ભાવ
માયાનગરી મુંબઈમાં 14.2 કિલોગ્રામના એલપીજી સિલિન્ડરનો ભાવ વધીને 949.5 રૂપિયા થઈ ગયા છે અહીં તેની કિંમત 899.5 રૂપિયા હતી. બીજી તરફ ચેન્નાઈમાં 14.2 કિલોના એલપીજી સિલિન્ડરનો ભાવ વધીને 965.5 રૂપિયા થઈ ગયો છે. આ પહેલા શહેરમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરનો ભાવ 915.5 રૂપિયા હતો.
Comments
Post a Comment